બાળપણ !! કેટલો નિર્દોષ શબ્દ છે, નહીં ?? અલ્લડ મસ્ત બેફકીરીના દિવસો !! ના કાંઈ ચિંતા, ના કોઈ જવાબદારીનો બોજ, ના કોઈ ઓફિસે સમય પર પહોંચવાની તડામાર તૈયારીઓ. બાળપણ વિશે જેટલું લખો એટલું ઓછું પડે પણ કહેવાય છે કે દરેક બાળકોના નસીબ આવા નથી હોતા. બધા શોખ પૂરા કરવા હોય અને બાળપણને માણવું હોય ને તો સાહેબ ગર્ભશ્રીમંતના ઘરે જન્મ લેવો પડે એવું વિકાસ માનતો હતો. ઊંચે ઉડવાના સપના, દરેક સુખ પામવાની મહેચ્છા, મોંઘા કપડાં, પોતાનો બંગલૉ આવી ઈચ્છા વિકાસના રોમે રોમમાં વસેલી હતી. વિકાસ ની મહત્વકાંક્ષાની ગાડી દસમા ધોરણ સુધી તો જેમ તેમ ખાડા ટેકરા અને અવરોધોને પાર કરીને દિવાળીના વેકેશન સુધી પહોંચી ગઈ પણ ત્યાં જ વેકેશનમાં આર્થિક મુશ્કેલી કહો કે પિતાની લાપરવાહીના નામનો મોટો ખાડો આવ્યો અને એ ખાડાએ વિકાસની મુસીબતમાં વધારો કરી દીધો કેમ કે એક તો વિકાસના પિતા સુરેશભાઇ ભાડાના બે રૂમના મકાનમાં રહેતા હતા. સાથે સયુંકત કુટુંબનો ભારેખમ ટોપલો. જો બાળકના માતા પિતા ભણેલા હોય તો બાળકનો સર્વાંગી વિકાસ થાય છે. વિકાસના કુટુંબમાં કોઈનું ભણતર દસ ચોપડીથી વધારે નહોતું. એવું સમજો કે શિક્ષણ નામના શબ્દથી બાર ગાઉનું છેટું હતું. જ્યાં શિક્ષણનો અભાવ હોય એટલે ત્યાં મુસીબતનો ટોપલો મોટો થઈ જ જાય.
કરમની કઠિનાઈ તો જુઓ, સુરેશભાઈના જીવનમાં શિક્ષણ તો હતું જ નહિ પણ સમજણ અને આવડતનો પણ અભાવ હતો જેનું પરિણામ વિકાસની સાથે સાથે આખા પરિવારને ભોગવવું પડ્યું. કાકા રાવજીભાઈ રીક્ષા ચલાવે અને એમની પત્ની કોમલ ઘરે સંપૂર્ણ ગૃહિણી હતી. સુરેશભાઈ પોતે પણ રિક્ષા ચલાવતા હતા. માંડ બે ટંક નું ખાવાનું પૂરું પડતું હોય ત્યાં છોકરાંના અંગત ટ્યુશનના ખર્ચા ક્યાંથી પોસાય ? છતાં પણ વિકાસની જીદ આગળ સુરેશભાઈને ઝૂકવું પડ્યું. એક સાંધો ત્યાં તેર તૂટે એવી પરિસ્થિતિ હતી. દિવાળીના તહેવારના દિવસો હતા. વિકાસ પણ દર વર્ષની જેમ આતુરતાથી એના પિતાની રાહ જોતો હતો કે હમણાં એના પપ્પા આવશે અને એના માટે ફટાકડા, નવા કપડાં અને મિઠાઈ લાવશે અને એ ફટાકડાની લેરથી આખી સોસાયટી ગજવી મૂકશે પણ એ દિવાળીની રાત વિકાસ માટે કાળરાત્રિ બનીને આવી. એના સપનાઓ ચકનાચૂર થઈ ગયા. બન્યું એવું કે એના પપ્પા ઘરે જ ન આવ્યા. રાહ જોઈ જોઈને વિકાસની આંખોમાં નિંદર આવવા લાગી. સવારે ઉઠ્યો તો ઘરમાં વાતાવરણ એની સમજની બહાર હતું. એના મમ્મી મંજુબેનના આંખોમાં આંસુ , બહેન રીનાની આંખોમાં ડર, જ્યારે કાકાની આંખોમાં ગુસ્સો હતો. પિતા સુરેશભાઈના ચહેરા પર નિરાશાના વાદળો છવાયેલા હતા. હજી વિકાસ કાંઈ સમજે તે પહેલાં એના પિતાએ ઘર છોડી દીધું ! આ બનાવ વિકાસ માટે વ્રજાઘાત સમાન સાબિત થયો. એના માનસપટ પર ઘેરી અસર પડી. છેક 4 દિવસ પછી વિકાસને ખબર પડી કે એના પપ્પાના માથે મોટું દેવું થઈ ગયું છે જેના લીધે તેમણે અમદાવાદ શહેર છોડીને ભાગવું પડ્યું. પાંચ દિવસ સુધી કોઈને ખયાલ ના આવ્યો કે સુરેશ ભાઈ ક્યાં છે. સુરેશ ભાઈ એમની બહેનના ત્યાં જતા રહ્યા જેથી કરીને તે પોતાની જાતને લેણદારો થી છુપાવી શકે.
