શ્રીમદ ભાગવત મહાપુરાણના આઠમા સ્કંધના સાતમા અધ્યાયમાં સમુદ્રમંથન કેવી રીતે થયું તે સંબંધી ઉલ્લેખ છે. સમુદ્ર મંથનમાંથી 14 રત્ન મળી આવ્યાં હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રને અપનાવવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ. જાણો આ કથા અને રત્નો સાથે જોડાયેલાં સૂત્ર. પ્રચલિત કથા પ્રમાણે મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે સ્વર્ગથી એશ્વર્ય, ધન, વૈભવ વગેરે જતું રહ્યું હતું. ત્યારે દેવરાજ ઈન્દ્ર સહિત દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ તેમને અસુરો સાથે મળીને સમુદ્ર મંથન કરવાનો ઉપાય જણાવ્યો અને તે પણ જણાવ્યું કે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવશે જેને ગ્રહણ કરીને બધા અમર થઇ જશે. આ વાત જયારે દેવતાઓએ અસુરોના રાજા બલીને જણાવી તો તે પણ સમુદ્રમંથન માટે તૈયાર થઇ ગયો. વાસુકી નાગને દોરડુ બનાવી મંદરાચલ પર્વતની મદદથી સમુદ્રને વલોવામાં આવ્યો. સમુદ્ર મંથનની સાથે આ કુર્માવતારની પણ આ કથા છે, જ્યારે ભગવાન વિષ્ણુએ વિશાળ કુર્મ એટલે કે કાચબાનું રૂપ લીધું હતું. આમ, દૈત્યો અને દેવતાઓ સાથે મળીને સમુદ્ર મંથન કરવા લાગ્યા.
▶️ કાલકૂટ વિષ:-
સૌથી પહેલાં કાલકૂટ નામનું વિષ બહાર આવ્યું. આ વિષને શિવજીએ પોતાના ગળામાં ધારણ કર્યું. કાલકૂટ વિષનો સંદેશ છે કે જ્યારે પણ મનને મથવામાં આવે તો સૌથી પહેલાં વિષ સમાન ખરાબ વિચાર જ બહાર આવે છે. આ ખરાબ વિચારોનો ત્યાગ કરવો જોઇએ.
▶️ કામઘેનુ:-
પવિત્ર કામધેનુ યજ્ઞની સામગ્રી ઉત્પન્ન કરનારી દિવ્ય ગાય હતી. એટલે ઋષિઓએ કામધેનુને રાખી લીધી. કામધેનુનો સંદેશ છે કે, મનમાંથી ખરાબ વિચાર કાઢ્યા બાદ મન પવિત્ર થઇ જાય છે.
▶️ ઉચ્ચેશ્વવા ઘોડો:-
ઉચ્ચેશ્વવા ઘોડો સફેદ હતો. તેને અસુરોના રાજા બલિએ રાખ્યો હતો. ઉચ્ચેશ્વવા ઘોડો મનની ગતિથી ચાલતો હતો. મન જો ભટકે તો તે અવગુણો તરફ જ આગળ વધે છે. તેનો સંદેશ છે કે, આપણે મનને અહીં-ત્યાં ભટકવા દેવું જોઇએ નહીં અને ભગવાન તરફ ધ્યાન લગાવવું જોઇએ. ત્યારે જ ખરાબ વિચારોથી બચી શકાય છે.
▶️ એરાવત હાથી:-
એરાવત ખૂબ જ દિવ્ય અને સફેદ હાથી હતો, જેને દેવરાજ ઇન્દ્રએ રાખ્યો હતો. એરાવત હાથી શુદ્ધ બુદ્ધિનું પ્રતીક છે. અવગુણોથી મુક્ત દિમાગમાં પણ શુદ્ધ વિચાર હોય છે. વિચાર સારા રહેશે તો મન પણ શુદ્ધ રહેશે.
▶️ કૌસ્તુભ મણિ:-
કૌસ્તુભ મણિને ભગવાન વિષ્ણુએ હ્રદય ઉપર ધારણ કર્યો હતું. આ મણિ ભક્તિનું પ્રતીક છે. જ્યારે મનમાંથી ખરાબ વિચાર જતાં રહે છે ત્યારે મન પવિત્ર અને વિચારો શુદ્ધ થઇ જાય છે, અને ભક્તિ જાગૃત થાય છે. આવી ભક્તિ કરનાર ભક્તને જ ભગવાનની કૃપા મળે છે એટલે ભગવાનના હ્રદયમાં સ્થાન મળે છે.
▶️ કલ્પવૃક્ષ:-
બધી ઇચ્છાઓને પૂર્ણ કરનાર વૃક્ષ કલ્પવૃક્ષ હતું, જેને દેવતાઓએ સ્વર્ગમાં સ્થાપિત કરી દીધું. કલ્પવૃક્ષ ઇચ્છાઓનું પ્રતીક છે. ભક્તિમાં અને મનને મથવાની ક્રિયામાં ઇચ્છાઓ ઉપર કાબૂ મેળવવો જરૂરી છે.
