માણસની લાગણીઓ તેના ભાવો, તેના આવેગો ઓછાવત્તા થયા કરે. તે ક્યારેક ભાવુક થઈ પડે તો ક્યારેક આક્રોશથી ભરપૂર હોય. ક્યારેક સૂર્યની જેમ પ્રકાશિત થઈ જાય તો ક્યારેક સંતાઈ જાય. ક્યારેક ગદગદિત થઈ જાય તો ક્યારેક મુંજાઈ જાય..
પણ વિચાર એમ આવે કે આપણે જેને આપણો કાયમી, પ્રિય અને વફાદાર મિત્ર કહીએ છીએ તેપુસ્તકને પણ આવી અનુભૂતિ થતી હશે ખરી ?? તેને પણ કોઇકના સ્પર્શની લાલસા થતી હશે ખરી ?? અને કોઈકનું અડવું અણગમતું લાગતું હશે ખરું ?? બધા સામે ખુલી જવું તેને પણ કદાચ નહિ ગમતું હોય.
બની શકે તેને પણ તેના સ્થાનથી અસંતોષ હોય. એવી કેટલીક જગ્યા પર તેને રહેવું વ્યર્થ લાગતું હશે કે જ્યાં માત્ર તેને સુવ્યવસ્થિત રીતે કક્કાવારી પ્રમાણે ગોઠવી દેવામાં આવે છે કે પછી માત્ર શોભાના ગાંઠિયાની માફક મૂકી દેવામાં આવે છે. વળી તેને એ વાતનું દુઃખ પણ થતું હશે. ગુસ્સો પણ ભારોભાર આવતો હશે પરંતુ મનુષ્યની માફક તે રડી નહિ શકતું હોય. ત્યજી નહિ શકતું હોય કે સ્થાન છોડીને ભાગી નહિ શકતું હોય કે આપઘાત પણ નહિ કરી શકતું હોય પણ કદાચ, ક્યારેક તેણે એવું કર્યું હશે કે ઝાકળની આડમાં ચૂપચાપ તેણે પોતાની ભીનાશ, પોતાની વેદનાઓને પાનાંઓની વચ્ચે ઓરી દીધી હશે…! જેમ આપણે ઓશિકામાં આંસુ રેડીએ છીએ તેમ..!
ક્યારેક પુસ્તકને કાળજીનો અહેસાસ થતો હશે ને.. મીઠું મીઠું લાગ્યું હશે ને.. જ્યારે તેના ફાટેલા પાનાંઓને કોઈ સેલોટેપની મદદથી સાંધવાનો પ્રયાસ કરતું હશે. ખરેખર ત્યારે આપણા શારીરિક કે માનસિક ઘા પર કોઈ મલમ લગાવતું હોય તેવું જ એને પણ લાગતું હશે અને તેના મુખપૃષ્ઠ પર મિઠાશ અને ઊર્જા આવી જતી હશે…!
આ બધા ભાવોની સાથે તેને કદાચ જે સૌથી મોટો ભાવ અનુભવતો હશે એ છે ‘અવગણનાનો’, જે માણસ માટે પણ અસહ્ય છે. આપણી જરા જેટલી અવગણના થાય તો આપણે રઘવાયા થઈ જઈએ છીએ, ઝઘડી પડીએ કે પછી રિસાઈ જઈએ છીએ. પરંતુ પુસ્તક ક્યારેય રઘવાયું થતું નથી, રિસાતું પણ નથી, ઝઘડવા આવતું નથી, માની લઈએ કે તેને આ બધું થતું હોય, આ બધું તે કરતું હોય તો પણ….
તેની જાણ તેના બધાં ભાવોની જેમ આપણને ક્યાં થાય જ છે.
સાચે..! બહુ અટપટી જાત છે આ પુસ્તકની.
– હિરલ જગડ


















































