જ્યારે ભાષા નહોતી ત્યારે પણ માનવીય વહેવારો ચાલતા હતા એ આપણે સૌ જાણીએ છીએ. આજે પણ આપણે વિદેશોમાં ફરવા જઇએ ત્યારે ભાષાની અજ્ઞાનતા છતાં જરૂર પૂરતા તમામ વ્યવહારો કુશળતાપૂર્વક કરી જ લઈએ છીએ. વળી મનની એક પોતાની ભાષા છે જેને આપણે પ્રેમની ભાષા તરીકે પણ ઓળખીએ છીએ. જેને શબ્દોની કોઈ આવશ્યકતા નથી એટલે જ આપણે કહીએ છીએ કે પ્રેમની કોઈ ભાષા નથી, પ્રેમની કોઈ સરહદ નથી. માત્ર કોઈ વ્યક્તિ આપણી સામે જોવે, હસે કે કોઈ પ્રેમાળ હાવભાવ દર્શાવે તો શબ્દોની ગેરહાજરીમાં પણ આપણે તેના ભાવને, લાગણીને, પ્રેમને સ્પર્શી લઈએ છીએ, જે આપણા સૌનો અનુભવ છે. ટૂંકમાં ભાષા માત્ર વિચારોના સરળ આદાન-પ્રદાન માટેનું એક માધ્યમ છે. તેનાથી વિશેષ તેની કોઇ મહત્તા ન જ હોઈ શકે, એ દૃષ્ટિએ કોઈ પણ ભાષાને વ્યક્તિના status કે હોશિયારી (બુદ્ધિમત્તા) સાથે જોડવું એ મારી નજરમાં અજ્ઞાન છે, નરી મૂર્ખતા છે.
મેં ભારતીય નાગરિક તરીકે અનુભવ્યું છે કે આપણે અંગ્રેજીને એક ભાષા તરીકે નહીં પરંતુ વિશિષ્ટ બુદ્ધિમત્તા કે પ્રતિષ્ઠા તરીકે જોઈએ છીએ એટલે કે અન્ય લોકોને પ્રભાવિત કરવા, પોતે બીજાથી અલગ ઉત્તમ અને અંગ્રેજીનો જાણકાર છે તે બતાવવા લોકો બિનજરૂરી અંગ્રેજીનો ઉપયોગ કરે છે. અંગ્રેજી ન આવડતું હોય તેના મનમાં સ્વાભાવિકપણે હીનતાનો ભાવ પ્રગટે છે અને અંગ્રેજી જાણકારના મનમાં અહમ પેદા થાય છે કે હું કેટલો હોશિયાર છું. વળી દરેક સામાજિક વ્યવહારોમાં પણ અંગ્રેજી બોલનારનું મહત્વ અંકાય છે અને તેનું કામ ઘણીબધી ઓફિસોમાં માત્ર અંગ્રેજી બોલવાથી સરળ બની જાય છે. જેના લીધે ઘણા લોકો અંગ્રેજી ન આવડવા છતાં ભાંગ્યું-તૂટ્યું અંગ્રેજી બોલવાનો પ્રયત્ન કરી હાંસીપાત્ર બને છે.
