આજે ફરી દાદીમાની વાર્તા લઈને આવી છું
વાર્તાનું નામ છે પુડલાની રાબ…!
એક ગામમાં એક ઘરડાં માજી રહે. છૈયા છોકરાં હતા નહીં ને ભાભા પરવારી ગયા હતા એટલે માજી એકલાં જ હતા.
માજીની પાડોશમાં એક નવા પરણેલા દંપતિ રહેવા આવ્યા.
માજીનો સ્વભાવ હસમુખો અને મિલનસાર એટલે એમને થયું બાજુમાં રહેવા આવ્યા છે તો ઓળખાણ કરી લઉં. આમેય એકલા એકલા સમય પણ નથી જતો અને પાડોશમાં છીએ તો એકબીજાને મદદરૂપ થઈ શકાય.
માજી તો ગયા નવા પાડોશીને મળવા.
વાત વાતમાં માજી દીકરા, બેટા, વહુરાણી – એવું મીઠું મીઠું બોલે એટલે નવા પાડોશીને તો બહુ ગમ્યું. એમને થયું કે સારું કોઈ વડીલ ઘરમાં હોય એવું લાગે અને પતિ પત્ની બન્ને ને બા (માજી) સાથે એમના દીકરા અને વહુ જેવો આત્મીય સંબંધ થોડા જ દિવસોમાં બંધાઈ ગયો.
દીકરો રોજ સવારે ઓફીસ જતા પહેલા બા પાસે આવે અને કહી જાય કે બા તમારી વહુને જરા રસોઈ બનાવવી ઓછી આવડે છે તો તમે અમારા ઘેર આવી થોડીવાર બેઠા હોય તો એને જરા સૂચન કરતા રહેવું. એને નવી નવી રસોઈ બનાવતા પણ શીખવતા રહેજો.
બા કહે, ભલે દીકરા… હું તો આમેય નવરી જ હોવ તો તારે ત્યાં બેસવા રોજ આવીશ બસ?
દીકરો કહે, ભલે ત્યારે આવજો.
એક દિવસ વહુ એ બાને પૂછ્યું, બા આજે તમારા દીકરા ભરેલા રીંગણાં નું શાક બનાવવા નું કહી ગયા છે તો જરા કહોને કેમ કરવું. બા એ એકદમ સરળ પદ્ધતિથી સરસ શાક બનાવતા શીખવ્યું. શાક બની ગયું પછી વહુ કહે હા…બરાબર આમ જ થાય ભરેલા રીંગણાં નું શાક. બસ આ તો મને આવડતું જ હતું ….બસ જરાક જ વચ્ચે ભૂલી ગઈ હતી અમે આમ જ બનાવીએ છીએ…. મને તો આવડે જ છે.
આમ ને આમ રોજ રોજ બા નવી નવી રસોઈ બનાવતા શીખવાડે અને વહુ રોજ રોજ એમ કહે કે ‘ઇ તો મને આવડે જ છે’.
હવે બાને એ વહુની ચાલાકી સમજાઈ ગઇ બા એ વિચાર્યું કે એક દિવસ આ વહુને જરૂર પાઠ ભણાવવો જ જોઈએ.
એક દિવસ દીકરો સવારમાં માજી ને કહીને ગયો કે બા આજેસાંજે મારા ચાર પાંચ મિત્રો જમવા આવશે તો બા તમે વહુને જરા ગળ્યા પુડલા બનાવતા શીખવજો ને. બા કહે ભલે આજે તો હું એવા પુડલા શીખવીશ કે તારા ભાઈબંધો બધા યાદ કરશે. દીકરો તો આવજો કહીને નોકરીમાં ગયો.
અહીં બા ના મનમાં કઈક ઔર જ પુડલા રંધાતા હતા એ તો વહુને પાઠ ભણાવવા નું વિચારીને જ બેઠાં હતાં.
વહુ આવી બાને પૂછ્યું, બા આજે તો પુડલા કરવાનું તમારા દીકરા કહીને ગયા છે તો કહોને જરા કેમ બનાવું અરે…હા… આમ તો મને આવડે જ છે પણ તોય મને બસ જરાક યાદ જ દેવડાવવાનું છે.
બા કહે ભલે બેટા જો સાંભળ ગળ્યા પુડલા માટે ગોળનું પાણી કરવાનું ઘઉં નો લોટ ચાળીને લેવાનો બે ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો. લોટ એક વાસણમાં લઇ એમાં ધીરે ધીરે ગોળનું પાણી નાંખી અને હાથેથી ઘટ્ટ ખીરું બનાવવું. એમાં જરાય એકપણ ગાંઠી ન રહેવી જોઈએ. એટલું બા બોલ્યા ત્યાં તો વહુ બોલી હં…મમમમ… અરે ઇ તો મને આવડે જ છે. બા કહે, દીકરા હવેની વાત જ ખાસ છે જો સાંભળ. ગળ્યા પુડલા હંમેશા ઠંડા જ સારા લાગે એટલે વેળાસર બનાવી લેજે.. એક થાળી લઈ એમાં માટલાનું ઠંડુ પાણી ભરી રાખજે પછી લોઢી પર ઘી લગાવી પુડલો પાથરજે ફરતા કિનારીએ ઘી લગાવી ધીમા તાપે ચડવા દેજે પછી તાવેથા વડે ધીરે ધીરે કિનારીએથી ઉથલાવજે . બે બાજુ સરસ બદામી ભાત પડે એટલે ઉતારી લેજે અને પછી પેલી પાણીની થાળીમાં ધીમેથી સાચવીને મૂકી દેજે આ રીતે એક પછી એક પુડલા ઉતારી પાણીમાં મુક્તી જજે એટલે મહેમાન આવે ત્યારે સરસ ઠંડા થઈ જશે. બા એટલું બોલ્યા ત્યાં તો વહુ ફરી બોલી, અરે બા હું તમને નહોતી કહેતી આ પુડલા તો મને પહેલેથી જ આવડે છે જ.
