“ શાને અમોને તાર તાર કરો છો ?
શંકા કરી ઘા જોરદાર કરો છો .”
આ પંક્તિ ઘણું બધું કહી જાય છે. ઘણી વખત સંબંધ આવી શંકાને કારણે તૂટતાં જોયા છે. આપણી કલ્પના , આપણાં વિચારો જ આપણને અસલામતીની ભાવના ઊભી કરે છે .પરંતુ જો આપણે આપણને જે વ્યક્તિ માટે લાગણી છે એજ લાગણીમાં વિશ્વાસનો વ્યાપ વધારીશું તો નાની એવી શંકા પણ વિશ્વાસના વ્યાપ સામે આપોઆપ હારી જશે.
સમ્યક અને સેજલનાં લગ્ન ને દસ વર્ષ થયા .બેઉ વચ્ચે ખૂબજ પ્રેમ અને અતૂટ વિશ્વાસ પણ ખરો જ .એક વખત બેઉ મનાલી ફરવા ગયાં.ત્યાં અચાનક જ એમને સમ્યકની કોલેજ સમયની મિત્ર ફલક મળી.ફલક પણ એનાં પતિ સૌરવ સાથે આવી હતી .બધાંએ સાથે બેસીને જૂના સંસ્મરણો યાદ કરીને ખૂબજ મોજમસ્તી કરી.
સમ્યક ને સેજલ જે હોટલમાં ઉતર્યા હતાં ત્યાં જ બાજુનો રૂમ ફલકનો હતો .આખો દિવસ ખૂબજ ફરીને થાક્યા હોવાથી સેજલ ને બહુજ ઊંઘ આવતી હતી.એ સૂઈ ગઈ. સમ્યક પણ જ્યાં સૂવાની તૈયારી કરતો હતો ત્યાંજ બારીની બહાર નજર જતાં જોયું તો ફલક બહાર ગાર્ડનમાં બેઠી હતી. એને જોતાં જ એની પાસે ગયો .બેઉ વાતોએ વળગ્યા. કોલેજનાં સમયની યાદો ને વાગોળતાં હતાં.
સેજલની અચાનક જ આંખ ખુલી ગઈ. સમ્યક બાજુમાં નહોતો .તેની નજર બારીની બહાર ગઈ. ફલક અને સમ્યકને ગાર્ડનમાં બેઠેલા જોયાં. બેઉ વાતોમાં મશગૂલ હતાં.સેજલ સમજદાર પત્ની હતી. એને સમ્યક પર વિશ્વાસ હતો. શંકાને કોઈ જ સ્થાન હતું જ નહીં .બીજી પત્ની હોત તો જરૂર શંકા કરત .પણ અહીં એવી પરિસ્થિતિનું સર્જન થયું જ નહીં. સેજલની સમજદારી એ પરિસ્થિતિ સંભાળી લીધી.
જો એણે શંકા કરી હોત તો ? મોટા ઝગડાનું સ્વરૂપ ધારણ થયું હોત .માટે જ કહું છું કે વિશ્વાસના પાયા પર ઉભા થયેલા સંબંધને કદી શંકા નામનો કાટ ચડવા ના દેવો …જિંદગી બહુ નાની છે .જે આપણું છે એને મુક્તતાનો અનુભવ કરાવતા રહો. શંકા સંઘરી રાખવા જેવી ચીજ નથી એ માણસને તન મનથી પાયમાલ કરી દે છે .માટે શંકા જન્મે તો જન્મતાં સાથે જ એને મારી નાખવી જોઈએ.
“ શંકા બુરી બલા કા નામ હૈ “.
“શંકા સુલગાવે લંકા “.
દીપિકા. ચાવડા


















































