તમારે….ઘર માં બેસી મોબાઈલ માં બેલેન્સ ની કેમ જરૂર પડે છે ?
મેં જ્યારે મારા પુત્ર ભાવેશ ને કીધું બેટા મારા મોબાઈલ માં બેલેન્સ તને સમય મળે ત્યારે કરાવી આપજે…
ત્યારે મને સામે મળેલ પ્રત્યુતર થી મારુ આત્મસન્માન ઘવાયું…હું છતાં ચૂપ રહ્યો…
મારી પત્ની નંદા ને મેં જ્યારે વાત કરી તો એ પણ મને કહે તેમાં ભાવેશ શુ ખોટું કહે છે…આ ઉંમરે ઘરમાં બેસવા કરતા તમારે કઇ આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ….
અચાનક એક પછી એક પોતાની વ્યક્તિ જ પ્રહાર કરતી હતી….
આમ તો આ ધીરે ધીરે રોજ નું થયું હતું….કોઈને વ્યવહાર કરવા નો હોય કે મારે મસાલો ખાવો હોય તો દસ સવાલ ના જવાબ આપ્યા પછી જાણે સરકાર આર્થિક સહાય જાહેર કરતી હોય તેમ મારી પત્ની અને પુત્ર…મને હાથ માં રૂપિયા આપતા….આ અપમાનિત સ્થિતિ માંથી છૂટવા મેં ઘણા નિરર્થક પ્રયત્ન કર્યા ..પણ તેમાં નિષ્ફળતા જ મળી
મારી ઉંમર 59 વર્ષ , હવે આ ઉંમરે ક્યાં નોકરી કરવા જવી…કે ગોતવા જવી ?
હું કંઈ જ બોલ્યા વગર મારા બેડ રૂમ માં જતો રહ્યો…
બારી માંથી દેખાતા ખુલ્લા આકાશ સામે જોઈ મારી મુર્ખામી ઉપર હું છુપા આંસુ પાડતો રહ્યો…હું મારા ભૂતકાળ માં ધીરે ધીરે જતો રહ્યો…
લગ્ન થયા ત્યારે અમારા શહેર ની મોટા માં મોટી કંપની માં હું એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો…મારા લગ્ન થયા મારી પત્ની પણ લિમિટેડ કંપની માં નોકરી કરતી હતી….હું મારા મિત્રો ની અંદર મારી જાત સૌથી વધારે સુખી ગણવા લાગ્યો…
આ સમય દરમિયાન અમારા ઘરે સંતાન નું આગમન થયું .તેનું નામ મેં ભાવેશ રાખ્યું ..મારા આનંદ નો પાર ન હતો…ભગવાન ની જાણે કૃપા અને આશીર્વાદ મારા ઉપર વરસતા હોય તેવું મને લાગતું હતું….
મને જે તકલીફો પડી તે મારા બાળક ને ન પડવી જોઈએ.
એ વિચાર થી શહેર ની મોટી કહેવાતી મીડીયમ ઇંગલિશ સ્કૂલ માં ફી ની ચિંતા વગર ભાવેશ નું એડમિશન લીધું…
તેની દરેક જરૂરિયાતો નું પણ હું પુરી બારીકાઈ થી ધ્યાન રાખતો..
મારા પપ્પા મને ઘણી વખત મને કહેતા બેટા આપણે મધ્યમવર્ગીય પરિવાર ના બાળકો છીયે…જે ખર્ચ કરો એ ભવિષ્ય નો વિચાર કરી ને કરવો…
રૂપિયા વગર નું ઘડપણ બોજા રૂપ લાગે છે…આવી સ્થતી માં બાળકો સામે હાથ લાંબો કરવો એ મોત બરાબર લાગે છે..મારે તો સરકારી નોકરી છે..પેંશેન મળે છે..તું તારા ભવિષ્ય નો વિચાર કરજે… હું પણ ધૂતરાષ્ટ્ર ની જેમ પુત્ર અને પરિવાર ના પ્રેમ માં અંધ બની ગયો હતો..
પપ્પા મમ્મી તો આ દુનિયા માં રહ્યા નહતા..પણ તેમના અમૂલ્ય શબ્દો અને સલાહ આજે મને યાદ આવતા હતા..તેમની સલાહ નજરઅંદાજ કરવા બદલ પસ્તાવો અને પરિણામ આજે હું ભોગવી રહ્યો હતો…
ભાવેશ ભણવા માં હોશિયાર હતો..હું પણ સમાજ માં કુટુંબ માં તેના વખાણ કરતા થાકતો ન હતો….12th માં સારા માર્ક આવ્યા એટલે…મેં તેને ડોકટર બનાવવા નો નિર્ણય કર્યો
આ સમય દરમિયાન અમારી કંપની માં અને મારા જીવન માં તોફાન આવ્યું..કંપની ખોટ માં ચાલતી હોવાથી VRS સ્કીમ મેનેજમેન્ટે મૂકી….મેં ઘરે વાત કરી… ભોળો બની VRS માં કેટલી રકમ મળશે એ પણ મેં કહી દીધું….
