વહેલી સવારે ફોનની ઘંટડી રણકે છે.સુવર્ણા દોડીને ફોન હાથમાં લે છે.મુકેશકાકાનું નામ વાંચીને તે તરત જ ફોન ઉપાડે છે.મુકેશકાકા તેને જણાવે છે કે કાલે રાતે તારા પપ્પાની તબિયત થોડી ખરાબ થઇ હતી,એટલે તેમને હોસ્પિટલ લાવ્યા છીએ.તેમને અત્યારે તો સારું છે,પણ તને ખુબ યાદ કરે છે.પિતાની તબિયત વિષે સાંભળતા જ સુવર્ણાનું અંતર એકદમ વલોવાઈ જાય છે. “હું જેમ બને તેમ જલ્દી ત્યાં પહોચું છું,બસ ત્યાં સુધી તમે પપ્પાનું ધ્યાન રાખજો” એટલું કહીને સુવર્ણા ઝડપથી ફોન મુકે છે.ફોન મુકીને તે ઘરમાં બધાને જાણ કરે છે. “તું અને વિસ્મય જલ્દીથી તારા પપ્પા પાસે જવા નીકળો” સુવર્ણાના સસરા તેને કહે છે.સુવર્ણાના સાસુ તેની પાસે આવીને પ્રેમથી તેના ખભા ઉપર હાથ ફેરવતા કહે છે કે, “બેટા! તું ચિંતા ન કરીશ…મંત્રને હું મારી પાસે રાખું છું…તું બસ ઝડપથી ત્યાં જવાની તૈયારી કર.” સુવર્ણા અને વિસ્મય ડ્રાઈવર સાથે તેના પિતા પાસે જવા નીકળે છે.પિતાને યાદ કરતા સુવર્ણાનું હદય આકૂળ-વ્યાકુળ થઇ જાય છે.પપ્પાની તબિયત કેવી હશે?બસ એ જ વિચાર સતત તેના મગજમાં ફર્યા કરે છે.નજરની સામે આવતી પિતાની છબી; સુવર્ણાના અંતરને વિહવળ બનાવી મુકે છે.વિચારોના પ્રવાહમાં વહેતા-વહેતા અચાનક ભૂતકાળના અમુક સંસ્મરણો સુવર્ણાની આખો સામે આવીને ઉભા રહે છે.
સુવર્ણાને પોતાની સ્કૂલનો એક કિસ્સો યાદ આવે છે…….એકવાર સ્કૂલમાં એક છોકરાએ સુવર્ણાને જોરથી ધક્કો માર્યો હતો.તેના પગે ખુબ વાગ્યું હતું.સ્કૂલમાંથી સમાચાર મળતા જ તેના પિતા એકદમ બેબાકળા બની ગયા હતા,ને બધું જ મુકીને તાત્કાલિક તેની પાસે આવી પહોચ્યા હતા. ‘વાગ્યું સુવર્ણાને હતું,અને દર્દ તેના પિતાની આંખોમાં દેખાતું હતું.” તેમની પાસે એ વખતે પૈસા ન હતા; તો ઉધારી કરીને પણ સારામાં સારા ડોક્ટર પાસે સુવર્ણાનો ઈલાજ કરાવ્યો હતો. “દીકરી! તું ચિંતા ન કરતી,તારો પગ બહુ જલ્દી સાજો થઇ જશે!” આવા શબ્દો તે સુવર્ણાને કહેતા,પણ સાંત્વના તે પોતાની જાતને આપતા હતા. માં અને પિતા બન્ને મળીને જે પ્રેમ આપે,તેનાથી પણ બમણો પ્રેમ તેના પિતા એકલા તેને આપતા હતા.
સુવર્ણા તેના બાળપણનો સમય સ્મરણ કરતાં વિચારે છે કે …હું ૧૧ મહિનાની હતી ને,મારી મમ્મી મને છોડીને ભગવાનના ઘરે ચાલી ગઈ હતી.મારી દરેક જવાબદારી એકલા પપ્પાના માથે આવી ગઈ હતી.મને એકલા હાથે સાચવવાથી લઈને; મારી દરેક જીદ પૂરી કરવા સુધીની તમામ બાબતોનો, તે હંમેશા હસીને જ સ્વીકાર કરતા.આજે એક માં બન્યા પછી મારા દીકરાનો જીદ્દી સ્વભાવ જોઇને,મને ખ્યાલ આવે છે કે મેં તેમને કેટલા હેરાન કર્યા હશે! સુવર્ણાને થાય છે કે, મારા દીકરાની સંભાળ રાખવા તો આજે મારું આખું પરિવાર મારી સાથે છે,ને છતાય મને ઘણીવાર તેના ઉપર ગુસ્સો આવે છે.પપ્પાએ તો મને એકલા હાથે ઉછેરી છે,ને પૂરતા પૈસા ન હોવા છતાય તેમણે મારી દરેક બિનજરૂરી માંગણીઓને પણ પૂરી છે.તેમ છતાય! મેં ક્યારેય તેમના ચહેરા પર એક વાર પણ ગુસ્સાનો ભાવ સુધ્ધાય નથી જોયો.તેના પિતાનો એ પ્રેમાળ અને હરખાતો ચહેરો સતત તેની નજરની સામે ફર્યા કરતો હતો.
