સામાન્ય રીતે તો આ સમયે કોફીનો કપ હાથમાં રહેતો પણ હવે એ સમય ક્યાં રહ્યો હતો. ડોર બેલ વાગતા મેં દરવાજો ખોલ્યો અને સામે એક માણસ હાથમાં કવર લઈને ઉભો હતો. સાવરણી બીજા હાથમાં પકડીને મેં એ કવર લીધું. એક તો આમ પણ નવા નિયમો, નવા રિવાજો ને સમજવામાં, સમયનું મેનેજમેન્ટ કરવામાં હું અટવાયેલી હતી એમાં આ કવર ?? શું હશે આમાં ? અગણિત વિચારો આવ્યા મનમાં, હજી આગળ કશું વિચારું એ પહેલા જ કોણ હતું ? નો અવાજ સંભળાયો.
હું જેમ તેમ કરીને જલ્દીથી એ કવરને કબાટમાં રાખી અને કામે વળગી. સવારની બપોર થઈ ગઈ , એ કવરમાં શું હશે એ ઉત્સુકતા મારા મન ને શાંત થવા દેતી નહોતી. મેં જઈને કબાટ ખોલ્યો અને એ કવર કાઢ્યું. આતુરતા નો અંત આવ્યો. એ કવર માં એક કાગળ હતો. ઉપર બસ સરનામું અને નામ લખ્યું હતું . અંદર જોયું તો પત્ર… એનો પત્ર હતો. વાચવાની શરૂઆત કરતા પેહલા જ આંખ માં ભીનાશ આવી ગઈ હતી. મે વાચવા નું ચાલુ કર્યું .
“મારી ઢીંગલી,
હા બેટા ખબર છે મને કે તારા લગ્નને હજુ બે દિવસ જ થયા છે . પણ સાચું કહું ને તો તારા વગર આ ઘર માં બે દિવસ પણ બે વર્ષ જેવા લાગ્યા છે. આ ફોનમાં મને કઈ આવડે નહિ એટલે વિચાર્યું કે પત્ર જ લખું તને. તને ત્યાં ફાવી ગયું ? મને ખબર છે થોડું અઘરું પડશે તને પણ પછી ટેવ પડી જશે બેટા. કઈ પણ વાંધો હોય તો તારા પપ્પા ને પેહલા કહેજે . તારા વગર આ તારો બાપ સાવ અધૂરો થઈ ગયો છે દીકરા. તું જલ્દી થી આવજે મળવા અને હા ધ્યાન રાખજે તારું . ત્યાં હું કે તારી મમ્મી નહિ હોય ને …
ખુશ રહેજે હમેશાં .
લિ.
લાડલી દીકરીના પપ્પા ”
આટલું વાચી ને હું તો ઢગલો થઈ ગઈ . બે દિવસ થયા મને સાસરે આવ્યા ને છતાં પપ્પા ને ખબર પડી ગઈ કે મને ફાવ્યું નહિ હોય. પપ્પાને ખબર છે કે મને શું ટેવ છે અને શું નહીં. ત્યાં તો મારી બધી જ ફરમાઈશ પૂરી કરતા પણ અહી ? બાપ થી વધારે એક દીકરી ને કોઈ પ્રેમ નો કરી શકે એ વાત સાચી જ છે. મારું મન અશંખ્ય યાદો થી ભરાય ગયું હતું ત્યાં જ બહાર થી અવાજ આવ્યો … સૃષ્ટિ શું કરે છે ?
” આવી મમ્મી ”
હવે રોવાનો કે યાદ કરવાનો પણ ક્યાં સમય હતો એ વાત થી અજાણ હતી હું….


















































