ઉંદરાને મળી ગયો પાસપોર્ટ !
અમેરિકા જવાનો..
ટાઈ-બાઈ , કોટ-બોટ પહેરી –
એતો મોર્ડન થવાનો !
ઉંદરાને મળી ગયો પાસપોર્ટ !
અમેરિકા જવાનો..
બિલ્લીની સામે કાંઈ અંગ્રેજી ફાડે !
ઉંદરાઓને એતો પાસપોર્ટ બતાવે !
”હેલ્લો..હાય”બોલીને ફૉન ઉપાડે…
નાની નાની બખોલ નહીં , એતો ફ્લૅટમાં રહેવાનો !
ઉંદરાને મળી ગયો પાસપોર્ટ !
અમેરિકા જવાનો..
પ્લૅનમાં બેસવાની ટિકીટ કરાવી બુક !
કાળો કાળો ચહેરો થઈ ગ્યો ‘નાઈસ લુક’ !
અરે..રંગાવી નાખી પુંછડી નાજુક …
એઠવાળ જેવું કાંઈ નહીં, પિત્ઝા ને બર્ગર ખાવાનો !
ઉંદરાને મળી ગયો પાસપોર્ટ !
અમેરિકા જવાનો..
– ધાર્મિક પરમાર ‘ધર્મદ’