હું, મારો મોબાઈલ અને મારા પપ્પા અમારો ત્રણેયનો સંબંધ ખૂબ જ અનોખો છે. હું જ્યારે ૧૫ વર્ષનો હતો ત્યારે સૌપ્રથમ હું અને પપ્પા અમારા શહેરના એક શોરૂમમાં, હું પાસ થયો એ ખુશીમાં મોબાઈલ લેવા માટે ગયેલા. એ સમયે કી પેડ મોબાઈલ કલર સ્ક્રીન સાથે ખૂબ જ ડિમાંડમાં હતા, અમે બન્ને અલગ અલગ કંપનીના મોબાઈલ જોઈ રહ્યા હતા, મે એક મોબાઈલ જે મને ગમ્યો એ મે એમને બતાવ્યો અને તેમની રાય માંગી તેમણે એક પપ્પાના સ્વભાવ તરીકે મોબાઈલને પૂરેપૂરો તપાસી લીધો અને પછી તેમને જે પસંદ આવ્યો એ એમણે મને બતાવ્યો અને અમે પપ્પાને જે ગમ્યો એ મોબાઈલનું બિલ ચૂકવ્યું અને હું ખુશ થઈને પપ્પાની પાછળ સ્કૂટર પર બેઠો અને અમે મારા ફેવરિટ ઢોંસા ખાવા માટે ગયા. હું મોબાઈલ જોતાં જોતાં ઢોંસાની મહેફિલ માણતો હતો અને પપ્પા મને ખુશ જોઈને ચા ની ચૂસકી લેતા હતા.
આ જ પરિસ્થિતિ અમારી વર્ષો સુધી ચાલતી રહી, મોબાઈલ બદલાતા ગયા… નોકીયા, બ્લૅકબેરી, સેમસંગ અને આઈ ફોન પણ અમારી મોબાઈલ લેવાની એ આદત અને ઉત્સુકતા એમની એમ જ રહી. જેમ જેમ ટેક્નોલોજી આગળ વધી તેમ તેને સમજવી પપ્પા માટે અઘરી થતી ગઈ અને તેમના માટે મોબાઈલ એક સામાન્ય વસ્તુ જ હતી બાકી બધી વસ્તુની જેમ જ.
તેઓ નવી ટેક્નોલોજીને ક્યારેય સમજતા નહીં પરંતુ મને તેમના પર વિશ્વાસ હતો, મને એ મારી સાથે, મારી આજુબાજુ હોય એટલે ઘણી રાહત રહેતી ખાસ તો ત્યારે જ્યારે હું નવો મોબાઈલ ખરીદતો. એ આંખોની ચમક જે મારી આંખોમાં હતી જ્યારે હું પહેલો મોબાઈલ ખરીદી રહ્યો હતો, તેવી જ ચમક મારા પપ્પાની આંખોમાં પણ મને જોવા મળી.
છેલ્લા એક વર્ષથી એ મને વારે વારે કહી રહ્યા છે, “હાલ ને, નવો મોબાઈલ નથી લેવો? કેટલા બધા મોબાઈલ આવ્યા છે માર્કેટમાં, કેમ તું હવે નથી લેતો મોબાઈલ? જાત જાતના મને કારણ આપે નવો મોબાઈલ લેવા માટે, “આ તારા મોબાઈલની બેટરી ખરાબ થઈ ગઈ છે, આમાં ત્યારે સ્પીકર બરાબર નથી ચાલતું વગેરે વગેરે.” હું તેમને સમજાવી દેતો પછી લેવા જશું.
છેલ્લા એક મહિનાથી મને નવો મોબાઈલ લેવાની ઈચ્છા થઈ છે પરંતુ કાંઈક ને કાંઈક મને રોકે છે, ના એ કારણ પૈસા કે મોબાઈલ નહીં પરંતુ એ છેલ્લી યાદગિરી પપ્પા સાથે મોબાઈલ લેવા ગયેલો અને અમારી રીતિ મુજબ મોબાઈલ લઈ મારા ફેવરિટ ઢોંસા ખાવા બેઠેલા. અંતે મે યાદોને થોડો વિરામ આપ્યો અને હિંમત કરી ઓનલાઇન શોપિંગ એપ ઓપન કરી તેમા નવો મોબાઈલ જોયને buy બટન પર ક્લિક કરી.
૫ વર્ષ પછી, એક નવો મોબાઈલ, ઉજવણી કરવી જોઈએ ને? પરંતુ ખબર નહીં કેમ કાઇ આમ ઉત્સુકતા જ નથી લાગતી. નવો મોબાઈલ કુરિયરમાં આવ્યો અને એને હું તમારા ફોટા સામે રાખું છું, મને ખબર છે તમે ખુશ હશો કે હાઈશ મારા દીકરાએ મુવ ઑન તો કર્યું, મારી યાદો સાથે એક ને એક જગ્યાએ થંભી ના ગયો.
મને દિલથી ખબર છે કે અત્યારે આ મોબાઈલ જોતાં જોતાં તમે સ્વર્ગમાં ચા ની ચૂસકી લેતા હશો અને કહેતા હશો “મસ્ત મોબાઈલ લીધો હો બાકી,” એટલે જ મે પણ ઢોસો મંગાયો છે. તમારી ચા ની ચૂસકી સાથેની એ હંસી અને મારા માટે ગર્વ અનુભવવું મારા માટે પૂરતું છે પપ્પા. હું અને આ નવો મોબાઈલ તમને ખૂબ યાદ કરીએ છીએ.


















