માંરી પત્ની અને ભાવેશે કીધું પપ્પા VRS લઈ લ્યો…મૂડી ઉપર વ્યાજ પણ બેન્ક માં સારું મળશે..મમ્મી સર્વિસ કરે છે..અને ને હું ડોકટર થઈશ પછી તમને રૂપિયા ની કોઈ ચિંતા નહિ રહે ..નંદા ના ચહેરા ઉપર ભાવેશ ની વાત ને મૂંગો સપોર્ટ હતો
હું…આ બન્ને ની વાતો માં આવી ગયો..વગર ઉમ્મરે VRS લઈ ઘરે બેસી ગયો….આ દરમ્યાન ભાવેશ ને ડોકટર બનાવવા ના ખર્ચ ને પહોંચીવળવા એક પછી એક મારી ફિક્સ હું તોડવા લાગ્યો… ભાવેશ ડોકટર બની ગયો…હું ખુશ થઈ મારા મિત્ર મંડળ કુટુંબ માં પેડા વહેચ્યા..પણ મારો આ આનંદ લાંબો સમય ન ટક્યો…
ભાવેશ ના લગ્ન થયા….
મારી દશા તો ઘર માં નાણાં વગર ના નાથીયા જેવી હતી…
ઘર માં મારી કિંમત કોડી જેવી થઈ ગઈ હતી..
કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે કોઈ પણ પ્રકાર નું કામ મને ચીંધી દેતા શરમ કે સંકોચ નો અનુભવ કરતા ન હતા..
પાછા ઉપર થી ચીટ્યો ભરતા જાય અને બોલતા જાય ..લ્યો નવરા બેઠા છો..તો આટલું કામ કરી નાખો
મેં મારા બેડરૂમ ની ભીત ઉપર લટકાવેલ પપ્પા મમ્મી ના ફોટા સામે જોઈ કીધું…પપ્પા તમારી વાત યોગ્ય સમયે માની હોત તો હું આજે આટલો લાચાર અને નિ:સહાય બન્યો ન હોત…
હું..ભીની આંખે .હતાશ મન થી થાકી હિંમત હારી..પપ્પા ને યાદ કરતા કરતા ઊંઘી ગયો..
થોડી વાર પછી અચાનક હું ઉભો થઇ ગયો…સ્વપ્નાં માં ..પપ્પા ના હાથ માં અમારા મકાન ના દસ્તાવેજ હતા…એ મારા હાથ માં મુક્ત બોલ્યા.. બેટા તું તારી જાત ને લાચાર કે મજબૂર ક્યાર થી સમજવા લાગ્યો ?
આ મકાન મેં તારા નામે કરેલ છે…જો તારો પરિવાર તારુ ધ્યાન ન રાખતો હોય , તારી જરૂરિયાતો પૂરી ન કરતા હોય તો વેચી માર આ મકાન ને..તારી લાગણી ની મજાક ઉડવતા હોય તો તું શા માટે….શા માટે…શા માટે…..
લાચાર બની બેઠો છે…
ઉઠ ઉભો થા…આ તારી અસ્તિત્વ અને આત્મસન્માન ની લડાઈ છે..અને આ લડાઈ હમેશા લાગણી થી નહિ બુદ્ધિ થી લડવી પડે
મારા કાન માં પપ્પા ના આ શબ્દો ના ભણકારા ક્યાંય સુધી પડતા રહ્યા
હું ઉભો થઈ પપ્પા ના ફોટા ને દીવાલ ઉપર થી ઉતારી છાતી એ લગાવી ખૂબ રડ્યો… પપ્પા..તમે સાચું કહો છો…હવે..હું આ લોકો ના વાણી વર્તન વ્યવહાર થી ક્યાર નો થાક્યો છું… હું ઘરે થી ભાગી જવા અથવા જીવન નો અંત લાવવાનો વિચારતો હતો ત્યાં તમે મને સાચી દિશા માં માર્ગદર્શન આપ્યું…જીવતા તો તમારી સલાહ ન માની પણ હવે તમારી સલાહ આંખ માથા ઉપર
મેં મારા આખા ઘર સામે અંદર બહાર નજર કરી…ઘર જૂનું હતું…પણ..800વાર ના પ્લોટ માં હતું..બજાર ની અંદાજિત કિંમત પ્રમાણે ચાર કરોડ રૂપિયા નો હું માલિક હોવા છતાં ભિખારી ની જેમ કેમ ઘર માં રહેતો હતો…એવૉ વિચાર પણ મને બે ઘડી આવી ગયો…
ખરાબ અનુભવો પછી વ્યક્તિ નો નવો જન્મ થાય છે.
હવે પછી નો મારો જન્મ પણ નવા વિચારો સાથેનો હતો.
મારી બેઠક રૂમ માં સોફા માં બેસવા ની સ્ટાઇલ બદલાઈ ગઈ હતી
ભાવેશ અને મારી પત્ની સાથે વાત કરવા ની રીત પણ મેં બદલી નાખી હતી..
