તેજલ અને મલય પોતાના જીવનની ઉમદા ક્ષણોને માણી રહ્યા હતા.બંને એકદિવસ ફોન પર વાત કરતાં હતા અને અચાનક તેજલે પુછ્યું, “મલય એક વાત કે, પેલા કાર્યક્રમમાં મારો કે મારા નામનો તો કોઈ ઉલ્લેખ નહોતો થયો તો તે કઈ રીતે બીજે જ દિવસે મને Facebook પર શોધી લીધી.?” આ સવાલ સાંભળીને મલય પેહલા તો ખૂબ હસ્યો અને પછી કહ્યું, “ તેજલ એમાં એવું હતું કે કાર્યક્રમમાં ઘણા બધા લોકોની વચ્ચે મેં ભૂરા રંગનું ટીશર્ટ સાથે સફેદ કોટી અને એંકલ લેંથ જીન્સ પેહરેલી એક છોકરી જોઈ,જેને જોઈને જ લાગે કે આ છોકરી ક્ષણના કણ–કણને માણતી હશે.જે રીતે હું ભાષા કે સાહિત્યને અનુભવું છું એવી અનુભૂતિ કરનાર પાત્ર મારી સામે ખુરશીની બીજી કોલમમાં ત્રીજી હરોળમાં બેઠું હતું. મારુ ધ્યાન રહી રહીને આ સ્મિતધારી સુંદરી પર જ અટકતું હતું. એ છોકરી એટલે તું, તેજલ!
એક ઊંડો શ્વાસ લઈ મલયે કહ્યું, “તે કાર્યક્ર્મના આયોજક કોણ હતા ખબર છે તને ?”
“હા એમને તો હું ઓળખું છું, પપ્પાના મિત્ર અને મારા માટે આદરણીય વડીલ છે.” તેજલે જવાબ આપ્યો.
“હા,તો મેડમજી! એમના સંપર્કથી જ તો તમારો સંપર્ક થયો.” મલયએ કહ્યું.
(તેજલના સ્મિતમાં શરમની ગુલાબી છાંટ હતી.)
દિવસો પસાર થતાં ગયાં. તેજલનું તેજ અને મલયનો મલકાટ એકમેકમાં ઢોળાતો ગયુ. બંને એ કોફીની કડવાશમાં મુલાકાતની મીઠાશ ભેળવવાનું નક્કી કર્યું. કાફેમાં બંનેની ગોષ્ઠી ચાલી..યુવા હૈયે ટાઢક થઇ,ધાર્યા કરતાં બંને વધુ પ્રભાવશાળી હતા.બંનેની આંખોમાંથી સ્નેહ અને સન્માનની લાગણીઓ નીતરતી હતી.બંનેના હ્રદયમાં છવાયેલા વાદળને હવે મૌન પ્રદેશમાંથી આવીને વાચાની ભૂમિમાં વરસવાનું જ બાકી હતું.હજુ માવઠું જ થયું હતું,વર્ષાને હજુ વાર હતી.’ચાલો નીકળીએ!’ કહીને બંને 35 મિનિટ કાફેની બહાર ઊભા રહીને છૂટા પડ્યા. અને એ જ રોજિંદો ક્રમ શરૂ રહ્યો વાતોમાં વ્હાલ અને વ્હાલમાં થતી વાતો,પરસ્પરની કાળજી,ફોનની રાહ,એકમેકને જોવાની અધીરાઇ વગેરે પ્રેમની કથાને વેગીલું બનાવતુ હતું.
(ક્રમશ:)
હિરલ જગડ

















































