વરુણ અને રાધિકા પાર્ટી માટે તૈયાર થઈ રહ્યા હતા. વરુણ પોતાનો ફેવરિટ પર્ફ્યુમ છાંટી રહ્યો હતો અને રાધિકા મેચિંગ ઇયરિગ પહેરી રહી હતી. થોડીવારમાં બંને તૈયાર થઇને ફ્રેન્ડ્સ રિયુનિયનની પાર્ટી માટે નીકળ્યા. વરુણના મિત્રો તેને જોઈને ખૂબ ખુશ થયાં, અને વરુણ પણ. પરંતુ, રાધિકાને મળીને કોઈ ખાસ ખુશ જણાયું નહીં. વરુણ તેના માતા–પિતા અને બહેન સાથે રાધિકાને જોવા ‘ગાર્ડન‘માં ગયો હતો, જ્યાં રાધિકા તેના માતા પિતા સાથે આવેલી. વરુણ ઊંચો, મજબૂત બાંધાનો, દેખાવડો. જ્યારે રાધિકા ઘઉંવર્ણી પરંતુ, નમણી અને આકર્ષક. બંને માતાપિતાની મંજૂરીથી જ આ મુલાકાત ગોઠવાઈ હતી, જેમાં રાધિકા અને વરુણ પહેલી વાર જ મળ્યાં. થોડી વાતચીત પછી બંને જ્યારે એકલા પડ્યા ત્યારે..
“રાધિકા, જો તું સારી છોકરી છે પણ હું કોઈક બીજાને ચાહું છું અને એના માતાપિતાને આ વાત મંજૂર નથી. તે પોતાના માં બાપનો વિરોધ કરીને મારી સાથે આવવા રાજી નથી. હું કોઈ પણ સંબંધમાં જોડાવા માગતો નથી, પણ એની આજીજી અને આગ્રહને વશ થઈને આજે આવ્યો છું. કદાચ નવી શરૂઆત નહીં કરી શકું, ક્યારેય પણ નહીં” – અને પછી ત્યાંથી ચાલી નીકળ્યો. બધાની ઈચ્છાથી લગ્ન થયા અને વહેલી મોડી પણ પરિસ્થિતિ થાળે પડી ખરી. વરુણ હવે તેને પોતાની જિંદગીમાં જગ્યા અને મહત્વ આપવા લાગ્યો હતો, અને એટલે જ ઉત્સાહથી તે રાધિકાને આ પાર્ટીમાં લઈ આવ્યો. અહીં આવ્યા બાદ તેના મિત્રો જે દુર્લક્ષ સેવતાં હતાં એથી રાધિકા ઉપેક્ષાને પાત્ર બની. જે વરુણથી સાંખી ન શકાયું. રાધિકાના કહેવા છતાં વરુણ પાર્ટીમાંથી તેને વહેલો જ ઘરે લઈ આવ્યો.
“વરુણ ,શું થઈ ગયું છે તમને ? કેટલી મજા આવતી હતી.”
વરુણ ફાટી આંખે તેની સામે જોઈ રહ્યો… આટઆટલું સાંભળ્યા અને સહન કર્યા છતાં આને મજા આવતી હતી ? એણે વિચાર્યું. રાધિકા વરુણને આમ જોતો દેખીને બોલી ,”અરે ! શું જુઓ છો આમ ? હું તો સરખી રીતે તમારા બધા મિત્રોને મળી પણ ન શકી. ઘરે હતા ત્યારે જવાની ઉતાવળ અને ત્યાં ગયાં તો વહેલાં પાછા પણ લઈ આવ્યા.”
“રાધિકા, આ તું બોલે છે?” – વરુણ હજી સ્તબ્ધ જ હતો.
ડ્રેસિંગ ટેબલ પર બ્રેસ્લેટ મૂકતા રાધિકા બોલી, “હા વરુણ, હું જ બોલું છું.” અને હસી પડી.
પછી હળવેકથી વરુણ ને બેડ પર બેસાડીને કહ્યું, “વરુણ, બધાં લોકો સરખા નથી હોતાં. જે તમે વિચારો એ તમારા દોસ્તો ના વિચારે એમાં કંઈ ખોટું નથી, અને આટલા વર્ષે મળ્યાં હોય એમાં જૂની વાતોના સંભારણા તો વગોળાય જ, એ સ્વાભાવિક છે.”
