માગશર સુદ એકાદશી એટલે ગીતા ગીતાજયંતી. વિશ્વ નો અજોડ ગ્રંથ, શ્રીમદ્ ભગવત ગીતાનો કુરુક્ષેત્રના મેદાનમાં, ભગવાન શ્રીકૃષ્ણના સ્વમુખે પ્રાદુર્ભાવ થયો. તે પવિત્ર દિવસ એટલે જ માગશર સુદ એકાદશી- ગીતા જયંતી. ગીતાજીના દસમાં અધ્યાયમાં 19 થી 42 લોકમાં ભગવાન દ્વારા પોતાની વિભૂતિઓનું અને યોગ શક્તિ નું કથન છે. અને તેમાં ભગવાને સ્વમુખે કહેલું છે કે માસાનામ માર્ગશીર્ષોહમ(અ.10 શ્ર્લોક 35) મહિનાઓમાં માગશર હું છું.
માગશર માસ કે જેને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ધનુર્માસ કહેવામાં આવે છે. અને આ સમય દરમ્યાન ધનારખ ના કમુરતા હોય છે. તેથી શુભ પ્રસંગો જેવા કે સગાઈ-લગ્ન, ગૃહપ્રવેશ, વાસ્તુ મુહૂર્ત, યજ્ઞો પવિત વગેરે જેવા શુભ કાર્યો વર્જિત છે. કારણકે જ્યોતિષશાસ્ત્ર મુજબ ધનુ રાશિમાં સૂર્ય પ્રવેશના સમયને ધનુર્માસ કહેવામાં આવે છે. ધન રાશિનો સ્વામી ગુરૂ છે. સૂર્યના પ્રવેશથી ગુરુ થોડો નબળો પડે છે પોતાનું તેજ થોડું ગુમાવે છે તેથી માંગલિક કાર્યો વર્જિત છે.
ગુરુના અધિષ્ઠાતા દેવ શ્રી હરિ વિષ્ણુ છે. તેથી જ ભક્તવત્સલ ભગવાન નારાયણે ગુરુના ગ્રહને બળ પ્રદાન કરવા માટે આ માસને ઉત્તમ કહ્યો છે. આ માસ દરમિયાન વિષ્ણુ ભગવાનનું આરાધન અત્યંત ફળદાયી બની રહે છે. આ કારણથી જ માગશર માસમાં આરંભ થયેલા મહાભારતના ઐતિહાસિક યુદ્ધમાં પ્રભુના શ્રી મુખથી સમગ્ર સૃષ્ટિના ઉદ્ધાર માટે જે વાંગમય સ્વરૂપ નો પ્રાદુર્ભાવ થયો તે મહાન ઉપદેશને શ્રી વેદ વ્યાસજીએ શ્રીમદ્ ભગવત ગીતા ના નામથી ગ્રંથસ્થ કર્યો. જ્ઞાન કર્મ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા.
સામાન્ય રીતે ઘરમાં કોઈ સ્વજનનું મૃત્યુ થઈ જાય ત્યારે બ્રાહ્મણ દ્વારા ઘરે ગીતાજી ના પાઠ રાખવામાં આવે છે. (જો મોટી ઉંમરના અને કુટુંબના વડા હોય તો ગરુડ પુરાણ વંચાવવા માં આવે છે) અને આ કારણથી જ લોકોના મનમાં એક ડર બેસી ગયો છે કે ગીતાજી એ સમજવા કે વાંચવાનો ગ્રંથ નથી પણ મૃતક પાછળ કરવામાં આવતું પઠન છે. પરંતુ આ માન્યતા સદંતર ખોટી છે.
અહીં આપણે એ ન ભૂલવું જોઈએ કે, ગીતાજીના ઉપદેશથી, ક્ષાત્રધર્મથી વિમુખ થયેલો, અને ભિક્ષાના અન્નથી નિર્વાહ કરવા માટે તૈયાર થયેલો અર્જુન, પછીથી પોતાના કર્તવ્ય સ્વરૂપ યુદ્ધ કાર્ય પાર પાડે છે. અને ત્યારબાદ પોતાના ગૃહસ્થાશ્રમ જીવનનું પણ પાલન કરે છે. ગીતા ઉપદેશ આપણને પોતાના કર્તવ્યનું પાલન કરવાનો અને સાથે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા નો ઉપદેશ આપે છે. તેથી તરત તેનું દરેકે વાંચન કરવું જોઈએ.
તો ચાલો આ માગશર માસમાં ગીતા જયંતી નિમિત્તે શ્રીમદ્ ભગવત ગીતાનું પઠન કરીને પ્રભુ કૃપાપાત્ર બનીએ.
-અસ્તુ
Related