સવલી રોજ રોડ પર ભીખ માંગતાં નાનાં છોકરાંઓ ને પોતે સાવ ગરીબ ટ્રેનમાં બકલ બુટ્ટી નાનાં રમકડાં કી ચેઈન વેચીને થાકે ત્યારે સો દોઢસો મળે છતાં જ્યાં નાનાં છોકરાંને ભીખ માંગતા જુએ એને એક બીસ્કીટનાં પડીકાં કે વેફરનાં પડીકાં રોજ પચીસ પચાસ રુપિયાનાં આપે ને બધાં બાળકો ને એમનાં નામ પૂછે. ઘણાં તો પોતાનું નામ પણ ન આવડે ને મેલાં ઘેલાં કપડાં રંગ રુપ ફાટેલાં કપડે લઘરવઘર જોઈ છાના ઊંહકારા ભરી છુપા આંસુ વહાવી લુછી લે પણ… એની આંખો બધા જ બાળકોમાં એનો પ્રકાશ ઉર્ફે પક્યો ઢુંઢે… રખે મળી જાય.
બે વરસ પહેલાં એ હઠ કરીને પાછળ પડ્યો ને સવલી પક્યાને ભેગો લઇને ટ્રેનમાં સામાન વેચી રહી હતી. ત્યાં ટ્રેનની ભીડમાં એ પાંચ વરસનો પક્યો ક્યાં ગુમ થઇ ગયો ખબર જ ન પડી.. ખૂબ રડી પોલીસ ચોકીમાં ફરીયાદ પણ કરી… ક્યાંયે પત્તો ન લાગ્યો.. સાત વરસનો બીજો દિકરો. પતિ ખાટલા માં પડ્યો ઉઠી નહતો શકતો. તેની સંભાળ રાખવા ગોપાલ રહેતો. એનું ધ્યાન સાથે ઘરકામ પણ કરતો… આ પક્યો પણ રહેતો… સંભળાતો… પણ ક્યારેક જીદ કરતો સાથે આવતો. આજની જેમ પણ… ઘેર જઈ બધી વાત કરતાં પતિએ પણ ફટકારી પણ શું થાય ? આ ગુનો નાનો ન હતો. ગુનેગાર મા હતી.. કોને ખબર ક્યાં ગયો ગાયબ થઈ ગયો… બસ ત્યારથી એ બાવરી બની ફરતી રહેતી હર બાળકમાં પક્યો દેખાતો…
પતિ પણ મરણ પામ્યો… હવે ગોપાલ પણ માની જેમ કામ કરી રહ્યો. માને ના પાડે પણ સવલી ની આંખો સતત પક્યાને જોવા તરવરે… અને હજુ એટલો જ હશે એમ જાણી એવા જ છોકરાઓ ને જોયા કરે… કંઇક ખાવાનું આપે… એ એણે ક્યાંક કોઈથી સાંભળેલું કે બાળકો ને ઉપાડી જનાર ટોળકીનાં માણસો બાળકોને ગંદા વેશમાં રાખીને ભીખ મંગાવે… એવું જાણતાં રખે મારા પક્યાને કોઈ લઈ જઈને ભીખ મંગાવતાં હશે તો હું ઓળખીને એને ઉગારી શકીશ… પણ.. પોલીસે પણ સાથ ન આપ્યો. આમ પણ ગરીબ નું કોણ સાંભળે?.. એ બાવરી રોજ કામ કરે થાકે છતાં જોવા નીકળે પક્યાને.. કંઈક આપી રહે બાળકોને, જે પોતાનાં પક્યાને ન આપી શકી કે આપવા મન થાય છે… કે એ બાળકોમાં ક્યાંક મારો પક્યો હશે તે મને ઓળખે… હું ન ઓળખું તો… ભૂખ્યો હશે તો કંઈક ખાશે… ઘણાં એ સવલીને ગાંડી કહે પણ એ ગાંડી નથી… એનાં આંખમાં વસેલો પક્યો મા કેમ ભૂલી શકે… તેથી ગરીબઘેલી તોએ મા તે મા જ બાકી બધા વગડાનાં વા…… એમ સવલી ની અંદરની માનું મન સતત ખોવાયેલું આ મારું બાળ છે એમ ઝંખ્યા કરેને એ જરુર મળશે જ એ આશામાં જીવ્યા કરે….


















































