કુદરતના ગોળા ઉપર વસવાટ કરતા દરેક મનુષ્યો સંસારના ઘેરામાં રહે છે.દરેક વ્યક્તિઓના અલગ-અલગ સંબંધો હોય છે અને દરેક સંબંધોના અલગ-અલગ નામ પણ હોય છે.સંબંધો અનુસાર દરેકની પોતપોતાની લાગણીઓ હોય છે.લાગણીથી આગળની જો વાત કરીએ તો,સમય જતા આપણને દરેક સંબંધમાં કોઈને કોઈ આશા બંધાઈ જાય છે.આપણી આશા પ્રમાણે જો કોઈ સંબંધ ન નીકળે તો આપણને ઘણું બધું દુખ થાય છે,અને આ જ આપણા જીવનની મોટામાં મોટી ભૂલ છે.
જીવનમાં જેમ કોઈપણ પરિસ્થિતિ આપણી ઈચ્છા મુજબની નથી હોતી,તેમ કોઈ વ્યક્તિઓ કે કોઈ સંબંધો પણ આપણી ઈચ્છા મુજબના કયારેય નથી હોતા,પછી ભલેને એ ગમે તે સંબંધ કેમ ન હોય! આ જ બાબતના સંદર્ભમાં મને એક પુસ્તકમાં લખેલ વાત યાદ આવે છે.અમેરિકાના ન્યુયોર્કમાં બ્રોક્સ ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયના અંતમાં મુલાકાતીઓ બહાર નીકળે તે જગ્યાએ એક ફૂલ સાઈઝનો અરીસો મુકવામાં આવ્યો હતો અને તેના ઉપર એક અંગ્રેજી વાક્ય લખ્યું હતું ,જેનું ગુજરાતી અનુવાદ કઈક આમ થતું હતું કે, “તમે દુનિયાના એવા ભયંકર પ્રાણી સામે જોઈ રહ્યા છો કે જે પૈસાને ખાતર પોતાની જાતિને મારે છે.” આપણી જ આજુબાજુમાં બનેલા ઘણા બધા કીસ્સાઓ આ વાક્યને યથાર્થ કરે છે.
એક સ્ત્રી પોતાના અનૈતિક સંબંધોને લીધે પોતાના નાનકડા બાળકોની સામે જ અડધી રાતે પોતાના પતિને ગળે ટુંપો આપીને તેને મોતને ઘાટ ઉતારી દે છે.આ એક સત્ય ઘટના છે.મનુષ્ય પોતાના સ્વાર્થ માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. “મૂંગા એવા એક જાનવરનો તમે વિશ્વાસ કરી શકો પરંતુ એક મનુષ્ય ઉપર વિશ્વાસ કરવો ખુબ અઘરો છે!”
આનો મતલબ એ પણ નથી કે તમે કોઇપણ સંબંધમાં વિશ્વાસ મુકવાનું કે લાગણી રાખવાનું બંધ કરી દો. અહી ફક્ત એક જ બાબત અનુસરવાની જરૂર છે,દરેક સંબંધ ઉપર વધારે પડતી આશા રાખવાનું કે દરેક સંબંધો તમારી ઈચ્છા પ્રમાણેના જ હોય એવું વિચારવાનું બંધ કરી દો.ક્યારેક કોઈ સંબંધમાં કોઈ કડવો અનુભવ થાય તો જીવનમાં અટકવાની જરૂર નથી.એ વીતેલી દુ:ખની પળોને ભૂલીને આગળ વધતા રહો.સંસારનું આ કડવું સત્ય ક્યારેય બદલાવાનું નથી કે “કોઈ કોઈનું નથી રે…”


















