હવે તો ૯૦ ટકા માતા-પિતા પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ભણાવે છે. જેનું મને તો માત્ર એક જ કારણ સમજાય છે અંગ્રેજી ભાષાની સમાજમાં પ્રતિષ્ઠા. મારા બાળકો ફલાણી-ફલાણી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં ભણે છે કહી માતા-પિતા કોલર ઊંચા કરતા રહે છે અને જાણે સમાજમાં એ દ્વારા પોતાનું સ્ટેટસ વધારતા હોય એવા પ્રતિભાવ આપતા રહે છે. વળી અંગ્રેજી માધ્યમમાં ભણતા પૌત્ર-પૌત્રી કે પુત્ર-પુત્રી માત્ર અંગ્રેજી ન આવડતા ખૂબ સંસ્કારી અને હોશિયાર દાદા-દાદી કે માતા-પિતાને મૂર્ખ, અજ્ઞાન અને અણસમજુ સમજવા માંડે છે, જે આપણા સમાજની મોટી કરુણતા કહી શકાય. કેમ કે માત્ર એક વાતચીતના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાવી જોઈતી ભાષાને આપણે જરૂરથી વધારે મહત્વની બનાવી તેને સ્ટેટસ અને પ્રતિષ્ઠા સાથે જોડી દીધી છે. એનાથી પણ વિશેષ પીડાદાયક વાત તો એ છે કે ગુજરાતમાં રહેવા છતાં ગુજરાતી હોવા છતાં મોટા ભાગના ગુજરાતીઓ અન્ય નોન ગુજરાતીઓને સામાન્ય અંગ્રેજી બોલવાને કારણે ખાસ અને વિશેષ સમજવા માંડે છે અને પોતાને ઇન્ફિરિઅર સમજવા માંડે છે અને તેઓની સાથે ભાંગ્યું-તૂટ્યું હિન્દી કે અંગ્રેજી બોલી હાંસીપાત્ર બને છે. માત્ર ભાષાને લઈ મોટા ભાગના નોનગુજરાતીઓ પણ ગુજરાતીઓને મૂર્ખ કે ડોબા સમજવા માંડે છે અને તેઓને ઇગ્નોર કરવાનું શરૂ કરી દે છે. જેના કારણે અર્થવિહીન સંઘર્ષ, દ્વેષ, અણગમો સમાજમાં પેદા થાય છે. જે નેગેટિવિટીમાં વધારો કરી વ્યક્તિના આરોગ્ય, રોગપ્રતિકારક શક્તિ અને માનસિકતા પર ઊંડો પ્રહાર કરે છે. જે કોઈ રીતે ઈચ્છવાયોગ્ય નથી.
હું એમ નથી કહેતી કે અંગ્રેજી ન બોલવું, ન શીખવું કે ન ભણવું. પરંતુ માત્ર એક ભાષાને લઇ વ્યક્તિને હોશિયાર કે મૂર્ખ સમજવાનું કોઈ રીતે યોગ્ય તો ન જ કહી શકાય. મેં ઘણા ગુજરાતી પરિવારના સભ્યોને એમ કહેતા સાંભળ્યા છે કે મને અને મારા બાળકોને ગુજરાતી નથી આવડતું અને એવું તેઓ સંપૂર્ણ ગર્વ સાથે કહે છે. મને થાય કે ગુજરાતી તરીકે ગુજરાતી ન આવડવું એ ગર્વની વાત છે કે શરમની વાત છે? એના માટે કોલર ઊંચા કેવી રીતે કરી શકાય? ગુજરાતી ન આવડવાને ગુજરાતી તરીકે ગર્વની બાબત કેવી રીતે માની શકાય? આજે ગ્લોબલ વિશ્વમાં ઇન્ટરનેશનલ લેન્ગવેજ તરીકે અંગ્રેજી શીખવું વેપાર-ધંધા માટે કદાચ આવશ્યક હોઈ શકે. એ દૃષ્ટિએ અંગ્રેજીને એક બિઝનેસ લેન્ગવેજ તરીકે અવશ્ય સ્વીકારી શકાય. પરંતુ માતૃભાષાના ભોગે કદાપિ નહીં. માતૃભાષાનો તિરસ્કાર એ તો મારી દ્રષ્ટિએ અદમ્ય પાપ સમાન છે. મને તો