ગુંદાળા ગામની છેડે ખેતરેથી શ્યામજી ડોહો પાણી વાળીને ઘર તરફ પગ માંડી રહ્યો હતો એ વેળાએ બાજુવાળા મેઘજી બાપુએ એને બોલાયો અને વાત માંડી, “એલા શ્યામજી, તારા ખેતરની હાલત તો આવી કોઈ દી મે સપને પણ નોતી વિચારી હો, કાં નું હું થૈ ગયું મારુ હાળુ હમજાતું નથ.”
“ઠાકર કરે ઈ ઠીક મારે તો બાપુ, બોલો કા મને અટાણે યાદ કર્યો?”
“તારી દિકરી હાટુ માંગુ લાયો સું, સેર નો સોકરો સે અને ફેક્ટરીમાં નોકરીએ જાય સે. સપને પણ તે ને તારી દિકરીએ આવું માંગુ નૈ જોયું હોય.”
“હારું, બાપુ તો દિકરી હારે વાત કરી તમને જાણ કરી પાસો, હાલો તારે રામ રામ.”
“રામ રામ ભાઈ અને મને પાસો હટ્ટ દઈને જવાબ આણ જે, દિકરીના લગનના સપનામાં નો ખોવાય જાતો.”
“હા બાપુ.”
“રે બાપુ કા આજ આટલું મોડું થયું? કે રોકાય ગયા તા?” નેહલે તેના બાપુને પાણીનો લોટો આપતો પૂછ્યું.
“ઓલા મેઘજી બાપુ હારે વાતે વળગ્યો તો એમાં મોડું થૈ ગયું.”
“શું કામ હતું બાપુને વળી તમારું?
“તારી હાટુ માંગુ લાયા સે સેર નો સોકરો સે ને ફેક્ટરીમાં કામ કરે સે, બાપુ કેતા તા કે સપને પણ આવુ માંગુ નો મળે.”
“બાપુ હાસુ ક્વ મારૂ સપનું તમને ખબર જ સે, મારે ભણી ગણીને ડૉક્ટર બનવું સે. આ જો સોંપડ્યું પણ આવી ગઈ સે. લગન તમારી મરજીથી જ કરી પણ પેલા મને મારુ સપનું પૂરું કરવા દયો બાપુ.”
“આ તારી સોંપડયુને તો આજે દિવાહળી સાંપવા દે, મારી રોયી એના બાપુ હાંમે સરમ વગર બોલે સે કે સપનું પૂરું કરવા દે.”
ચોપડીઓ લઈને શ્યામજી ડોહો તેને સળગાવી દે છે અને નેહલને ચેતવણી આપી કહી દે છે કે કાલ ને કાલ તારું સગપણ નક્કી થશે.
૧૦ વર્ષ પછી..
“બાપુ, મારી તો આંખ્યું હાવ ગય સે, એક તો ગઢે ગઢપણ હવે કોઈ ધ્યાન રાખવા વાળું પણ નૈ રયુ, નેહલ પણ ના જાણે કયા ભાગી ગઈ સે એના સપના પાસળ. કાઈક ઉપાય સિંધો બાપુ.”
“એ સેરમાં એક ડોક્ટરની આવી સે, હું કાલ મારી તબયત બતાવા જવાનો જ સું, તું પણ હાલ મારી ભેગો ને આંખ્યું તારી બતાવી દે જરૂર લાગે તો ઓપરહન પણ કરાવી લે જે.
“હારું બાપુ.”
શ્યામજી ડોહાની આંખો ચેક કરી ડૉક્ટર મેડમ જરૂરી જે ઓપરેશન હોય એ પણ કરી લે છે.
“એ નરસ બેન, આ તમારી દાક્તરની સે કોણ, બોવ હારી સે હો, મારા જેવા મરતા પડતાં ડોહલાને પાસો દુનીયા ભાળતો કર દીધો.”
“દાદા, તમે આરામ કરો, મેડમ હમણાં આવતા જ હશે.”
“બાપુ કેમ સે હવે?”
શ્યામજી ડોહાએ જેવી ઊંઘમાંથી આંખો ખોલી કે આંખો પોળી ને પોળી. તેની સામે તેની દિકરી જેના સપના તેણે સળગાવી દીધેલાં એ નેહલ આજે ડોક્ટર બની ને તેના ગરઢાં બાપુને પાછો આંખ વાળો કરી દીધો. તે ત્યાં ને ત્યાં ચોધાર આંસુએ રોયી પડ્યો ને એની દિકરી ને નજીક બોલાવીને પોતાના બે હાથ જોડી માફી માંગતા બોલ્યો.
“બટા, મને માફ કરી દે, ગામના રીત રિવાજો માં ખોવાયેલો હું તારા સપનાંને ના ઓળખી શક્યો, તને હાસે ધન્ય સે, મે તારા સપના બાળી નાખ્યા અને તે મારી આંખો પાસી લાવીને મને સપનાં જોતો કર દીધો.”
“બાપુ, હું ભાગી મને માફ કર દયો, પણ મારા સપના માટે એ પગલું મારે લેવું પડ્યું. તમને ભૂલનો અનુભવ થયો એજ મારા માટે ઘણું છે.”
“બાપુ, આજે મારા બધા સપના પૂરા થયા, ડૉક્ટર પણ બની અને તમારી પાસે પણ પાછી આવી ગઈ.”
Related