મિત્રો, કેતુ એ દુર્ઘટના અને શોકનો કારક છે, તે પાપી ગ્રહ છે પરંતુ એનો અર્થ એ નથી કે તે હંમેશા અશુભ ફળ જ આપે છે. કેતુ સ્વભાવથી ક્રૂર ગ્રહ છે. આ ગ્રહ તર્ક, બુદ્ધિ, જ્ઞાન, વૈરાગ્ય, કલ્પના, અંતર્દષ્ટિ, મર્મજ્ઞતા, વિક્ષોભ અને અન્ય માનસિક ગુણોનો કારક ગ્રહ છે. સારી સ્થિતિમાં તે આ ક્ષેત્રોમાં લાભ અપાવે છે. આ જ કેતુ જીવનમાં મોક્ષ અને મુક્તિનો પણ કારક બને છે.
કેતુ લાલ કિતાબ મુજબ ભગવાન ગણેશનું પ્રતિનિધિત્વ કરે છે. તે પણ રાહુની જેમ એક છાયા ગ્રહ છે જેનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી. કેતુ એ દુર્ઘટના અને શોકનો ગ્રહ કહેવાય છે. કેતુ માણસના સમગ્ર જીવનમાં બનતી ઘટનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. શુક્ર અને રાહુને કેતુના મિત્રો, ગુરુ, શનિ, બુધ અને સૂર્ય એ સમમૈત્રી રાખનારા તથા ચંદ્ર અને મંગળ કેતુના શત્રુ છે. ગુરુના ઉપાયોથી પણ કેતુની અસરો સુધારી શકાય છે. કાનમાં સુવર્ણ આભૂષણ પહેરવાથીને કેતુ ઉચ્ચનો થતા સંતાન ઉત્પન્ન કરવાની શક્તિ પ્રદાન કરે છે. લાલ કિતાબ મુજબ, કેતુ ગ્રહ ક્યારેય સીધો આગળ વધતો નથી. તે હંમેશા વક્રી ભ્રમણ કરે છે. કેતુ કુંડળીના છટ્ઠા સ્થાનનો સ્વામી છે. કુંડળીમાં તે હંમેશા રાહુથી સાતમા સ્થાને હોય છે.
લાલ કિતાબ મુજબ કેતુ ગ્રહની કારકતા
લાલ કિતાબની મુજબ બિલાડી, કૂતરો, ભિખારી, પુત્ર, મામા, પૌત્ર, ભત્રીજા, ભાણિયા, કાન, પગ, સલાહકાર, રાત્રી-દિવસ સંયોજન, દૂરના વિચાર કરવાવાળા વ્યક્તિ,સમાજ સેવા, ધાર્મિક અને આધ્યાત્મિક કાર્ય, ડુક્કર, ગરોળી, ગધેડા, સસલા, ઉંદર, કાળો ધાબળો, કાળો તલ, લસણિયું (રત્ન), લીંબુ, આમલી, ડુંગળી, ખાટી વસ્તુ (દહી સિવાય), લસણ વગેરે કેતુ ગ્રહના આધિપત્ય હેઠળ છે.


















































