સંગીતથી અજાણ હોય તેવી વ્યક્તિ શોધવી મુશ્કેલ છે, આજની દુનિયા હોય કે આજથી હજારો વર્ષ પહેલાની દુનિયા હોય દરેક સમયે સંગીત ના જુદા જુદા સાધનોથી સંગીતના સાધકો સંગીત રેલાવતા રહ્યા છે.. વાંસળી વગાડતો કાન્હો આ બધા સંગીતના સાધકોમાં સર્વોત્તમ છે…
જૂના સમયની વાર્તાઓ છે જ્યારે રાજા-મહારાજાઓ છૂપાવેશે કોઈ સાધક જે સંગીતથી ઈશ્વરની આરાધના કરતા હોય તેમને સાંભળવા ચુપકેથી જાય અને અભિભૂત થઇ જાય. સંગીતના કેટલાક રાગ તો એવા છે કે એ સાધી લેવાય તો પ્રકૃતિની અમુક બાબતો પોતાની રીતે ચલાવાય.. આગ સળગાવાય, પાણી વરસાવાય. આમ સંગીત એ સાધના છે.
નવા સમયમાં સંગીત ઘોંઘાટ બની ગયું છે.. એની સુંદરતા મરી રહી છે. જ્યારે વસ્તુ બજારમાં વેચાય ત્યારે તેની કિંમત ભલે વધારે હોય પણ યોગ્યતા ઘટી જાય.. એવું જ સંગીત સાથે થયું છે.. લોકોના અશાંત અને ઊંઘતા જીવનમાં શાંતિ અને જીવન તથા લાવવા માટે; તેમને ચેતન બનાવવા માટે સંગીત જેવી અદભુત રચના થઈ હશે પણ દરેક વસ્તુને રૂપિયા-પૈસા માં તોલતા લોકો ના હાથ માં આવતા જ સંગીતના અયોગ્ય થવાની શરૂઆત થઈ હશે… એટલે જ આજે કાદવમાં કમળ ખીલે તેમ કેટલીએ સંગીત દ્વારા તૈયાર થયેલી અયોગ્ય રચનાઓમાં થોડી ઘણી રચનાઓ યોગ્ય બનતી હોય છે અને જે સંગીતની યોગ્યતા બચી છે તે કેટલાક સંગીતના આરાધકોને કારણે. કોઈએ કહ્યું છે કે જે સમયના લોકોને ઓળખવા હોય તે સમયના પ્રસિદ્ધ ગીત સંગીતને જાણવું પડે ત્યાં જ સમજાઈ જાય કે તેમના જીવનમાં કેટલી શાંતિ હતી.
આજની ભાગદોડ ભરી જીંદગીમાં આપણા માટે યોગ્ય સંગીત અને તેના પર રચાતા યોગ્ય ગીત અમૃત સમાન છે.
તે આપણને શાંતિનો અનુભવ કરાવે છે, ચિંતાઓથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. આપણા જીવનમાં શાંતિ લાવવાનો એક જાદુઈ કિમીયો છે. કોઈએ કહ્યું છે કે “જીવનનું સંતુલન બનાવી રાખવા માટે દરરોજ થોડો સમય કર્ણપ્રિય મધુર સંગીત સાંભળવાનું રાખવું જોઈએ”
સાધનામાં પણ સંગીત ઉપયોગી નીવડે છે, ધ્યાનમાં ઉતરતા સાધક સાધનામાં ઉપયોગી થાય તેવું સંગીત સાંભળે છે જે તેમને ચેતન રહેવામાં સહાયક બને છે અને પોતાના અંદર છુપાયેલા કેટલાય ન જાણેલાં સત્યોથી અવગત કરાવે છે.
સામાન્ય જીવનમાં જ્યારે પણ એવું લાગે કે શાંતિ નથી ત્યારે માણસ કાં તો તેના પ્રેમપાત્ર તરફ વળે કાંતો સંગીત તરફ વળે…. કારણ કે બંને સરખું કામ કરે; આપણા શરીરને ભૂલાવીને આત્મા સુધીનો સંપર્ક કરાવી દે. પણ આવું ત્યારે થાય જ્યારે પ્રેમપાત્રમાં ઈશ્વરની ઝલક દેખાય અને સંગીતની આરાધના થાય.
– પ્રીત લીલા ડાબર ” vibrant writer”


















































