“તો પછી સમીર ને કોણે કીધું? ટેન્ડર ફેલ થયી ગયું, એ ફક્ત તને જ ખબર હતી.”
“ક્યાંક બહારથી ન ખબર પડી શકે?”
“નહિ. મને તારાથી આવી અપેક્ષા ન્હોતી માયા.”
“રોહન!! એટલુ જ ઓળખો છો મને?”
રોકાયેલાં આંસુ છલકી પડ્યા અને માયા રડવા લાગી. રોહન કટાક્ષમાં હસી પડ્યો.
“મને તારા પર ગર્વ હતો માયા. પણ I was wrong. હવે મને નથી ખબર કે હું તને કેટલું ઓળખું છું.”
રોહને માયાના હાથ નીચે છણકી નાખ્યા, પોતાની બ્રીફકેસ ઉપાડી અને જવા લાગ્યો.
“હું જાઉં છું.”
“નાસ્તો?”
“ઓફિસ માં કરી લઈશ.”
“રોહન…..”
શબ્દો હવામાં અટકી ગયા. માયાની આંખો અને મન, બન્નેને તરસતા મૂકી, રોહન ઘરની બહાર નીકળી ગયો.
જેમ દરવાજો બંદ થવાનો અવાજ આવ્યો, માયા હતાશ થઈને પાછી પલંગ પર રડતા રડતા ઢળી પડી. રોહને આજ સુધી માયા સાથે આ ટોનમાં વાત ન્હોતી કરી.
એક મિનિટ માટે માયાને થયું કે સમીરને ફૉન કરીને પૂછે. પછી એને વિચાર આવ્યો, કે આટલા વર્ષોમાં ક્યારે પોતાના ઘરની વાત બહાર નથી કાઢી, તો હવે શા માટે? પછી ભલે એનું કારણ એનો ભાઈ કેમ ન હોય? આ વાત સમીરની હતી જ નહિ. આ એના અને રોહનની અંગત વાત હતી. એમના વચ્ચેનો પ્રેમ અને વિશ્વાસ. ત્રીજી વ્યક્તિ કોણ છે, એના થી શું ફરક પડે છે?
રોહન ઊંડા શ્વાસ લેતા પોતાના ક્રોધ ઉપર નિયંત્રણ પામવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો. ઘર માં માયા સામે બધું ચાલે. પણ આ મૂડ ઓફિસમાં કામ બગાડી દેશે. ડ્રાઈવર એને ઓફિસ પહોંચાડે, ત્યાં સુધી એણે કારમાં પોતાનું લેપટૉપ ઓન કર્યું અને વ્યસ્ત થવાની બેકાર કોશિશ કરવા લાગ્યો. માયા સાથે થયેલી વડ છડ એના મગજમાંથી ખસતી જ ન્હોતી. એને જેટલો ગુસ્સો માયા પર હતો, એટલો જ ગુસ્સો એને પોતાના પર પણ આવી રહ્યો હતો.
(ક્રમશ:)
શમીમ મર્ચન્ટ

















