▶️ રંભા અપ્સરા:-
રંભા નામની અપ્સરા ખૂબ જ સુંદર હતી. તે પણ દેવતાઓ પાસે જતી રહી. અપ્સરા વાસના અને લાલચનું પ્રતીક છે. જ્યારે વ્યક્તિ કોઇ લક્ષ્ય પ્રત્યે આગળ વધે છે ત્યારે તેને ભટકાવતી અનેક વસ્તુઓ મળે છે પરંતુ વ્યક્તિએ ત્યાં અટકવું જોઇએ નહીં. આગળ વધતાં રહેવું જોઇએ. ભક્તિ કરતી સમયે પણ મનમાં વાસના અને લાલચ જાગી શકે છે પરંતુ આપણે તેનાથી બચવું જોઇએ.
▶️ દેવી લક્ષ્મી:-
દેવી લક્ષ્મીને દેવતા, દાનવ અને ઋષિ બધા પોતાની પાસે રાખવા માંગતા હતા પરંતુ લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુનું વરણ કર્યું. લક્ષ્મી એટલે ધન. ધન તે લોકો પાસે જ રહે છે જે કર્મને મહત્ત્વ આપે છે અને ધર્મ સાથે રહે છે. ભગવાન વિષ્ણુએ અવતારોના માધ્યમથી કર્મ કરતા રહેવું અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ આપ્યો છે.
▶️ વારુણી દેવી:-
વારૂણી દેવીને દૈત્યોએ ગ્રહણ કર્યાં હતાં. વારૂણી એટલે મદિરા. નશો પણ એક અવગુણ છે. નશો કરનાર વ્યક્તિ અવગુણ તરફ આગળ વધે છે, જેમ કે, વારૂણી દેવીને દૈત્યોએ ગ્રહણ કરી.
▶️ ચંદ્ર:- 🌙
ચંદ્રને શિવજીએ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યાં હતાં. ચંદ્ર શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. જ્યારે મનથી બધા વિકાર દૂર થઇ જાય છે, ત્યારે મનને શાંતિ અને શીતળતા મળે છે.
▶️ પારિજાત વૃક્ષ:- 🌳
પારિજાત વૃક્ષનો સ્પર્શ કરતાં જ થાક દૂર થઇ જતો હતો. તેને પણ દેવતાએ ગ્રહણ કર્યું. પારિજાત વૃક્ષ શાંતિનું પ્રતીક છે. જ્યારે મનમાં શાંતિ અને શીતળતા આવી જાય છે ત્યારે શરીરનો થાક પણ દૂર થઇ જાય છે.
▶️ પાંચજન્ય શંખ:-
સમુદ્ર મંથનમાં બારમા નંબરમાં પાંચજન્ય શંખ મળ્યો. તેને ભગવાન વિષ્ણુએ લઇ લીધો. શંખને વિજયનું પ્રતિક માનવામાં આવે છે સાથે જ તેનો અવાજ પણ શુભ માનવામાં આવે છે, જે ઈશ્વરીય નાદ એટલે સ્વરથી ભરાઈ જાય છે.
▶️ ભગવાન ધન્વન્તરી અને અમૃત કળશ:-
સમુદ્ર મંથનમાં સૌથી છેલ્લે ભગવાન ધન્વન્તરી પોતાના હાથમાં અમૃત કળશ લઇને નીકળ્યા. ભગવાન ધન્વન્તરી નિરોગી આરોગ્ય અને નિર્મલ મનનું પ્રતિક છે. સમુદ્ર મંથનમાં 14માં નંબરે અમૃત નીકળ્યું. તેને જોતા જ દૈત્યોએ અમૃત કળશ છીનવી લીધો. દેવતાઓના સંકટને દુર કરવા માટે ભગવાન વિષ્ણુએ અતિ સુંદર મોહિનીરૂપ ધારણ કરી દૈત્યોથી અમૃત કળશની રક્ષા કરી. તેમણે દૈત્યોને મોહિત કરીને વિશ્વાસ અપાવ્યો કે તે દરેકને સમાન અમૃત આપશે અને બંનેને અલગ અલગ હરોળમાં બેસાડી પહેલા દેવતાઓને અમૃત પીવડાવ્યું અને દૈત્યોને મદિરા પીવડાવી. તેમાંથી રાહુ નામના દૈત્યને મોહિની પર શક થયો તેથી તેણે દેવતાનું જ રૂપ ધારણ કરી દેવતાઓની પંક્તિમાં બેસી ગયો. જેવું મોહિનીએ તેને અમૃત પીવડાવ્યું તરત જ ચંદ્ર અને સૂર્ય દેવતા તેને ઓળખી ગયા. તુરંત ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેનું માથું કાપી નાખ્યું પરંતુ અમૃત પાન કરી લીધું હોવાથી તે અમર થઇ ગયો હતો, જેથી તેનું માથું અને ધડ રાહુ અને કેતુ કહેવાયા અને તેઓ બે ગ્રહ બની ગયા. તેને કારણે જ ચંદ્ર અને સૂર્ય પર ગ્રહણ બને છે.
~ દેસાઇ માનસી શાસ્ત્રો “અનેરી”