ચાંપાનેર નજીક પાવાગઢ ખાતે મહાકાળી માતાજી નું મંદિર એ ગુજરાતના ત્રણ મુખ્ય શક્તિપીઠો માં નું એક છે. આ ઉપરાંત આરાસુર ખાતે અંબાજી, ચુંવાળ ખાતે બાળા બહુચર નો પણ મહિમા છે.
પાવાગઢ ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલા હાલોલ નજીક આવેલો એક પર્વત છે. આ પર્વતની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની રહી ચુકેલું ઐતિહાસિક ગામ ચાંપાનેર વસેલું છે. આ પર્વતની ટોચ પર આવેલા મહાકાળી માતાના મંદિરનો ખુબ જ મહિમા છે.આ સ્થળ ગુજરાતનાં પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થસ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસોની નવરાત્રિના નવ દિવસોમાં અહીં સૌથી વધુ લોકો દર્શનાર્થે આવે છે. એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીની શક્તિપીઠોમાં થાય છે .
પાવાગઢના કાલિકા માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે. દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસુરોના નાશ માટે સર્જાયું છે અને તેમની ઉપાસના, આરાધનાથી વ્યક્તિના જીવનમાં રહેલ આસુરી પરિબળો નાશ પામે છે તેવી માઈ ભક્તો શ્રદ્ધા ધરાવે છે. ઘોર તપસ્યા માટે પણ આ સ્થાન ઉત્તમ મનાય છે. આથી અહીં વૈદિક તથા તાંત્રિકવિધિઓ ,પૂજા-અર્ચના થાય છે. માગશર મહિનાના શુક્લ પક્ષમાં અહીં મેળો ભરાય છે. એવું મનાય છે કે જે વ્યક્તિ સાચા મનથી માતાની પૂજા કરતા હોય તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. નવરાત્રિમાં અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ગરુડ પુરાણ અનુસાર પાવાગઢ અને તેની આસપાસની નિર્જન પહાડીઓ એ મહર્ષિ વિશ્વામિત્રનું સાધનાક્ષેત્ર હતું. એવું કહેવાય છે કે મહર્ષિ વિશ્વામિત્ર એ પોતાના તપોબળથી આ પાવાગઢની ખીણમાં પોતાની શક્તિઓ વહાવીને ટોચ પર સ્વહસ્તે કાલિકા માતાની સ્થાપના કરી હતી. આ કથાની સાહેદી પૂરતી વિશ્વામિત્રી નદી આજે પણ પાવાગઢમાંથી વહે છે.
માઈ ભક્તો પાવાગઢ પર્વતના લગભગ પંદરસો જેટલા પગથિયા ચઢી મા ના આશિષ પ્રાપ્ત કરે છે. પરંતુ જે પગથિયાં ન ચડી શકે તેની માટે પાવાગઢની તળેટીમાં વસેલાં ચાંપાનેર ગામ થી આશરે ૪ થી ૫ કિલોમીટર જેટલા અંતરે માંચી ગામે થી રોપ-વેની વ્યવસ્થા પણ છે. ચાંપાનેરથી માંચી સુધી જવા જીપની વ્યવસ્થા પણ છે જે વન્ય વનરાજી સભર સર્પાકાર રસ્તા પર ચઢાણ કરી માંચી ગામે પહોચાડે છે. માંચી ખાતેથી ગઢ પર ચઢવા માટે રોપવે બનાવવામાં આવ્યો છે.રોપવે ૬ થી ૮ મિનિટ જેટલા નજીવા સમયમાં મંદિરના પગથિયા સુધી પહોચાડે છે. ઘણાં સાહસિકો અને પ્રકૃતિપ્રેમીઓ ચાંપાનેરથી જ માંચી સુધી જંગલના રસ્તે ચઢાણ કરે છે જેનો લ્હાવો અનેરો છે. આ રસ્તો જંગલ વચ્ચેથી પસાર થતો હોવાથી ઘણો કપરો છે તેમજ સંધ્યાકાળ બાદ ચઢાણ કરવા માટે હિતાવહ પણ નથી. પાવાગઢ પર્વત ચઢી મહાકાળીમાના દર્શન કરવો એ એક અનેરો લ્હાવો છે….
જય મહાકાળી મા


















































