“શું સપના લઈને વિવાહિત સંબંધમાં પગ મૂક્યો હતો, અને આજે પાંચ વર્ષ પછી, હવે મારે જીવનના વિખેરાયેલા ટુકડાઓને ફરીથી એકત્રિત કરવા પડશે.”
મુક્તા મારા ખોણામાં માથું મૂકીને રડી રહી હતી. હું એને કાંઈ આશ્વાસન આપું, તે પહેલાં એને એક બીજા પછતાવાએ ઘેરી લીધો,
“મમ્મી, મેં હજી થોડું સહન કરી લીધું હોત તો? વિરેનને કાંઈક સમય આપ્યો હોત, તો કદાચ મારા લગ્ન બચી જાત.”
સમાન પ્રોફાઇલ ધરાવતા વીરેન શાહ સાથે અમે મુક્તાનું વૈવાહિક જોડાણ ગોઠવ્યું હતું. આનંદમય તો ન કહેવાય, પરંતુ પહેલું એક વર્ષ ઠીક રહ્યું. પછી જ્યારે લગ્નની નવીનતા ફીકી પડી ગઈ, ત્યારે આઘાતજનક વાતો સામે આવવા લાગી, જેણે મારી દીકરીને એટલી બધી શારીરિક અને માનસિક વેદના આપી, કે છેવટે અમને તેના છુટાછેડા કરાવવા પડ્યા.
બસ. બહુ થઈ ગયું! હવે મારાથી મારી દીકરીની યાતના નહોતી જોવાઇ રહી. એના અવાજમાં ડર અને ચિંતા હતી. પણ તે પોતા માટે નહોતી. એને ડર હતો કે સમાજ હવે એને ડિવોર્સીનું કલંક આપશે. એને ચિંતા હતી કે સગા સંબંધીઓને શું જવાબ આપીશું?
મેં એને બેઠી કરતા, એના આંસુ લુછયા અને સચ્ચાઈ બતાવી, “આ જ બધુ વિચારીને તે પાંચ વર્ષ સુધી દુઃખ વેઠવ્યું. એ તકલીફો શું હતી, હવે એમાં પડવાની જરૂર નથી. પણ મહત્વનું એ છે, કે તું એ બોજારૂપ સંબંધમાં ખુશ નહોતી.”
મુકતા ફરી ગદગદ થતા બોલી, “મમ્મી, શું લગ્નને સાચવવાની જવાબદારી મારી એકલાની હતી? તે છતાં, મેં એટલું બલિદાન આપ્યું કે હું મારા આત્મસન્માનના છેલ્લા અવશેષમાં આવી ગઈ.”
“હું જાણું છું દીકરી. એટલે જ કહું છું, કે તું ભણેલી અને આજના જમાનાની સ્ત્રી છે, પછી શા માટે તારા સાચા નિર્ણય પર પછતાંય છો? અચ્છા, મને એક પ્રશ્નનો જવાબ આપ. છુટાછેડા એટલે શું?”
મુકતા ચોંકી ગઈ, પણ ઊંડો નિસાસો ભરતા, ધીમેથી બોલી, “જ્યારે પતિ-પત્નીની આપસમાં ન બને, તો તે અલગ થઈ જાય.”
“એકદમ બરાબર! ડિવોર્સી હોવું કાંઈ પાપ નથી, એ તો કોઈની પણ સાથે થઈ શકે, અને એ તારી વ્યાખ્યા પણ નથી. ડિવોર્સી હોવા પહેલા, તું એક પ્રતિભાશાળી વ્યક્તિ છે, જેને જીવનમાં નવી શરૂઆત કરવાની તક મળી.”
મુક્તાના મનમાં હજી પણ ઘણી બધી શંકાઓ હતી.
“પણ મમ્મી, પતિ વગર…..?”
“આજે મારી મુક્તાને એક ત્રાસદાયક ગુલામીમાંથી મુક્તિ મળી ગઈ. હવે તું ખુલી હવામાં આઝાદીનો શ્વાસ લઈ શકીશ.”
મેં એના માથે હાથ ફેરવ્યો, અને પ્રોત્સાહન આપતા, મક્કમ સ્વરમાં કહ્યું,
“મુક્તા, તારી વ્યક્તિગત ઓળખને પતિ કે લગ્નના પ્રમાણપત્રની જરૂર નથી. તું એક નવી શરૂઆત કર, અને સમાજ તને તારી કુશળતાના આધારે ઓળખશે અને માન આપશે.”
મુક્તાની આંખમાં આંસુની જગ્યાએ આશાની કિરણ જાગી, અને એક હળવું સ્મિત કરતા, તે મને ગળે લાગી ગઈ.
શમીમ મર્ચન્ટ, મુંબઈ
____________________________
લેખિકાની નજરે
નમસ્કાર મિત્રો,
છૂટાછેડા એ કલંક નથી. તે ફક્ત અસંગત સંબંધનો અંત છે. એકબીજાને આગળ વધવાની અને નવી શરૂઆત કરવાની સ્વતંત્રતા આપે છે.
____________________________