હવે હું પણ તે લોકો સાથે ઉચ્ચા અવાજે તેમની ભાષા માં જવાબ આપવા લાગ્યો હતો…મારા માં અચાનક આવેલ પરિવર્તન થી અકળાઈ ને એક દિવસ ભાવેશ બોલ્યો મમ્મી પપ્પા ની ઘર માં બેસી બેસી ને દાદાગીરી વધવા લાગી છે…
રૂપિયો કમાવવો તો છે નહીં…
મારી પત્ની નંદા ઉભી ઉભી સાંભળતી હતી પણ ભાવેશ ને આવું બોલતા રોક્યો પણ નહિ….
એટલે મેં કીધું…આ બધી ચરબી ચડી ગઇ છે…એ તારા બાપે કપડાં કાઢી તને ડોકટરનું ભણાવ્યો એટલે…
સાંભળી લેજો…ઘર માં બધા …હવે થી મર્યાદા માં રહી ને મારી સાથે વાત કરજો…
નહિતર…..ભાવેશ ઉચ્ચા અવાજે બોલ્યો…
નહિતર ..તેં કલ્પના પણ નહીં કરી હોય તેવું પરિણામ આવશે..કહી હું મારા રૂમ માં જતો રહ્યો…
મેં એસ્ટેટ બ્રોકર ને ફોન કરી ઘર વેચવા ની જાહેરાત આપવા જણાવી દીધું ..રવિવારે તો એક પછી એક લોકો મારુ ઘર જોવા આવવા લાગ્યા…
ભાવેશ અને મારી પત્ની નંદા કહે આ બધું શું છે…?
મેં કીધું એ પ્રશ્ન પૂછવા નો અધિકાર તમે લોકો ગુમાવી ચુક્યા છો..આ મકાન મારુ છે…મેં તેને વેચવા નો નિર્ણય લીધો છે….
જો મારે મોબાઈલના બેલેન્સ કરવા માટે પણ તમારા બધા પાસે ભીખ માંગવા ની હોય…તો એવું ભિખારી જેવું જીવન હવે મારા થી નહિ જીવાય
ભાવેશ, ..ભાવેશ ની પત્ની…મારી પત્ની નંદા
મારી સામે લાચાર નજર થી જોવા લાગ્યા…
મેં કીધું શરમ આવવી જોઈએ..
એક બાપ ના આર્થિક માનસિક બલિદાન ને તમે લોકો એ ઘર માં મજાક બનાવી દીધી…..તમે બધા મારા ઘર માં ભાડે રહો છો..એ તમે ભૂલી ગયા લાગો છો..
મારે ભાડા પેટે મારા ખાતા માં દર મહિને 35000 રૂપિયા જમા જોઈએ. જો આ શરત મારી તમને મંજુર હોય તો જ આ ઘર વેચવા નો નિર્ણય હું મોકૂફ રાખીશ
ભાવેશ કહે મંજુર છે…
મેં કીધું એક વખત ભોટ બન્યો…બીજી વખત બનવા માંગતો નથી..35000 ના 12 ચેક મને એડવાન્સ માં આપી દયો….
ભાવેશ કહે તમે બાપ છો કે સોદાગર..?
મેં કીધું બેટા એ સવાલ મારે તને કરવા નો હોય…તને શરમ આવવી જોઈએ શહેર માં ત્રણ ત્રણ ક્લિનિક હોવા છતાં તારો બાપ તારી પાસે મોબાઈલ નું બેલેન્સ કરાવવા ભીખ માંગે….મેં મારું…બેન્ક બેલેન્સ ફિકસો બધું સાફ કરી તને અહીં સુધી પહોંચાડયો.. તને કદી વિચાર પણ ન આવ્યો..
કે પપ્પા ની પાસબુક ખાલી મારા કારણે થઈ છે એ પાસબુક ભરવા ની જવબદારી પણ મારી છે…
સોરી બેટા અત્યાર સુધી લાગણી થી જીવ્યો…હવે મારા માં તાકાત નથી….મારો સોદો તમને લોકો ને મજૂર હોય તો કહેજો..આટલું બોલી હું મારા બેડરૂમ માં જતો રહ્યો…
રૂમ માં જઈ પપ્પા ના ફોટા ને પગે લાગતા.. વર્ષો પછી હું હસી પડ્યો..અને બોલ્યો.. પપ્પા..તમે કીધું તેમ બરાબર ની હવા ભરી છે…તિર નિશાન ઉપર લાગ્યું છે..
આ બધા મારા પ્રેમ ,ત્યાગ, સમર્પણ અને મૌન ને મારુ નિર્માલ્યપણુ સમજી ગયા હતા…
પપ્પા પણ જાણે મારી સામે ફોટા માંથી આંખ મારી મને તાળી આપી રહ્યા હોય તેવું લાગ્યું…
મિત્રો
જ્યાં લાગણી નો વ્યાપાર થતો હોય ત્યાં ભોળા બનવું એ પણ મુર્ખામી છે….મગજ બંધ કરી પ્રેમ કરવાનો સમય નથી,.. શંકા કરી સંબધો ન બગાડો પણ જીવન માં જાગૃત રહેવું પણ એટલું જ જરૂરી છે..!!


















































