પ્રેમનો સંબંધ જેટલો નાજુક છે એટલો જ પવિત્ર પણ છે, આધાર રાખે છે કે તમે એને કઈ હદ સુધી લઇ જાવ છો, લોકો પ્રેમમાં આત્મહત્યા પણ કરે છે, અને એકબીજાથી દૂર રહી કાયમ એકબીજાના હૃદયમાં જીવતા પણ રહે છે પણ મને આજ સુધી એક વાત નથી સમજાતી કે લોકો પ્રેમમાં પોતાનો જીવ કેમ આપતા હશે? શું જીવ આપવાથી તે વ્યક્તિ આપણી થઇ જવાની છે ? અને આપણે શું એના થઇ શકીશું ? જીવ આપવાથી નુકસાન માત્ર આપણું જ છે એવું નથી લાગતું? કેમકે કોઈ પણ કેમ ન હોય, કોઈ નું જીવન કોઈના વગર અટકતું નથી, હા ઈ વાત સાચી છે કે એમની જગ્યાની ખોટ કાયમી માટે રહી જતી હોય છે. એ કમી કોઈ ના આવવાથી પૂરી નથી થતી. નાજુક એટલા જ માટે કહ્યો કેમકે પ્રેમની એક મર્યાદા હોય છે, તમે કોઈને અનહદ પ્રેમ કરી શકો પણ હા શરતમાત્ર એટલી જ છે કે તમે એને પ્રેમ કરો એના શરીરને નહિ. પ્રેમના નામે લોકો શારીરિક સંબંધ બાંધી મન ભરાય ત્યાં સુધી સાથે રહીને પોતપોતાના રસ્તે જતા રહેતા હોય છે, શું આ પ્રેમની મજાક નથી ? લાગણીની મજાક નથી ? સંબંધોની મજાક નથી ? પોતાના વ્યક્તિત્વની મજાક નથી ? આજે પણ સમાજમાં ઘણા એવા દાખલાઓ પણ છે જે એકબીજાને પ્રેમ કરે છે અને લગ્ન કરી નિભાવે છે, અથવા અલગ અલગ રહીને પણ જીવે છે, એનો મતલબ આવો તો નથી કે તે લોકો એકબીજાને પ્રેમ નથી કરતા, ફરક એટલો જ છે કે એ લોકો લાગણીની કિંમત જાણતા હોય છે અને એકબીજાનો આદર કરતા હોય છે.
તમે કોઈને પ્રેમ કરવા માટે બળજબરી ન કરી શકો કે ફરજ ન પાડી શકો. શક્ય છે તમે જેને પ્રેમ કરો છો તે વ્યક્તિ કોઈ બીજાને પણ પ્રેમ કરતી હોય. પ્રેમનો મતલબ પામવું જ નથી હોતું. કોઈને શરીરથી મેળવીને આપણે એને નથી મેળવી લેતા, એમની આત્મા સુધી પહોંચવું જરૂરી છે. સમર્પણ મનથી થવું જોઈએ દબાણથી નહિ. ક્યારેક એવું પણ થાય છે કે આપણે કોઈ ને જીવનસાથી તરીકે પ્રેમ ન કરતા હોઈએ પણ એ વ્યક્તિને ગુમાવવા પણ ના માંગતા હોઈએ, કોઈને ભૂલી જવાનું યાદ રાખવું એ પણ પ્રેમ જ છે ને…
પ્રેમનો મલતબ દરેક માટે અલગ અલગ હોય પણ પ્રેમની પરિભાષા સરખી જ છે, જે વ્યક્તિ તમારા અંતઃકરણ માં વસી ગઈ તે કોઈ પણ સંજોગોમાં નીકળી શકતી નથી, અને દરેક સમયે એની કમી વર્તાય છે, કહેવાય છે કે પહેલો પ્રેમ હંમેશા અધૂરો રહી જાય છે, પણ એ અધૂરો રહેલો પ્રેમ જ જિંદગી જીવવા નું કારણ બની જાય છે, પ્રેમ એ એક એવી માયાજાળ છે, જેને ઉકેલવા કરતા એમાં ખોવાઈ જવું સૌને વધારે ગમશે. ક્યારેક કોઈ વ્યક્તિને ગુમાવ્યા પછી એ પ્રેમનો અહેસાસ અને અફસોસ થતો હોય છે, પ્રેમની પાછળ કોઈ સ્વાર્થ હોય તો એ એને પ્રેમ નહિ પણ ગરજ કહી શકાય. પ્રેમ કાચની જેમ પારદર્શક છે જેમાં એક બીજાથી કાંઈ જ છુપું ન હોવું જોઈએ. વાત છુપાવીને કરેલો પ્રેમ એ ક્યાંક ને ક્યાંક તો દગો જ છે ને.. પ્રેમ એક એવી લાગણી છે જે છુપાવી પણ નથી શકાતી અને બતાવી પણ નથી શકાતી.
પ્રેમ એટલે ચોમાસાનો પહેલો વરસાદ, પ્રેમ એટલે બારેમાસ વસંત, પ્રેમ એટલે અધખુલ્લી એવી કળી જે ક્યારેય ફૂલ નથી થઈ શકતી, પ્રેમ એટલે એવો સંગાથ જે દરેક શ્વાસ સાથે જીવતો હોય, પ્રેમ એટલે જેની સાથે તમે દૂર રહીને પણ કલાકો સુધી વાતો કરી શકો, પ્રેમ એટલે આંખોમાંથી ઝળકતો સ્નેહ, પ્રેમ એટલે એ દરેક પળનો ઈન્તેજાર જે તમે સાથે વિતાવવા માંગો છો, પ્રેમ એટલે એના નામ માત્રથી જ ગુલાબી થઇ જતા કપોલ, પ્રેમ એટલે મીઠો ગુસ્સો અને તીખી તકરાર, પ્રેમ એટલે મીઠો મલ્હાર, પ્રેમ એટલે એવી ક્ષણ જેમાં આખું જીવન જીવાઈ જાઈ અને આ જ પ્રેમ એટલે એવો મધુર અહેસાસ જે વ્યક્તિને જીવવા માટેનું કારણ આપી દે.
પ્રેમ વગરનું જીવન સૂકા રણ જેવું છે, લોકો કહે છે ને કે પ્રેમ એ વહેમ છે, પણ હા હું એવું જરૂર કહીશકે એ વહેમમાં જ જીવન જીવવાની મજા છે.ક્યારેક કોઈક આપણું થઇને જીવન વિતાવેછે, અને ક્યારેક આપણે કોઈકના થઇને દિવસો… જયારે એ વ્યક્તિ આપણા સાથે હોય ત્યારે એમનો અહેસાસ નથી થતો પણ જયારે એક પળ માટે પણ આપણાથી દૂર થાય ત્યારે જ આપણને એની કિમત સમજાતી હોય છે,
છેલ્લે એટલું જ કહીશ કે જીવનમાં એકબીજાને પ્રેમ કરો અને સૌથી જરૂરી કે પ્રેમને વ્યક્ત કરો, અભિવ્યક્તિ જીવનમાં મીઠાશ ઘોળે છે.
ક્રિષ્ના ભાલાણી


















































