જજૂમે છે કોઈ , છૂપવા કોઈ બંકર તલાશે છે,
અને દરિયાની વચ્ચે જઈ કોઈ લંગર તલાશે છે,
અહીંયા શાંત જળને પણ ઘણાં જોઈ નથી શકતા,
ને કરવા કાંકરીચાળો , કોઈ કંકર તલાશે છે,
લગોલગ સાવ બેઠા તન, અને મન દૂર ઉભા છે,
કોઈ સાથી તલાશે ને કોઈ અંતર તલાશે છે,
અટક્યું કેમ ગરદનમાં જે પીધું ઝેર એ કહેશો?
મળે તો પૂછવા માટે, કોઈ શંકર તલાશે છે,
તલાશે તર્ક ને વિજ્ઞાન અહીંયા એકલો તું ‘સ્તબ્ધ’,
કોઈ જાદૂ તલાશે છે , કોઈ મંતર તલાશે છે.
સ્તબ્ધ- કૌશલ શેઠ