કેટલું મુશ્કેલ છે એક મા માટે તેના નાના એવા બાળકને સૂતું મૂકી, રડતું મૂકી ને ઘરની બહાર નીકળવું ને પોતાની જોબ પર જવાનું?
આ મુશ્કેલી એક મા જ સમજી શકે….
બાળક જાગે ને મમ્મી…. મમ્મી કરે , થોડી વાર રડે, ને જ્યારે મમ્મી ન દેખાય ત્યારે ચૂપચાપ દાદી પાસે જતું રહે . આવું બાળક સમય પહેલાં જ પરિપકવ અને જવાબદાર બની જાય છે… પણ મા પોતાના પરિપકવ બાળકની આંખો વાંચીને ખુદને કહે છે કે હજી આની ઉંમર જ શું છે?
ત્યારે એમ થાય કે ખબર નથી પડતી કે એક મા આટલી હિંમ્મત ને આટલી મમતા , આટલી તાકાત લાવતી ક્યાંથી હશે ? કોઈ ને કાંઈ કહે નહીં , બસ આંખો ભરાય આવે છે ને તેમાં જ ડૂબતી રહે છે….ને ખુદને કન્ટ્રોલ કરી ને એ ભરેલી આંખોને સુકવી લે છે…
જોબ ની સાથે સાથે ઘર, પરિવાર ,સંબંધ, વહેવાર પણ સંભાળવાના….બાળકોના લન્ચબોક્સથી લઇને પતિના કપડાં સુધી,બ્રેકફાસ્ટંથી લઈ ડિનર સુધી ,કામવાળીથી લઈ ધોબી સુધી…..વાહન ભટકાય જાય તેટલી હદે ઝડપથી ચલાવે કે જેથી તે ઓફિસ મોડી ન પડે.
પતિ ના મૂડ ને સંભાળવાથી લઈ સાચવવા ને સુધારવા સુધી ,કેટલું સુંદર રીતે બધું મેનેજ કરે છે !! ને આ સાથે ખુદ ને પણ જોબ માટે વ્યવસ્થિત રાખે …. મેચીંગ ચાંદલા થી લઇ એરિંગ સુધી…
ને આ બધા પછી પણ મન માં ચાલ્યા કરે પલાળેલ બદામ પીસી ને ન આપી શકી… તેનાથી વધુ ફાયદો થાત…. તેને કશુંક ને કશુંક છૂટતું જ લાગ્યા કરે….
બાળક નો નાસ્તો, જમવાનું, બધું કરી ને જાય ને આખો દિવસ એ ચિંતામાં રહે તેણે ખાધું હશે કે નહીં? આવી ને પહેલો પ્રશ્ન કેમ ખાધું નથી!!?
સાચ્ચે, એક મા જયારે ઘર ની બહાર જાય છે ,ત્યારે તે બાળકથી દૂર ક્યારેય રિલેકસ નથી રહી શકતી….
ઘરે જાય તો બાળકના અસ્તવ્યસ્ત વાળ, કપડાં સવારના એ ના એ જ જોઈને એક સાથે ખુશી અને દુઃખ બન્ને એક સાથે અનુભવે છે…
આંનદ બાળક ને જોયાનો, મળ્યાનો અને દુઃખ બાળકને આ રીતે જોયાનું ….
પણ તે એક પણ શબ્દ બોલતી નથી આંખો ને રોકી રાખે છે .
આ બહારથી મજબૂત દેખાતી મા અંદરથી સાવ કમજોર હોય છે. સવારથી અલગ પડેલું બાળક દોડીને ગળે વળગે છે ત્યારે માને તો આખી દુનિયાની કાયનાતનો આંનદ મળી જાય છે. આવું સુખ તેને સ્વર્ગમાં પણ ન મળે, આ એક જ ક્ષણ એવા સુકુનની હોય છે જાણે સદી પસાર થઇ ગઈ હોય.
કયારેક કયારેક વિચાર આવે કે પુરુષો જે આટલા રિલેક્સ રહી શકે છે પરિવાર અને બાળકો માટે તેમાં બહુ મોટો ફાળો સ્ત્રીઓનો છે.
એક પુરુષ ઓફિસથી પાછો આવે તો કેટલી જગ્યાએ ચા પી ને,પોતાના મિત્રોની સાથે ગપ્પા મારી ,આનંદથી નિરાંતે ઘરે આવે .ને નોકરી કરતી સ્ત્રી ઑફિસનું કામ પૂરું કરી મારતી ગાડીએ કે પછી બસમાં ધક્કા ખાતી , ઘરે આવે પોતાના બાળક પાસે પોંહચી જાય. તે બાળકને વ્હાલ કરતી હોય તે વખતે રસોડાના કામ અને ઘરની સ્થિતિ તેને ત્રાંસી નજરે જોઈ રહી હોય છે.
સ્ત્રીને પણ ગમે છે બહાર જઇ પોતાના ફ્રેન્ડસ સાથે વાતો કરવી, ચા પીવી પણ પોતાના બાળક સુધી પહોંચવાની અધીરાય તેના જગતભરના સુખને એક બાજુ કરી દે છે.
માનું છું કે આ બધા સંઘર્ષો તેના બાળક અને તેના ભવિષ્ય માટે છે. બધાંને એવું લાગે કે આ “working women” પાસે કેટલું બધું, તેને જલસા, પણ આ બધાની સાથ તેનું કેટલું બધું છૂટી ગયું, ખોવાઈ ગયું તેની પર કોઈની નજર ખરી?


















