ગાડી પોતાનું અંતર કાપતી આગળ વધતી જાય છે…ને,સુવર્ણાનું અંતર તો તેના પિતાના સ્મરણોમાં જ ફર્યા કરે છે… તેને થાય છે કે,પપ્પાનો પ્રેમ કેટલો નિ:સ્વાર્થ હતો! તેમની લાગણીનું તો ક્યારેય કોઈ માપન જ ન હતું. તે વિચારે છે કે…એવી એક પણ દિવાળી નહોતી ,કે જેમાં પપ્પા પોતાના માટે નવા કપડા લાવ્યા હોય.અને મારા માટે તો દર દિવાળીએ મારા મનગમતા કપડાઓ તે ખરીદીને લાવતા હતા.મને ઝાંઝરીનો ખુબ શોખ; એટલે દર દિવાળીએ તે મારા માટે નવી ઝાંઝરીઓ ખરીદીને લાવતા.ગયા વર્ષની ઝાંઝરી તૂટી હોય કે ન તૂટી હોય..દર વર્ષે ઝાંઝરીની એક નવી જોડ મારા માટે આવી જ જતી.
સુવર્ણાના લગ્ન એક સુખીસંપન્ન પરિવારમાં થયા હતા.સુવર્ણાના પરિવારમાં બધા ખુબ પ્રેમાળ છે,છતાં પણ તેના પિતાની ગેરહાજરી તેને હંમેશા વર્તાતી.સુવર્ણા તેના દીકરા મંત્રને જયારે પણ જમાડવા બેસે ત્યારે પહેલો કોળીયો તેના મોઢામાં મુક્તા જ તેને તેના પિતાની યાદ આવતી કે, પપ્પા બરાબર જમ્યા તો હશે ને! તે પોતાનું ધ્યાન બરાબર રાખતા હશે કે નહિ?. સુવર્ણાને ક્યારેક તો તેના પિતાની એટલી બધી ચિંતા થતી કે,તે આખી રાત ઊંઘી શકતી ન હતી!
પિતાના સ્મરણોમાં રસ્તાનું અંતર કપાઈ જાય છે,ને ગાડી હોસ્પિટલ પાસે આવીને ઉભી રહે છે.સુવર્ણા ઝડપથી તેના પિતાના ખંડ તરફ દોટ મુકે છે…પહેલી વાર પોતાના પિતાને હોસ્પીટલના બેડમાં સુતેલા જોઇને,તે તેમને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. તેને યાદ આવે છે કે,પપ્પા જયારે પણ બીમાર થતા ત્યારે મેડીકલ સ્ટોરમાંથી લાવેલી જ દવા લેતા,અને હું જયારે પણ બીમાર થાઉં ત્યારે કોઈ સારા ડોક્ટરને બતાવીને જ મારો ઈલાજ કરાવતા.પપ્પાએ ક્યારેય સ્વનો વિચાર તો કર્યો જ નથી.
’પપ્પા, હવે તમને લીધા વગર હું અહીથી જવાની જ નથી…સુવર્ણા તેના પિતાને કહે છે.’ વિસ્મય સુવર્ણાના પિતાને કહે છે કે; પપ્પા,અમે પણ તમને કેટલી વાર કીધું કે,તમે અમારી સાથે રહેવા આવી જાઓ.પરંતુ તમે ‘હું અહી ખુબ ખુશ છું’ એમ કહીને હંમેશા અમારી વાતને ટાળી દો છો. ‘અરે! તમે લોકો મારી ચિંતા ન કરો,મને કઈ જ નથી થયુ.બસ,તમે બધા ખુશ રહો…હું એટલું જ ઈચ્છું છું.પોતાના પિતાનો આ જવાબ સાંભળી સુવર્ણાની આંખો ભરાઈ જાય છે,અને તે વિચારે છે કે હજીયે પપ્પા મારી ખુશી જ વિચારે છે. તેમણે મને આખી ઝિંદગી પોતાની ‘હુંફ’ આપી.તેમનું આખું જીવન તે મારી માટે જ જીવ્યા,ને હજી પણ મારા માટે જ જીવે છે ….અને એટલે જ તો,અત્યારે તે પોતાની જાતને મારી ‘હૂંફ’થી વંચિત રાખી રહ્યા છે! પોતાના ત્યાગ,તેમની લાગણી,તેમની ધીરજ,તેમનું નિ:સ્વાર્થપણું; આ બધાની સામે કોઈ અપેક્ષા જ નહિ? બસ! મારા સુખમય જીવનને જ ઈચ્છી રહ્યા છે! વૃદ્ધત્વના આરે ઉભા હોવા છતાં પણ,તે પોતાની જાતને મારા સહારાથી વંચિત રાખી રહ્યા છે! “મને તો તમારા વ્હાલથી ભીંજવી દીધી….પણ તમે તો સાવ કોરી રહી ગયા!…..પપ્પા!”
-ઉદ્યમી


















































