“બાપ ! હું શક્તિ ! ”
એમ કહેતાં દેવી સન્મુખ પધાર્યા.
“કાં માડી ! કાંડું કાં ઝાલો ?”
“બાપ ! હવે હાંઉ ! ધરાઈ રહી.”
“રજપૂતનું પણ લેવું’તું મા ?”
“પણ નો’તું લેવું. પણની કસોટી લેવી’તી. લે બોલ, તું કોણ છે, બાપ ?”
“માડી ! હું બહારવટીયો છું. સારૂ માણસ તો અહીંયા ક્યાંથી બેઠું હોય ?”
“ના, કાકાનો દીકરો વેજો જોડ્યમાં છે. અને દાદા ગંગદાસ ગુરૂપદે બેઠા છે.”
“પાદશાહ સામે. જુનાગઢ ને અમદાવાદ, બેયની સામે.”
“અમારાં ૪૫૦ ગામ જુનાગઢે આંચકી લીધા છે.
“જગદમ્બા જાણે. એની સામુ જોવામાં અમારો ધર્મ નથી. સાંભળ્યું છે કે નટનાં પખાંમાં છુપે વેશે રઝળે છે. જાણ થાય તો પાદશાહ છોકરાઓની હત્યા કરે.”
“કેટલુક થયાં નીકળ્યા છો ?”
“કાંઈ સાંભરતું નથી. દાદાને કાળા મોવાળા હતા તે ધોળા થઈ ગયા છે.”
“બારવટે પાદશાને પોગાશે બચ્ચા ?”
“સારાં ઘોડાં મળે તો પોગાય માડી ! અમદાવાદ સુધીનો મુલક ધમરોળી નાખીએ. ”
“જેસાજી ! ઘોડાં કાર નહિ કરે. આ ગરના ડુંગરા અને ઉંડી નદીયુંમાં ઘોડાં ભાંગી જશે. જાવ બાપ ! સોમત નદીને કાંઠે તમને બે રોઝડાં મળશે. માથે પલાણીને હાંક્યા કરજો. નદીયું આવશે ત્યાં ઠેકી જાશે ને ડુંગરાના ગાળા ટપી જાશે. પહાડુંમાં હડીયાપાટી કરશે. જેસાજી ! તેં મને તારૂં અંગ અર્પણ કર્યું , તો મારૂં વરદાન સમજજે કે સતધરમ નહિ ચૂકો ત્યાં સુધી તમારો ધજાગરો હેમખેમ રે’શે.”
કહીને શક્તિ અલોપ થઈ ગયાં.
=================
“ગઢવા! જમવા મંડો ! કેમ થંભી ગયા ?”
પણ ગઢવો ખાતો નથી.
ગામને પાદર નટ લોકોના ટોળાં ઉતર્યા છે.
સાંજ પડી ને દિવસ આથમ્યો એટલે શહેરના દરવાજા દેવાઈ ગયા છે ને એક ચારણ મુસાફર બહાર રહી ગયો છે. બે ત્રણ છોકરાં ચારણને પોતાના ઉતારામાં તેડી લાવ્યાં, બે બાઈઓ હતી તેણે રોટલા ઘડ્યા, ચારણને જમવા બેસાર્યો, પણ ચારણ થાળીમાં હાથ બોળતો નથી.
“તમે કેવાં છો મા ! મારી ચારણ દેહ છે, એટલે હું જરાક આંચકો ખાઉ છું.”
“ગઢવા ! વન થાશો ? તો વાત કરીએ. ”
“માડી ! વન તો વાયે ય હલે : હું તો પાણો થાઉં છું : કહો જે કહેવું હોય તે : હું દેવીનું પેટ છું ઈ ભૂલશો મા.”
“પે પાલટીએં પાટ, પંડ પાલટીએં નહિ !
ઘર એાળખીએ ઘાટ, જગતે જે જેસંગતણા.”
“ ગઢવા! બહુ બુરી પડી છે. તેથી આ લૂગડાં બદલાવ્યાં છે. પણ પંડ્ય નથી અભડાવ્યાં. અમે નટ નથી. અમે ગરાસીયા છીએ. ગંગાજળિયા રા’નું કુળ છીએ. અમારા પુરૂષોને માથે પાદશાહનો કોપ ભમે છે.”
“કોણ જેસોજી વેજોજી તો નહિ ?”
“એ જ અમે એનાં ઘરનાં માણસો !”
“તમારી આવી દશા બોન્યું ! આ બારવટાં ! પંડ પર પૂરાં વસ્તર ન મળે ? ખાવાની આ રાબ છાશું ?”
“હોય બારોટ ! વેળા વેળાની છાંયડી છે. અને ચાર ચોરાશીયુંના મોડ પહેરનારા પુરૂષો જ્યારે અનોધાં દુઃખ વેઠે છે, ત્યારે અમથી આટલાં તપ તો તપાય ને ! તરવાર લઈને જે દિ’ જોડે ઘુમશું તે દિ’ વળી વશેકાઈ વદશે. આજ તો આભને ઓળે છોરૂડાંને ઉઝેરીએ છીએ ગઢવા !”
ચારણે વાળુ કર્યું. પ્રભાતે ચારણે રજા લીધી. કહેતો ગયો કે “માડી ! છઉં તો પાદશાહનો દસોંદી, પણ તમારા ઠાકોરને ન ઉગારૂં તો આ અનાજ કીડાને ખવરાવ્યું સમજજો !” અમરકથાઓ
“હજાર હાથવાળો ઉગારશે ગઢવા ! બાકી અમે તો ચૂડા ભાંગવા તૈયાર થઈને જ બેઠીયું છીએ. પણ અમારાં દુઃખને કારણે બારવટીયા પાદશાહને શરણે જાય, ઈ તો કદિ નહિ થાય.”
“જેસાજી વેજોજી પાદશાહને શરણે જાય ! હથીઆર મેલે ! તો તો ગંગા અવળી વહે, અને રંગ છે તમને રજપુતાણીયું ! આમ ૨ઝળીને પણ ધણીઓને પાનો ચડાવો છો. રંગ !
હજી સૂર ઝળહળે
હજી સાબત ઈંદ્રાસણ !
હજી ગંગ ખળહળે
હજી પરઝળે હૂતાશણ !
છપ્પય બોલતાં બોલતાં ચારણના રૂવાડાં બેઠાં થઈ ગયાં અને એણે દુહો લલકાર્યો :
(જો) જેસો ને વેજો જાય ઓળે અહરાણું તણે,
(તો તો) પે પાંડરૂં ન થાય કાળી ધેને કવટાઉત !
[જો જેસો વેજો જેવા અટંકી રજપૂતો પાદશાહને શરણે જાય, તો સૃષ્ટિના નિયમ પલટી જાય : તો તો કાળા રંગની ગાયનું દૂધ પણ કાળુ જ બની જાય, ધોળું ન રહે.]
(ક્રમશ:)
Related