જયારે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સફર કરવાની આવે ત્યારે એ વધારે મધુર અને પ્રિય થઈ જાય છે. આ એક એવી જ સફરની વાત છે જયારે યશ અને રાજવીએ પોતાના સફરને યાદગાર અને વધુ મધુર બનાવા માટે અમદાવાદથી ગોવા પોતાની ગાડીમાં જવાનું નક્કી કર્યું હતું. દરરોજની જેમ આજે પણ અલાર્મની ઘંટડીઓ વાગી અને યશ આજે પણ સમયસર ઉઠ્યો નહિ. રાજવીને યશની આ જ આદતથી ખૂબ જ નફરત હતી, રાજવી દરરોજની જેમ જલ્દીથી પોતાનું કામ પતાવીને નવરી થઈ ગઈ, પણ યશ હજુ ઉઠ્યો ન હતો. યશ હજુ પણ ઊંઘમાં હતો અને ત્યાં જ એને રાજવીના સુંદર વાળ જાણે એના મોઢા પર ફરતા હોય એવું લાગ્યું. એ રાજવીની સુંદર ખુશ્બુને ઊંઘમાં પણ મહેસૂસ કરી રહ્યો હતો અને એકદમથી એના મોઢા પર પાણીનો વરસાદ થયો અને એ સફાળો પલંગમાંથી જાગી ગયો. રાજવીને યશનું આવી રીતે ઉઠાડવું એ દરેક રજાઓનો નિયમ થઇ ગયો હતો.
દિવસ -1
સવારના ૬ વાગ્યા હતા. યશ તૈયાર થઇને નીચે આવ્યો. સૂરજ સવારના સમયે સોળે કળાએ ખીલ્યો હતો અને વાદળોની પાછળ જાણે છુપાઈને એ પણ યશની જેમ રાજવીની સુંદરતાને નિહાળી રહ્યો હતો. રાજવી પોતાના હમણાં જ ધોયેલા વાળને અડધા બાંધીને રાખ્યા હતા અને વરસાદના ઝરમર વરસતા ટીપાની જેમ એના ભીના વાળમાંથી પાણી ટપકતું હતું. એનો એ કાળો ડ્રેસ અને એમાં શ્વેત રંગના મખમલી હાથ અને ઉપરથી એના લાલ રંગના સેંડલે એના સૌંદર્યમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. રાજવી આજે રોજ કરતા કંઈક વધારે જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના ચેહરા પર આવતા તેના રેશમી વાળને કાન પાછળ લઇ જતા એક લુચ્ચું સ્મિત આપ્યું અને જાણે એ બે ક્ષણ માટે યશને તેનું હૃદય ધબકારો ચૂકી ગયું હોય એવું લાગ્યું. રાજવી યશની પાસે આવીને ધીરેથી બોલી,
“યશ જો આવી રીતે જ તું મને જોતો રહીશ તો આપણે ક્યારે પહોંચીશું ગોવા??”, અને યશને ભાન આવ્યું. યશે રાજવીને બાજુના પાર્કમાંથી એક ગુલાબનો ગુચ્છો તોડીને આપ્યો અને કહ્યું,
“આજે તું ખૂબ જ સુંદર લાગી રહી છે. જાણે આ ગુલાબની સુંદરતા પણ પોતાના પર એની સુંદરતાને લઈને સંદેહ કરી રહી છે”.
બસ બસ હવે બહુ શાયરીઓ ના કહીશ અને સીધો–સીધો કારમાં બેસ અને ચાલુ કર તારી કાર. યશ ડ્રાઈવર સીટ પર જઈને બેઠો, કાર ચાલુ કરી અને એ સુરત જઈને ઉભી રહી. સવારના વહેલા નીકળ્યા હતા અને રસ્તામાં કઈ ખાધું પણ ન હતું એટલે હવે રાજવીને ખૂબજ ભૂખ લાગી હતી. અજાણ્યા શહેરમાં સારું ખાવાનું શોધવું બવ મુશ્કેલ છે પણ આજકાલની નવી–નવી ટેક્નોલોજીએ આ બધું ખૂબ જ સરળ કરી દીધું છે. યશ અને રાજવી ખાવા અને ફરવાના ખૂબ જ શોખીન હતા, એમને દરેક સમયે કંઈક નવું ખાવાનો શોખ એટલે એમને ઝોમાટો ખોલ્યું અને આસપાસમાં ક્યાંક ખાવાની સારી જગ્યા શોધવા માટે આમ–તેમ કેટલીક હોટેલ દેખી લીધી અને પછી એક જગ્યા નક્કી કરીને ત્યાં પહોંચી ગયા અને જમી પણ લીધું. હોટેલની બહાર, મેદાન માં ખાટલા ઢાળેલા હતા. આ જોઈને બંને વચ્ચે પહેલા કોણ પહોંચે છે એની શરત લાગી. રાજવીને ખબર હતી કે એ યશ સામે નહિં જીતી શકે એટલે એણે કોશિશ પણ ન કરી અને યશ હંમેશની જેમ પહેલા પહોંચી ગયો. યશ ખાટલા પર પોતાના હાથ ફેલાવીને સૂતો હતો અને રાજવી એના બાજુમાં આવીને યશના હાથ પર માથું રાખીને સૂતી હતી. રાજવીના મુલાયમ વાળ યશને પોતાની ઊંઘમા ખલેલ પોહચાડી રહ્યા હતા. રાજવીએ આ જોયું પણ એ વાતથી અંજાન બનીને એ પળની મજા માણી રહી હતી. હજુ તો યશ અને રાજવી પોતાની ભાવનાઓ પરનો કાબુ ગુમાવે એ પહેલા જ એક ઉંમરલાયક માણસ ત્યાં આવીને બેઠા અને એમણે આ પ્રેમી પંખીડાનો પ્રેમ પાંગરે એ પહેલા જ એના પાંખ કાપી નાખ્યા. યશને આ ન ગમ્યું, પણ કઈ બોલી પણ ન શક્યો. લગભગ એક કલાકના આરામ બાદ બંને ફરીથી ગોવા તરફ જવા આગળ વધ્યા. હજુ તો એમણે ૫૦ કિમિ. કાપ્યા ના કાપ્યા અને એમની ગાડીમાં પંચર પડ્યું. રાજવી તરત જ બોલી,
“મેં તને કહયું હતુ નીકળવા સમયે યશ, કે તું હવા પુરાવી લે પણ તું માને એ બીજો. તું મારી વાતને ક્યારેય પણ માનતો જ નથી અને પછી હંમેશા આવી રીતે હેરાન થાય છે” . યશે લાલચોળ આંખે રાજવીના સામે જોયુ અને રાજવીને ખબર પડી ગઈ કે હવે કઈં બોલવા જેવું છે નહિ યશને. યશ ગાડીમાંથી નીચે ઉતાર્યો અને ગાડીના પાછળના ભાગમાંથી નવું ટાયર નીકળીને એ બદલવા લાગ્યો. યશ એક આરામદાયક જીવન જીવવાવાળો માણસ હતો અને એના માટે આ બધુ કામ ખૂબ જ અઘરું હતુ અને ઉપરથી યશને કમરના દર્દનો દુખાવો પણ હતો. ટાયર બદલતા–બદલતા તો યશની કમરે એનો દમ તોડી નાખ્યો હતો અને જાણે કોઈએ ગરમ–ગરમ ડામ આપ્યો હોય એમ એનો પીઠનો દુખાવો ચાલુ થઈ ગયો હતો. યશની આવી હાલત જોઈને રાજવીએ એને કહ્યું કે “હવે આપણે વધારે ડ્રાઈવ નથી કરવું અને આજે નજીકમાં કોઈ હોટેલ પર રોકાઈ જઈએ, તું આરામ કર તો તને સવાર સુધીમાં સારું થઇ જશે”. લગભગ ૭ વાગ્યાની આસપાસ બંને હાઓલિ પહોંચ્યા અને ત્યાં જ તેમણે એક હોટેલ બુક કરી. બંને પોતાનું રાતનું જમવાનું પતાવીને રૂમ પર ગયા. યશ કપડાં બદલીને પોતાની રોજની આદત પ્રમાણે ખાલી શોર્ટ્સ અને ટી–શર્ટ પેહરીને પલંગ પર આડો પડ્યો અને બાજુમા પડેલા રિમોટથી ટીવી ચાલુ કરીને આમ–તેમ ફેરવતો હતો અને ત્યાં જ રાજવી કોઈ આયુર્વેદિક તેલ લઈને આવી. યશ ચમકી ગયો, કે આ શું છે ?? રાજવી એ કહ્યું કે એ બાજુના મેડિકલમા જઈને યશ માટે લઈને આવી જેથી યશને એના કમરના દર્દમાં રાહત મળે. આ સાંભળીને યશને તો મનમાં લડ્ડુ ફૂટ્યા કે વાહ, આજે તો રાજવીના હાથે એને મસાજ મળશે. યશ એનું ટીશર્ટ નીકાળીને સૂતો. રાજવી યશની પીઠ ઉપર બેસીને એને મસાજ આપવા લાગી. રાજવીનો હાથ જેમ–જેમ યશની પીઠ ઉપર પડતો હતો તેમ–તેમ જાણે યશનો દર્દ ગાયબ થઇ રહ્યો હોય એવું લાગતું હતું. યશ જાણે જન્ન્તમાં હોય તેવું એને લાગતું હતું. યશ ના મોઢા પરથી રાજવીને ખબર પડી ગઈ કે યશ હવે મજા લઈ રહ્યો છે એની અને આ પળની, એટલે રાજવી બોલી,
“યશ બેટા, બહુ ખુશ ના થા, આ તને કંઈ રોજ–રોજ નથી મળવાનું”. રાજવીના જાદુઈ હાથથી હવે યશને સારું લાગી રહ્યું હતું. યશે રાજવી ને કહ્યું કે “હવે નીચે ઊતરી જા નહિતર તારા વજનથી જ હું મરી જઈશ”. આ સાંભળીને રાજવી નીચે ઉતરી અને એણે બાજુમાં પડેલો તકિયો જોરથી યશને માર્યો. એના મોઢા પરનો ગુસ્સો જોઈને યશએ એને કમરથી પકડીને જોરથી પોતાની પાસે ખેંચી. રાજવી હવે યશની એટલી નજીક આવી ગઈ હતી કે બંનેના શ્વાસ એકબીજાને અથડાતા હતા. રાજવી હજુ કંઈ પણ સમજે એ પહેલા યશે એના હોઠ પર એક તસતસતુ ચુંબન આપી દીધું. રાજવી એટલી શરમાઈ ગઈ કે એણે ખુદનું મોઢું યશની બાહોમાં છુપાવી દીધું. યશ અને રાજવી બંને એક બીજાને આલિંગન આપીને ઊંઘી ગયા અને યશે રૂમની લાઈટ્સ બંધ કરી દીધી.
– જય પરમાર


















































