શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. કલિયુગમાં કુષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજા શરુ કરી હતી. શિવ મહાપુરાણ મુજબ પાર્થિવ પૂજાથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્રની પ્રાપ્તિ થાય છે તેમજ માનસિક અને શારીરિક દુઃખોમાંથી પણ મુક્તિ મળી જાય છે.
પાર્થિવ પૂજનનું મહત્વ
પાર્થિવ એટલે પૃથ્વી તત્વની પૂજા, જે પૃથ્વીની શુદ્ધતાનું પ્રમાણ બતાવે છે. પ્રથમ ભગવાન વિષ્ણુએ માટીના શિવલિંગની પૂજા કરી હતી. વિષ્ણુ ભગવાને સહસ્ત્ર કમળના પુષ્પો ચડાવીને પૂજન કર્યું હતું. પાર્થેશ્વરને બાણ લિંગ તરીકે પણ ઓળખાય છે, તેની પાછળ એક ઐતિહાસિક કથા આવે છે. મહાભારતના યુગમાં પહેલા બાણાસૂર નામનો પ્રતાપી રાજા થયો. બાણાસુર શિવજીના ભક્તોમાંનો એક હતો. તેણે પરમ તત્વની પૂજા માટીના કોટિ શિવલિંગ બનાવીને કરી હતી, તેથી બાણ લિંગ કહેવાયા છે. બાર જ્યોતિર્લીંગમાનું એક ઘુસ્મેશ્વર જ્યોતિર્લીંગ તેનું જાગૃત પ્રમાણ છે. માટીના પાર્થેશ્વર બનાવા અને તેની પૂજા કરવી ઘણી કઠિન છે એટલે જ પાર્થેશ્વરની પૂજા દેવો અને દાનવોએ પણ કરી છે. દરેક ભક્તોએ પાર્થેશ્વરની પૂજા કરી ધન્યતા પ્રાપ્ત કરવી એ હિન્દુ ધર્મ પ્રત્યેની આસ્થા છે.
કેવી રીતે કરવી પાર્થિવ પૂજા :-
પૂજા કરતા પહેલા પાર્થિવ લિંગ બનાવવી જોઈએ. તેના માટે માટી, ગાયનું છાણ, પંચામૃત ભેળવીને શિવલિંગ બનાવો. શિવલિંગ બનાવવામાં એ વાતનું ધ્યાન રાખો કે આ ૧૨ આંગળીથી ઉંચા ન હોય. તેનાથી વધુ ઊંચા હોવાથી પૂજાનું પુણ્ય મળતું નથી. મનોકામના પૂર્તિ માટે શિવલિંગને પ્રસાદ ધરાવવો જોઈએ. પાર્થિવ શિવલિંગનો પ્રસાદ ગ્રહણ પણ કરી શકાય છે.
નદી કે તળાવની માટીમાંથી બનાવો :-
પાર્થિવ પૂજા કરતા પહેલા પાર્થિવ શિવલિંગ બનાવો. તે બનાવવા માટે કોઈ પવિત્ર નદી કે તળાવની માટી લો. પછી આ માટીને પુષ્પ ચંદન વગેરેથી સુગંધિત કરો. માટીમાં દૂધ ભેળવીને પવિત્ર કરો. પછી શિવ મંત્ર બોલતા આ માટીમાંથી શિવલિંગ બનાવવાની પ્રક્રિયા શરુ કરો.
પાર્થિવ પૂજાનું મહત્વ :-
પાર્થિવ પૂજાથી અકાળ મૃત્યુનું જોખમ દુર થાય છે. શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજા બધા લોકો કરી શકે છે, પછી તે પુરુષ હોય કે પછી સ્ત્રી. એ બધા જાણે છે કે શિવ કલ્યાણકારી છે. જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિસર પૂજા અર્ચના કરે છે, તે દસ હજાર કલ્પ સુધી સ્વર્ગમાં વસવાટ કરે છે. શિવપુરાણમાં લખવામાં આવ્યું છે કે પાર્થિવ પૂજા તમામ દુઃખોને દુર કરીને તમામ મનોકામનાઓ પૂરી કરે છે. જો દરરોજ પાર્થિવ પૂજા કરવામાં આવે તો આ લોક તથા પરલોકમાં પણ અખંડ શિવ ભક્તિ મળે છે. પાર્થિવ સમક્ષ તમામ શિવ મંત્રોના જાપ કરી શકાય છે. રોગથી પીડિત લોકો મહામૃત્યુંજય મંત્રના જાપ પણ કરી શકે છે. દુર્ગાસપ્તશતીના મંત્રોના જાપ પણ કરી શકાય છે. શિવ ઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે. પાર્થેશ્વર શિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે.
~ દેસાઈ માનસી શાસ્ત્રી “અનેરી “