અમદાવાદ છોડવાની રાતો ગણાતી હતી ત્યારે આંસુના છલકતા જામ સાથે લખાયેલી આ ગઝલ વિશે, બે દાયકા પછી આદિલ સાહેબે કીધેલું કે ,’એમાં લાગણીનું પૂર છે, પરંતુ બહુ કવિતાવેડા નથી.’
એમનું મૂળ નામ ફરીદ મહમ્મદ ગુલામનબી મન્સૂરી.
પાસપોર્ટ વિના આદિલ મન્સૂરીના પિતા 1948માં અમદાવાદથી પાકિસ્તાન ગયા. આઠ વર્ષે અમદાવાદ પરત આવ્યા ત્યારે ખબર પડી કે ભારતીય નાગરિકત્વ ગુમાવી બેઠા છે. વીસ વર્ષ સુધી કોર્ટમાં નાગરિકત્વ પરત મેળવવા માટે કેસ ચાલ્યો. ખબર પડી કે હવે સરકાર પકડીને સામા કિનારે મૂકી આવશે જ્યાં પાકિસ્તાન સરકાર પાસપૉર્ટ સમય પર રિન્યુ ન કર્યો હોવાના ગુનાસર ધરપકડ કરશે. આ સંજોગોમાં લખાઈ આ ગઝલ… કોઈ એક ગઝલના કારણે કોઈ કવિને એમના દેશનું ગુમાઈ ગયેલું નાગરિકત્વ પરત મળ્યું હોય એવી ઘટના તો કદાચ વિશ્વભરના સાહિત્યજગતમાં નહીં બની હોય. આ ગઝલ પાછળનો આખો ઈતિહાસ ખૂબ રસપ્રદ છે…
આદિલને નાગરિકત્વ આપવા બાબતે વર્ષો સુધી કેસ ચાલ્યો.
એક તરફ ભારતનો કાયદો આદિલને ધક્કા મારતો હતો, જ્યારે પાકિસ્તાનનો કાયદો દરવાજા ભીડીને બેઠો હતો. હવે? વકીલોએ કહ્યું,’કાયદા પ્રમાણે તમને ભારત-પાકિસ્તાનની સરહદ વચ્ચે આવેલા ‘નો મેન્સ લેન્ડ’ પર છોડી દેવામાં આવશે.’ આવા ત્રિશંકુ અંજામની જેટલી ફિકર હતી, એનાથી વધારે દર્દ સ્વજનો, મિત્રો અને માતૃભૂમિને છોડવાનું હતું. પોતાના પ્રિય નગરને બળજબરીથી છોડવાની વેદના આદિલના મનમાં બરાબર ઘૂંટાયા પછી આંખમાંથી આંસુરૂપે અને કલમમાંથી ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ સ્વરૂપે ફૂટી નીકળી.
અંતે આદિલને પાંચ વર્ષનો લોંગ ટર્મ વીસા અને છઠ્ઠા વર્ષે નાગરિકત્વ મળી જાય એવી વ્યવસ્થા થઈ.
‘મળે ન મળે’ની અનિશ્ચિતતાનો અંત આવી ગયો. પણ આ ગઝલ આદિલની ઓળખ જેવી બની ગઇ.
આદિલ અમદાવાદ છોડીને પાછળથી અમેરિકા જઈ વસ્યા હતા. પરંતુ એમના અમદાવાદપ્રેમની આ ગઝલ સ્કૂલના વિદ્યાર્થીઓથી સાહિત્યરસિકો સુધીના વિશાળ વર્ગમાં એટલી જ લોકપ્રિયતા ધરાવે છે.


















































