આ વર્ષામાં આપણે બંને પ્રેમમાં પડી શકીએ કે ? 
ગત ઉનાળે ખોવાયાં વર્ષામાં જડી શકીએ કે ?
હાથમાં ચહેરો લઇ ચૂમી લઉં આંસુભીના ગાલે
હસતાં હસતાં sorry કહીને સાથે રડી શકીએ કે ?
એક છત્રી ને આપણે બે ને ધોધમાર વરસાદ
કોરાં રાખવા મથતી એ છત્રીને નડી શકીએ કે ?
થોડી તું ને થોડો હું સરકીને આવીએ પાસે
એકમેકને ભૂલ ભૂલમાં આછું અડી શકીએ કે ?
વાવણીની છે ઋતુ અને હૈયું પણ છે ખેડેલું
દોડવું’તું ને ઢાળ મળ્યો છે તો તો દડી શકીએ કે ?
રિસામણા ને મનામણાનો મહિમા તો છે, કિન્તુ
વિરહ મિલનના સમયનું પત્રક સાથે ઘડી શકીએ કે ?
કવિ કહે છે , એમ તો કૈં પૂછીને પ્રેમ ન થાયે
આ વર્ષામાં કવિની સાથે આપણે લડી શકીએ કે ?
– તુષાર શુક્લ
Related