“હા, પણ કોઈ એક જ વાતને આટલી ચગાવીને કોઈની ઉપેક્ષા કરવી એ કંઈ યોગ્ય નથી, અને આજે એ એકેયને શોભતું પણ ન હતું.”, વરુણ ગુસ્સામાં બોલ્યો.
રાધિકાએ એની હથેળી પોતાના હાથમાં લીધી,
“વરુણ, એ ખાલી વાતો હતી. તમે જરાય ચિંતા ના કરો મને ખોટું નથી લાગ્યું.”
“તને ભલે નથી લાગ્યું પણ મને લાગ્યું છે. કોઈ મારી વાઇફને ગમે તેમ કહી જાય એ હું સહન નહિ કરી લઉ. કેટલું ઓળખે છે એ બધા તને ? કે આ રીતે વર્તતા હતાં. મારી લાઇફમાં આવીને તે મને ફરીથી જીવતાં શીખવાડ્યું છે, પરિસ્થિતિઓ સામે ઝઝૂમતા અને જીતતા શીખવ્યું છે. હું પોતે ઉભો નહિ થઈ શકું એ સ્વીકારી લીધેલું મેં, પણ મને હાથ પકડીને નવેસરથી ચાલતાં આવડ્યું તારાં કારણે. મારી જે લાગણીઓ મરી પરવારી હતી તેને પુનઃ ધબકતી કરનાર તું છે અને મને પ્રેમ આપીને ફરીથી પ્રેમમાં પાડ્યો પણ તુ જ છે. જેટલું તે કર્યું છે મારા માટે એ પછી મારા પર અને મારા પ્રેમ પર તારાં સિવાય કોઈનો અધિકાર નથી.” આવેગમાં આવીને એણે રાધિકાના બંને ખભા પકડી લીધા હતા અને એક શ્વાસે બોલ્યે જતો હતો. રાધિકા અબુધપણે તેને તાકી રહી, એની આંખો છલકાઇ ઉઠી હતી વરુણનું છેલ્લું વાક્ય સાંભળીને. “આઈ લવ યુ રાધિકા, આઈ રિયલી લવ યુ અ લોટ. થેન્કસ ફોર કમિંગ ઈન માય લાઇફ.” અને તેને છાતી સરસી ચાંપી દીધી. રાધિકાની ખુશીનો પાર ન રહ્યો અને વરુણને પોતાની લાગણી વ્યક્ત કરીને મન પરથી મણ એક નો ભાર ઉતરી ગયો હોય એવું લાગ્યું. તે રાત્રે બંને એ ખૂબ વાતો કરી, કેટલુંય સ્વીકાર્યું અને કબૂલ કર્યું એકબીજા પાસે. પાર્ટીમાંથી ઘરે પહોંચીને આદિલે મોબાઈલ ચેક કર્યો તો વરુણના મિસ્કોલસ અને મેસેજ હતા.
“Guys, what you all did is totally unfair. You all didn’t have any right to misbehave with my wife. She is my life god damnit. I will never forgive you all for your misbehaviour.” આદિલ ના ચેહરા પર હળવું સ્મિત રમ્યું અને મનોમન તે આનંદિત થઈ ગયો, કે પોતે અન્ય મિત્રો સાથે મળીને જે પ્લાન બનાવ્યો હતો તે સફળ થયો.
વીસ દિવસ પહેલા, આદિલની ઓફિસ પર જ્યારે વરુણ તેને મળવા આવેલો ત્યારે આદિલ સમજી ગયેલો કે, વરુણ રાધિકાને પ્રેમ કરવા લાગ્યો છે પણ પોતે જ સમજી અને સ્વીકારી શકતો નથી. આથી, આદિલે તેના સ્કૂલના અન્ય મિત્રોને વિશ્વાસ માં લઈને આ પાર્ટી ગોઠવી હતી. અને આ પાર્ટી સક્સેસફુલ જતાં તેણે મનોમન ચિયર્સ કર્યું.
નિયતિ અંધારિયા


















