વહુ એ તો ખૂબ મહેનત કરીને પુડલા બનાવ્યા અને પાણીની થાળીમાં એક પછી એક પધરાવ્યા. પુડલાની થપ્પી પાણીમાં મૂકી ઢાંકી અને બીજું બધું કામ પતાવી તૈયાર થઈને બેઠી મહેમાનની રાહ જોવા લાગી.
એનો પતિ સાંજે નોકરીએથી આવતા પોતાના બધા ભાઈબંધને સાથે જ લઈ આવ્યો. વહુએ મહેમાનોને આવકાર આપ્યો અને બેસવા કહ્યું. ત્યાં જ એક મિત્ર બોલ્યો, અરે ભાભી અમારે તો હવે જલ્દી તમારા હાથની રસોઈ જમવી છે. બહુ વખાણ સાંભળ્યા છે મારા મિત્ર પાસેથી અને હવે તો ભૂખ પણ લાગી છે. શું બનાવ્યું છે?
વહુ બોલી, ભાઈ બસ હવે જમવા જ બેસવાનું છે. મેં ગળ્યા પુડલા બનાવીને રાખ્યા છે.
બધા મિત્રો જમવા બેઠા અને વહુએ પુડલા ની થાળી હાથમાં લીધી બધાની થાળી પીરસવા માટે જેવો પાણીમાંથી પુડલો લેવા જાય એટલે તરત જ પુડલો ભાંગીને લોચો વળી જાય.
એમ કરતાં બધા પુડલા પાણીમાં પલળીને રાબ જેવું પ્રવાહિત થઈ ગયું હવે વહુ તો રીતસરની રડમસ થઈ ગઈ કે ખૂબ મહેનતથી બનાવેલી રસોઈ તો ગઈ પાણીમાં અને પતિની આબરૂ પણ ગઈ પાણીમાં. બધા મિત્રો જમવા ની રાહ જોતા બેઠા હતા હવે પતિ પત્ની એ નક્કી કર્યું કે બા ને બોલાવી પૂછીએ કે આવું કેમ કર્યું એટલામાં જ બા આવ્યાં અને એમના હાથમાં મોટો ડબ્બો હતો દીકરાએ ડબ્બો લીધો અને બા નો હાથ ઝાલી ઘરમાં લાવ્યો. બધા મિત્રોને કહ્યું આ મારા બા છે પાડોશમાં જ રહે છે. બા એ કહ્યું, છોકરાઓ બધા જલ્દીથી જમવા બેસો. આ ગરમાગરમ ભજીયા ઠરી જશે. જુઓ જુઓ એમાં દાળવડા,બટાટાવડા, ભાત ના વડા,ફુલવડા,ભરેલાં મરચા….! ઘણી જાતના ભજીયા છે એમ કહેતાં ડબ્બો ઉઘાડયો ભજીયા ની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ. બધા ખુશી ખુશી જમવા લાગ્યા.
મહેમાનોના ગયા પછી વહુ તો ઉલટાની બાની સાથે ઝઘડવા લાગી. એક તો તમે મારી રસોઈ બગાડી અને દીકરા પાસે સારા થવા પોતે જમવાનું બનાવીને લાવ્યા. આમ કેટલુંય ગમેતેમ બોલવા લાગી ત્યાં જ મહેમાનને વળાવવા ગયેલો દીકરો ઘરમાં આવ્યો. આવતા વેંત વહુને ચૂપ રહેવાનું કહી દીધું અને હાથ જોડીને બા નો આભાર માન્યો કે પોતાના ઘરની આબરૂ જતી બચાવી. જો વખતસર બા ભજીયા લઈને ન આવ્યા હોત તો બધા મિત્રો ભૂખ્યા પાછા જતે અને તું શું બા ની સાથે લડવા બેઠી છો. વહુએ માંડી ને વાત કરી કે બા એ ખોટી શિખામણ આપીને રસોઈ બગાડી તો દીકરો બોલ્યો એમાં જરૂર કંઈક કારણ હશે નહીંતર બા એવું ન કરે.
બા ને પૂછ્યું તો બા કહે, જો સાંભળ દીકરા તારી વહુ રોજ મને પૂછીને રસોઈ કરે અને ડાહી પાછી એમ કહે કે ઇ તો મને આવડતું હતું. દરેક મારી શીખવેલી રસોઈમાં એમ કહે કે ઇ તો મને આવડતું હતું જો બધું એને આવડતું જ હોય તો મારી ખોટી શીખવેલી રસોઈ સુધારીને કરવી જોઈએ ને… જો આવડતું જ હોય તો રસોઈ બગડવા ન દેવાય ને હવે વહુને પોતાની ભૂલ સમજાઈ જે વસ્તુ પોતાને આવડતી ન હોય એમાં ખોટી હોંશિયારી ના બતાવાય નહીંતર પુડલાની રાબ થઈ જાય..


















