વિકાસ: પપ્પા, તમે ક્યાં જતા રહ્યા મારી પરીક્ષા આવી રહી છે. હું ફી કઈ રીતે ભરીશ?
સુરેશભાઈ: હું ક્યાંથી લાવું પૈસા ? બધા પૈસા તો ઘરમાં વપરાઈ ગયા છે. ઘરના ખર્ચા પૂરા કરવામાં તો દેવું થઈ ગયું છ
વિકાસ: પણ પપ્પા અમારા એવા કોઈ મોજ શોખ નથી કે ના પોતાનું ઘર છે કે ના ઘરમાં રચરચીલું છે !! ના મમ્મીના ગળા માં સોનાનો હાર છે, ના કોઈના અંગ પર સારું કપડું, તો પછી દેવું થયું ક્યાં ?
સુરેશભાઈ: (ગાળ દઈને) તને ખબર ના પડે. તું કમાવા જાય છે ? બહુ મોટો થઈ ગયો છે વળી ?! ચાલ ભાગ અહીંથી…
વિકાસના આંખે અંધારપટ છવાઈ જાય છે. જે એના પિતા માટે સન્માન હતું તે ધોવાઈ ગયું હતું. ચોધાર આંસુએ રડવાને લીધે આંખો લાલ સુરમા જેવી થઈ ગઈ છે. વિધિની વક્રતા તો જુઓ આવા સમયે પણ કોઈએ સાથ ના આપ્યો. રાવજીભાઈએ કીધું કે બાળકો હું રાખીશ અને એમને ભણાવીશ. પણ એમની આવક પણ શુ હતી???
જેમ તેમ કરી ને ગાડું ગબડાવી ને દસમું ધોરણ પાસ તો કર્યુ પણ ધાર્યા એવા ગુણ ના મળ્યા.
માત્ર 15 વર્ષની ઉંમરમાં કપડાંની દુકાનમાં કામ કરવાનું ચાલુ કરી દીધું. પગાર માત્ર 300/- મહિને !! અત્યારના જમાનામાં 300/- માં માત્ર એક પિત્ઝા આવે. 11 મા ધોરણમાં ભણતરની સાથે સાથે નોકરી પણ ચાલુ કરી. વચ્ચેના સમય દરમિયાન થોડી થોડી મુદતના અંતરે લેણદારો અને મકાનમાલિક ઉઘરાણીએ આવતા રહેતા. લેણદારો ગાળો દઈને જતા અને મકાનમાલિક ઘર ખાલી કરાવવાની ધમકી આપીને જતો.
રવજીભાઈ: ભાઇ થોડો સમય આપો. હું વ્યવસ્થા કરીને તમને ટૂંક સમયમાં ચૂકવી દઈશ
મગનભાઇ લેણદાર: ના ચાલે આવું… તારા બાપનું મકાન છે? ભૂંડ જેવા. મકાન પચાવી પાડવા બેઠો છે ? તારા જેવા લુખ્ખા રિક્ષાવાળા કેટલાય જોયા મેં. તારી દાનત જ નથી.
રવજીભાઈ: એવું ના બોલશો ભાઈ. મારી દાનત કોઈ ખોટી નથી. શાંતિથી વાત કરો.
મગનભાઇ લેણદાર: – તું મને હવે શીખવાડિસ કે મારે લુખ્ખાસાથે કયી રીતે વાત કરવાની?”
ધીમેધીમેવાતવણસીજાયછેઅનેલેણદારએનાબહારઊભેલામાણસોનેઅંદરબોલાવીનેબધોસામાનઅનેઘરનીવ્યક્તિઓનેબહારકાઢીનેફેંકીદેવડાવેછે. થોડી મારામારી, ઝપાઝપી અને આજુબાજુવાળા સમજદાર પાડોશીઓને લીધે અંતે મામલો થાળે પડ્યો.
જેવીતેવીનોકરીકરીનેવિકાસેભણતરઅનેપોતાનોખર્ચોઉપાડ્યો.. ક્યારેક કરિયાણાની દુકાને તો ક્યારેક કપડાંની દુકાનમાં મજૂરી કરી. કોલેજ નું ભણતર પૂરૂ કરી શકે એમ નહોતું એટલે અધવચ્ચે ભણતર મૂકીને ઘર ચલાવવા માટે કોલ સેન્ટરમાં નોકરી કરી અને પોતાની રીતે જીવનની ગાડી આગળ ધપાવી. કાકા પાસેથી તો કોઈ અપેક્ષા જ ન હતી કેમ કે તેમનો સ્વભાવ કૂતરા જેવો ગણી શકો. કોઈના સાથે બનતું નહોતું. ઉછેર નામનો શબ્દ તેમના શબ્દકોશમાં જ ન હતો. ઘણીવાર વિકાસ અને રવજીભાઈ વચ્ચે પણ બોલાચાલી થઈ જતી.
રવજીભાઈ: પગાર કેમ નથી આવ્યો ?
વિકાસ: મેનેજર એ પગાર નથી આપ્યો.
રવજીભાઈ: કેમ ક્યાં ઉડાવી દીધા પૈસા ?
વિકાસ: અરે ટાર્ગેટ પૂરો નથી થયો એટલે પગાર નહીં મળે.
(ક્રમશ:)
શૈલેષ ઠક્કર


















































