“આટલી ઉતાવળ! ઢોળીને ઢગલા કર્યા. ધિરજ જ નથી.” ગુસ્સામાં બોલતી કવિતા મોં બગાડી કામ કરવા લાગી. આશાબેન લાચારીથી લથડાતી જીભે બોલ્યા, “બેટા, તમે કામ કરતાં હતાં અને ચા ઠરતી હતી, તો મને થયું..” અધવચ્ચે જ ગુસ્સામાં કવિતા બોલી, “તમે તમારો મગજ ન ચલાવો. ખબર છે ને શરીરમાં કંપનની તકલીફ છે તો કશું કામ નથી થતું. પણ તમે સમજો કે, માનો તો તમને શાંતિ ક્યાંથી થાય? ખરું ને ? શું થયુ ! ચા ઢોળાઈ ને!” આ સાંભળી આશાબેનની આંખમાં આંસુ આવી ગયા.
આશાબેન હજી કંઈ સ્વસ્થતા ધારણ કરે એ પહેલા એનો દીકરો કવન આવ્યો, “શું બા રોજ માથાકૂટ? ઓલી બિચારીને જરા પણ શાંતિ નહીં લેવાની? રોજ એનું એ જ” દીકરાની વાતથી શરીરની સાથે મગજમાં પણ વિચારોનાં કંપન ચાલુ થયા.
અતિત નજર સામે પસાર થયો. કવન ચારેક વર્ષનો હતો ત્યારે આંચકી આવેલી. ક્ષણ પણ વિચાર્યા વગર વાહનની રાહ જોયા વગર દવાખાને પહોંચાડેલો. તનાવ અને ભાર ઊંચકી આટલું ચાલવાથી પેટમાં રહેલો અઢી માસનો ગર્ભપાત થયેલો.
ડોક્ટરે કહેલું, “કવનની ખાસ કાળજી રાખજો,” જેથી બીજુ સંતાન પછી થવા પણ ન દીધું. કવન પંદર વર્ષનો થયો ત્યાં પતિ ગયા છતાં કવનની બધી ઈચ્છા પૂરી કરી. આજે પોતે એ જ દીકરા માટે ભાર રુપ છે
‘અતિની ન કોઈ ગતિ’ આગલી સવારે આશાબેને ઢસડાતા પગે અતિ પરિશ્રમે સૌથી ઉપરના માળે પહોંચી છલાંગ લગાવી દેહનું કંપન હંમેશા માટે શાંત કર્યુ.
જાગૃતિ કૈલા, ઊર્જા