પુરુષ તરીકે જન્મ એ chromosome-combination નું પરિણામ માત્ર છે એવું વિજ્ઞાને સિધ્ધ કર્યે પણ વરસો વીતી ગયાંના જમાનામાં આપણે છીએ. એમ છતાં આ સંયોજનને કારણે પુત્રી જન્મ માટે માતાને જવાબદાર માનીને તિરસ્કાર કરતો સમાજ – સ્ત્રી સહિત – હજી છે. કોઇ એ માનતું નથી કે પ્રયોગશાળામાં થતા વિજ્ઞાનના આવિષ્કાર છતાં સ્ત્રી- પુરુષનો સંપૂર્ણ વિકલ્પ નથી મળ્યો ને પુરુષ તરીકે જન્મવું હોય તો હજી પણ સ્ત્રીનું હોવું અનિવાર્ય છે.
મૂલત: પ્રાકૃતિક ભિન્નતા ધરાવતા આ બે પ્રાણી – નર ને માદા – સ્વપ્રતિભાના બળે એકમેકના કાર્યક્ષેત્રે પણ ઓળખ ઊભી કરી જ શકે છે, ને એવા અપવાદ હવે વધ્યા પણ છે. સમય બદલાઇ રહ્યો છે. સમાજ વ્યવસ્થા પણ હળવે હળવે બદલાઇ રહી છે. અભ્યાસ અને આર્થિક સ્વતંત્રતાએ આ ફેરફારને સ્વીકાર્ય બનાવ્યા છે. આમ છતાં હજી પૂર્ણ પરિવર્તનને વાર છે. એ માટે પુરુષ અને સ્ત્રી બંનેમાં વિચાર પરિવર્તન જરુરી છે.
અલગ અસ્તિત્વ અને સ્વતંત્ર વ્યક્તિત્વ બંનેનો સાદર સ્વીકાર થાય ત્યાં લગી રાહ જોવી રહી.
પ્રકૃતિવશ પુરુષને “આપનાર” અમે સ્ત્રીને “સ્વીકારનાર” કરનાર તરીકે ઓળખનાર સમાજે પુરુષના સથવારે સ્ત્રીને પણ સંતાનજન્મ આપનાર તરીકે વધાવી છે. પ્રકૃતિને સર્જનચક્ર ચાલુ રાખવું છે એટલે એમાં માતૃત્વનો મહિમા રહેવાનો. અલબત્ત, સંતાનરુપે નવા જીવને જન્મ ન આપનાર સ્ત્રી પુરુષ પણ આ લાગણીનો ઉત્સવ મનાવતાં જ હોય છે. હવે તો વિજ્ઞાનને કાયદો પણ એમને પડખે છે. સમાજ સ્વસ્થ થઇ રહ્યો છે.
પુરુષ દિવસ ઉજવવો એ એ વધતી સમજનું જ ઉદાહરણ છે. હવે બધા દિવસ બંનેના છે ને એ પૈકી એક એક દિવસ એવો કલ્પ્યો છે જ્યારે એ બંનેનો મહિમા યાદ કરાય. જીવનચક્રના સંતુલિત વિકાસ માટે બંને સરખા મહત્વના છે એનો અહીં સમજણભર્યો સ્વીકાર છે. છાને ખૂણે કે પ્રગટપણે પુરુષ દ્વારા થતા શોષણની વાત હવે માત્ર સ્ત્રીને બિચારી નથી બનાવતી, પુરુષનેય અસંસ્કૃત સિધ્ધ કરે છે. તો સ્ત્રી દ્વારા પુરુષનું જીવન પણ ઝેર બની શકે એ શક્યતાનો સ્વીકાર સ્ત્રીઓમાં પણ જોવા મળે છે.
સ્વેચ્છાએ તન અને મનના સુખ માટે અને સુચારુ જીવન નિર્વાહ માટે આર્થિક બાબતોમાં પુરુષ પર આધાર રાખતી સ્ત્રી પુરુષની અણગમતી વાત ચલાવી લે તો લગ્નજીવનના આનંદ ને સંતોષ ઉપરાંત પરિવારની પ્રસન્નતા ને પ્રતિષ્ઠા માટે સ્ત્રીના સહયોગની અનિવાર્યતા પુરુષ પણ સમજતો જ હોય છે. જ્યાં આ સમજનો અભાવ કે ઇન્કાર હોય ત્યાં સંતુલન જોખમાય છે. અને ત્યાં સ્ત્રી કે પુરુષ દિનની ઉજવણીનો સંદર્ભ બદલાઇ જાય છે.
સ્ત્રી પુરુષના આ વિવિધ શક્યતાસભર સંબંધનાં પીડા ને પ્રસન્નતા લલિતકલાના માધ્યમોમાં યુગોથી સતત ઝીલાતા રહ્યાં છે. કશું આજે જ બગડ્યું નથી કે કશું ચપટી વગાડતાં સુધરતું પણ નથી.
Related