નભોમંડળના નવરત્નો (લાલકિતાબ આધારિત)
નમસ્કાર મિત્રો,
પાછલા અંકમાં આપણે લાલ કિતાબ મુજબ કુંડળીમાં લગ્ન સ્થાપના તથા ગ્રહોની સ્થાપના વિશે જાણ્યું. આજના લેખમાં આપણે જે તે ગ્રહોના પાક્કા ઘર, સૂતેલા ઘર તથા સૂતેલા ગ્રહો વિશે જાણીશું.
પાક્કા ઘર
વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં, દરેક ઘરનો પોતાનો નિશ્ચિત સ્વભાવ હોય છે, પરંતુ લાલ કિતાબમાં, એવું હોતું નથી. અહીં, કાળપુરુષ કુંડળીની જેમ, મેષ પ્રથમ ઘરમાં સ્થિત છે અને આ રીતે વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન રાશિ બારમા ઘરમાં છે.
| ભાવ કે સ્થાન | રાશિ | જે તે ઘરના સ્વામી ગ્રહો | પાક્કું ઘર ધરાવતા ગ્રહો |
| પ્રથમ (લગ્ન) | મેષ | મંગળ | સૂર્ય |
| બીજું | વૃષભ | શુક્ર | ગુરુ |
| ત્રીજું | મિથુન | બુધ, કેતુ | મંગળ |
| ચોથું | કર્ક | ચંદ્ર | ચંદ્ર |
| પાંચમું | સિંહ | સૂર્ય | ગુરુ |
| છટ્ઠું | કન્યા | બુધ, રાહુ | કેતુ |
| સાતમું | તુલા | શુક્ર | બુધ, શુક્ર |
| આઠમું | વૃશ્ચિક | મંગળ | મંગળ, શનિ |
| નવમું | ધન | ગુરુ | ગુરુ |
| દસમું | મકર | શનિ | શનિ |
| અગિયારમું | કુંભ | શનિ | ગુરુ |
| બારમું | મીન | ગુરુ | રાહુ |
સૂતેલા ઘર
જો લાલ કિતાબ કુંડળીના કોઈ સ્થાનમાં કોઈ ગ્રહ નથી અને તે ખાલી છે અને તેના પર કોઈ અન્ય ગ્રહ દ્રષ્ટિ કરતો નથી, તો તે સ્થાન સૂતેલા ઘર તરીકે ગણાશે. એવું માનવામાં આવે છે કે સૂતેલા ઘરને જાગૃત ન કરવામાં આવે ત્યાં સુધી તે તેને લગતી કોઈ અસર પ્રદાન કરતી નથી. જ્યાં સુધી તે કેટલાક ઉપાયો કરીને જાગૃત કરવામાં ન આવે ત્યં સુધી તે સ્થાન બેઅસર રહેશે. અહીં દરેક ઘરને જાગૃત કરવાની વિવિધ રીતો છે:
- પ્રથમ ઘરને જાગૃત કરવા મંગળ ઉપાયનું પાલન કરવું જોઈએ.
- બીજા ઘરને જાગૃત કરવા માટે ચંદ્રના ઉપાયનું પાલન કરવું જોઈએ.
- ત્રીજા ઘરને જાગૃત કરવા માટે બુધના ઉપાયનો ઉપયોગ કરવો જોઈએ.
- ચોથા ઘરને જાગૃત કરવા માટે ચંદ્રના ઉપાયોનું પાલન કરવું જોઈએ.
- પાંચમા ઘરને જાગૃત કરવા માટે સૂર્ય ઉપાયનો ઉપયોગ કરવો જોઈએ.
- છઠ્ઠા ઘરને જાગૃત કરવા રાહુ ઉપાયનો ઉપયોગ કરવો જોઈએ.
- સાતમા ઘરને જાગૃત કરવા શુક્ર ઉપાયનું પાલન કરવું જોઈએ.
- આઠમા ઘરને જાગૃત કરવા માટે ચંદ્ર ઉપાયનો ઉપયોગ કરવો જોઈએ.
- નવમા ઘરને જાગૃત કરવા માટે ગુરુ ઉપાયનો ઉપયોગ કરવો જોઈએ.
- દસમા ઘરને જાગૃત કરવા માટે શનિ ઉપાયનો ઉપયોગ કરવો જોઈએ.
- અગિયારમા ઘરને જાગૃત કરવા માટે ગુરુના ઉપાયોનું પાલન કરવું જોઈએ.
- બારમા ઘરને જાગૃત કરવા માટે કેતુ ઉપાય કરવા જોઈએ.
સૂતેલા ગ્રહો
લાલ કિતાબ જન્માક્ષર મુજબ, જે ગ્રહની બીજા કોઈ ગ્રહ પર દ્રષ્ટિ પડતી ન હોય તેવા ગ્રહને સૂતેલા ગ્રહ કહેવામાં આવે છે પરંતુ જો કોઈ ગ્રહ તેના પક્કા ઘરમાં સ્થિત છે, તો તે સૂતેલો ગ્રહ નહીં ગણાય. તેનો અર્થ એ કે તે ગ્રહની અસર તે સ્થાન પૂરતી મર્યાદિત માનવામાં આવશે, જેમાં તે સ્થિત છે. ઉદાહરણ તરીકે, જો કુંડળીના ચોથા સ્થાનમાં શુક્ર સ્થિત હોય અને દસમું ઘર ખાલી રહે, તો આ સ્થિતિમાં શુક્રને સૂતેલો ગ્રહ માનવામાં આવશે. કારણ કે શુક્રની સાતમી દૃષ્ટિ દસમા સ્થાન પર છે પરંતુ દસમા સ્થાનમાં કોઈ ગ્રહ નથી અને ચોથું સ્થાન પણ શુક્રનું પાક્કું ઘર નથી. આ સ્થિતિમાં, શુક્રની અસર ફક્ત ચોથા ઘર માટે જ હશે અને તેના આધારે તે પરિણામો આપશે.
તો મિત્રો, આ હતી આજની વાત. આવતા અંકે આપણે સાથી ગ્રહો, આંધળી કુંડળી, આંધળા ગ્રહો, ધાર્મિક કુંડળી તથા નાબાલિગ કુંડળી જેવા વિભિન્ન વિષયો વિશે જાણીશું.
હવે મળીશુ આવતા સપ્તાહે.
त्वदीयम जीवन त्रिपुरा तुभ्यमेव समर्पयते
– આદિત શાહ


















































