“શું લઈને આવ્યા ‘તા,ને શું લઈને જવાનું છે,જેવા આવ્યા ‘તા,એવા જ પાછા જવાનું છે.વીતી ગયેલી વાતો કેટલા વર્ષો સુધી યાદ રાખશો,જીવનમાં માણવા જેવી પળોને શું બાકી જ રાખશો? ગુજરાતી કેલેન્ડર પ્રમાણે આપણે બધા નુતન વર્ષમાં પ્રવેશી ચુક્યા છીએ.અનેક તૈયારીઓ અને ખુબ હર્ષોઉલ્લાસ સાથે નવા વર્ષની બધાએ ઉજવણી કરી.બજારમાં ખરીદી માટે ઉમટતા ટોળાને કોરોના જેવી મહાભયંકર બીમારી પણ રોકી ના શકી! કેટલાય દિવસો સુધી ઘરની સાફસફાઈ કરી,ઘરને ચકચકાટ કરી ઘરની અંદર ચોખ્ખાઈરૂપી રોશની અને ઘરની બહાર અવનવા દીવડા તથા લાઈટોની રોશનીથી ઘરને એકદમ જગમગતું બનાવી દીધું.અહી સવાલ બસ એટલો જ છે કે,ઘરને અંદરથી તો એકદમ ચોખ્ખું કરી દીધું,પરંતુ પોતાની જાતને અંદરથી ચોખ્ખી કરી કે નહિ? દીવડાઓ અને લાઈટોનો પ્રકાશ ઘરની બહાર તો કરી દીધો,પરંતુ પોતાની અંદર કયાંક અંધારું તો નથી ને?
દર નવા વર્ષે ઘરમાં બદલાવ જરૂર કરીએ છીએ,પરંતુ પોતાની જાતમાં બદલાવ કેમ ક્યારેય નથી કરી શકતા! વર્ષો વીતી જાય છે,પરંતુ જૂની વાતોને માણસ કેમ ક્યારેય ભૂલી શકતો જ નથી! ગઈકાલની અમુક યાદોના લીધે માણસ પોતાનો આજનો આનંદ કેમ ગુમાવી રહ્યો છે?
જન્મ લઈને જયારે આપણે આ દુનિયામાં આવ્યા હતા,ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા.અને જયારે પણ આ દુનિયામાંથી વિદાય લઈને જઈશું,ત્યારે પણ ખાલી હાથે જ જવાનું છે.તમારા જીવનની સૌથી પ્રિય વ્યક્તિ,તમારી અણમોલ વસ્તુઓ કે તમારા જીવનની કોઇપણ ફરિયાદો,બધું અહીનું અહી જ રહી જવાનું છે.જીવીએ ત્યાં સુધી પોતે પણ દુખી રહીએ અને બીજાને પણ દુખી કરીએ,આવું જીવન શું કામનું? આપણા જીવનમાં સુખી થવાના કારણો બહુ ઓછા છે પરંતુ દુઃખી થવાના કારણો જોઈએ તેટલા છે.અને અમુક વ્યક્તિઓની વિચારસરણી પણ અજીબ હોય છે,પોતે દરેક જગ્યાએ એડજસ્ટ કરી લેશે,પરંતુ પોતાના ઘર અને પરિવાર સિવાય! વ્યક્તિના જીવનમાં ઘણું બધું બદલાઈ જાય છે,પરંતુ અમુક ફરિયાદોના લીસ્ટ કેમ ક્યારેય બદલાતા જ નથી!
જીવનમાં ખરેખર સુખી થવું હોય અને આગળ વધવું હોય તો આપણા જીવનને હકારાત્મકતાની દિશામાં લઇ જવું જ પડશે.જીદ,હઠ,અહંકાર,આ બધા શબ્દો પોતાના જીવનમાંથી કાઢી નાખીએ.જીવનની એક નવી જ શરૂઆત કરીએ કે જ્યાં ફક્ત જીવન જીવવાનો એક આનંદ જ હોય. “દુખના વમળોમાં નહિ,પ્રેમના અને સ્નેહના વમળોમાં ઘેરાઈ જઈએ.”


















































