આ એક હાસ્ય લેખ છે તો તેને હળવાશથી લેવો, કોઈ મહિલાનું અપમાન કરવાનો ઇરાદો નથી.
આજે લગ્નને બારમી વર્ષગાંઠ છે અને સવારનો એક પછી એક મેસેજ શુભેચ્છાઓના વાંચી રહ્યો છું. બધા જ મેસેજ વાંચ્યા પછી સાલું ખૂબ નવાઈ લાગી કે આમ લોકોને બીજાની બારમી થાતી હોય એમા કેટલો બધો રસ છે. સવારનો મોબાઈલમાં પડેલો એટલે, પત્નિ સ્વાભાવિક છે કે એના સ્વભાવ મુજબ શંકાના વાદળો ઘેરશે જ તે, “એ સાંભળો છો?, તમને કહું છું સાંભળો છો?” મે મનમાં જ જવાબ આપ્યો, “લગ્ન થયા પછી બોલવાનો વારો જ કયા આવ્યો છે, બસ સાંભળું જ છું, સામે તો આવું એને કહી ના શકું એટલે મનમાં બોલીને ખુદને થોડો રાજી કરી લઉ.
લગ્ન કરવાનો હરખ એટલો બધો હોય એટલે વ્યક્તિ તેનું ભવિષ્ય જોય ના શકે, હરખમાં ને હરખમાં ધમ્મ દઈને મૌતના કૂવામાં ડૂબકી લગાવી જ લે. અરે સાચું જ છે, લગ્ન અને મૌતનો કૂવો બન્ને સમાન જ છે, મૌતના કૂવામાં કલાકાર જેમ કરતબ બતાવે અને દર્શકો રાજી થાય એમ લગ્નમાં પતિ રોજ નવા નવા કરતબ કરીને પત્નિને રાજી કરે. મૌતના કૂવામાં તો ગેરંટી છે કે મનોરંજન થશે જ અને દર્શકો વધાવશે જ પરંતુ આ લગ્નમાં પત્નિ રાજી થશે તોજ વધાવશે તેવું કોણે કીધું?
લગ્ન કરતાં સમયે એક રિવાજની જો સમજ એ સમયે હોત તો આજે પરિસ્થિતિ કાઈક અલગ જ હોત, ફેરા પૂરા થયા અને મારા સાસુ, શું વાત કરું સાહેબ એની પણ ગજબના બેન એ પણ શરીર એટલું જાડું કે બેઠા હોય ત્યાંથી ઊભા કરવા માટે પાંચ વ્યક્તિઓને રાખવા પડે ને એ ઊભા કરવામાં પડી જાય ત્યારે મારા સાસુ ઊભા થાય. મારી પાસે આવીને સાડીનો છેડો મને હાથમાં પકડાવ્યો અને મને કે, “કુમાર, છેડો છોડો અને એના બદલામાં કા તો મારી દિકરી આપું કા તો સોનાની વીંટી આપું.” હું હરખપદૂડો થઈને દિકરી માંગી લાયો, અત્યારે ઘણો અફસોસ થાય છે કે એક ગુજરાતી થય ને નુકશાન વાળો સોદો કર્યો.
લગ્નના શરૂઆતના વર્ષો ખૂબ જ આહલાદક લાગે, પત્નિની દરેક વાત જાણે અમૃત હોય એવું લાગે અને જેમ જેમ વર્ષો આગળ વધતાં જાય તેમ જેમ ગાડીની સર્વિસ ના કરાવીએ અને એ અવાજ કરવા લાગે એવો જ અવાજ લગ્નના અમુક વર્ષો પછી પત્નિનો લાગવા લાગે છે. એક દિવસ હું શાંતિથી છાપું વાંચી રહ્યો હતો અને મને શું હનેપાત ઉપડી ને મે હાથે કરીને નકુચામાં આંગળી આવી જાય એવા કામ કર્યા, મે મારી પત્નિને પૂછ્યું, “જો અચાનક મારુ એક્સિડેન્ટ થાય અને મને કાઈક થય જાય તો ટુ શું કરે?” બિચારી મારી પતિવ્રતા પત્નિ મને કે, “હું તો મારી બેનના ઘરે જતી રહું, અને એજ સળગતો સવાલ એણે મને કર્યો, “તમે શું કરો?” હું પતિની જાત, જીભ જાલી કાઇ થોડી રે મારાથી પણ બોલાય ગયું, “હું પણ તારી બેન પાસે જ જતો રહું.” બસ ત્યારથી મને વાહાનો દુખાવો છે.
એક દિવસ સવાર સવારમાં હું રાશિફળ વાંચવા બેઠો, ત્યારે મને સમજાણુ કે આ પત્નિનો આમ અચાનક મારા પર હુમલો કેમ થયા કરે છે, પત્નિ અને પાકિસ્તાન રાશિ સરખી રહી ને હુમલા કર્યા જ કરે અને બિચારા હસબન્ડ અને હિન્દુસ્તાન રાશિ એકસરખી એકલું સહન જ કર્યા કરે. લગ્નની છે ને આમ કોઈક વેક્સિન બનવી જોઈએ, લગ્ન થતાં પહેલા જો સરખો ડોઝ લઈ લઈએ તો જીવનભર ઇમ્યુનિટી સારી રહે. ચેપી બિમારી રહીને એક કરે એટલે બીજાને લગ્ન કરવાનો ભડભડીયો ઉપડે જ તે અને એક તો ડૂબે સાથે બીજા સત્તરને ઉપાડતો જાય. આ કોરોના અનમેરીડ છે એટલે જ આટલો ફેલાય છે, બાકી જો મેરીડ હોતતો એની તાકાત નહીં કે એટલું ફેલાયને જીવી શકે.
માણસને એક ને જ લગ્નનો ખોફ છે એવું નથી, આપણાં દેવતા, ભગવાન પણ આમાં સાથે જ છે. એક દિવસ એક ભાઈ ડાયરો સાંભળવા ગયા, ડાયરો એવો તો જામ્યો કે સમયની ભાન ના રહી. પત્નિએ કીધું હતું સાડા બાર પેલા ઘરમાં જોઈએ ને વાગી ગયા દોઢ, ભાઈ એ હડી કાઢીને મહાદેવને યાદ કરતાં કરતાં બોલ્યા, “હે ભોળાનાથ બચાવી લે મને, હું તને એક લોટો દૂધ ચડાવીશ.” થોડો આગળ ગયો તો સાક્ષાત ભોળાનાથ ઝડપથી ભાગતા હતા, ઓલા ભાઈ પગે લાગીને કે, “દાદા મદદ કરો, સાડા બારનું કીધું હતું પણ દોઢ થય ગયા છે બચાવી લો.” “ભોળાનાથ સામા પગે લાગ્યા, “ભાઈ બધુ પછી તું અત્યારે મને જવા દે, મે કીધું હતું બાર પેલા આવી જઈશ.”
ગમે એટલું કહો પત્નિ વિશે કે લગ્ન વિશે હકીકત એક જ છે સાહેબ કે, લગ્ન એ બે પૈડાંવાળી એવી ગાડી છે, જો એમાં એક પૈડું પણ નીકળી જાય તો ગાડી આગળ નો ચાલે, પત્નિ વગરનું જીવન નકામું છે. પતિનું અસ્તિત્વ જ પત્નિ છે. તમને પણ થતું હશે ને અચાનક કેમ આવું કહેવા લાગ્યો? શું કરું સાહેબ તમે તો વાંચીને હંસી લેશો, માંરે તો સાંજે ઘરે જવાનું છે ને, માંરે પણ બે પૈડાંવાળી ગાડીને ઠેકાણે રાખવાની છે. આપણે પાછું સ્ટેપની વ્હીલ તો હોય નહીં ને, હોય તો એ જાહેરમાં બાર આવે નહીં. શું કેવું તમારુ ખરું ને?
Related