એટલું સમજાય છે કે અન્યની માતા મારી માતા કરતા વધારે સુંદર કે બુદ્ધિમાન હોય તો પણ પ્રેમ તો મારી મા ને જ વધુ થાય ને ! એક બાળક પોતાની મા થી વધારે પ્રેમ બીજાની મા ને કેવી રીતે કરી શકે? સૌથી વધુ પ્રેમ તો પોતાની માને જ થઈ શકેને અથવા કરવો જોઈએ ને ! ભાષાનું પણ એવું જ કંઈક છે એટલા માટે તો તેને માતૃભાષા તરીકે ઓળખવામાં આવે છે, એમાં માતૃત્વ સમાયેલું છે અને જે વ્યક્તિ કે સમાજ મા કે માતૃભાષાની કદર નથી કરી શકતો તે સમાજ પ્રગતિ, સફળતા અને શાંતિની પ્રાપ્તિ નથી કરી શકતો. આજે વિશ્વમાં અનેક એવા દેશો છે કે જ્યાં ૯૦ ટકાથી વધુ લોકો અંગ્રેજી ભાષાના જાણકાર નથી જેમ કે જાપાન, ચાઇના વગેરે તેમ છતાં આજે વિકાસની હરણફાળમાં તેમને કોઈ પછાડી શકે તેમ નથી. એ જ દર્શાવે છે કે સફળતા, વિકાસ, પ્રગતિ કે પ્રતિષ્ઠા માટે ભાષાની મહત્તા નથી. તે તો માત્ર વિચારોના આદાન-પ્રદાનનું એક સામાન્ય માધ્યમ છે. વળી સમાજને, સંબંધીઓને, મિત્રોને જો કોઈ પ્રભાવિત કરી શકે તો તે સાચા સંસ્કાર, સારાઈ, નૈતિક ગુણો અને મૂલ્યો જ હોઈ શકે ભાષા ક્યારેય નહીં. એ દૃષ્ટિએ અંગ્રેજી ભાષાનું પાગલપન મને તો કોઈ રીતે યોગ્ય લાગતું નથી. વાસ્તવમાં કોઈ પણ ચીજનું પાગલપન જ અયોગ્ય છે કારણ કે તેમાં કોઈ મર્યાદા હોતી નથી એટલે જ તેને પાગલપન કહેવાય છે. એ ભાષા હોય કે અન્ય કોઈ બાબત મર્યાદા આવશ્યક છે.
મેં ક્યારેય કોઈ કુટુંબને પોતાના ખૂબ અંગત લોકો કે જેની સાથે આત્મીય સંબંધ હોય તેને અન્ય કોઈ વિદેશી ભાષામાં વાત કરતા જોયા નથી. બંગાળી વ્યક્તિ ઘરમાં બંગાળી જ બોલતો હશે, પંજાબી વ્યક્તિ ઘરમાં પંજાબી બોલવાનું જ પસંદ કરતો હશે, ગુજરાતી પોતાના સંબંધીઓ સાથે ગુજરાતીમાં જ વાત કરતો હશે અને મરાઠી ઘરના સભ્યો મરાઠીમાં જ વિચારોની આપ-લે કરતા હોય છે, એનો અર્થ એ થયો કે આપણે અન્ય પારકા લોકોને પ્રભાવિત કે ઈમ્પ્રેસ કરવા માટે જ અંગ્રેજીનો ઉપયોગ કરીએ છીએ એ વાત સાબિત થાય છે. વળી કોઇને ઇમ્પ્રેસ કરવાનો અર્થ પણ સમાજમાં પોતાનો મોભો વધારવા સિવાય બીજો કોઈ મને તો દેખાતો નથી. એ દૃષ્ટિએ પણ એ ઇચ્છવા યોગ્ય નથી કેમકે આવી પ્રક્રિયા માત્ર આપણા અહમમાં વધારો કરશે જે પતનની પહેલી સીડી છે.
મારી 25 વર્ષની અધ્યાપક તરીકેની કારકિર્દીના આધારે હું એક વાત અવશ્ય કહી શકું કે વિદ્યાર્થીઓને જેટલું ઝડપથી પોતાની માતૃભાષામાં સમજાય છે તેટલું સરળ અન્ય ભાષામાં કદી સમજાતું નથી. પચ્ચીસ વર્ષથી હું અંગ્રેજી માધ્યમમાં ભણાવું છું પરંતુ વિદ્યાર્થીઓની એક ઇચ્છા હંમેશા રહે છે કે મેડમ તમે જે કંઈ અંગ્રેજીમાં ભણાવ્યું તે થોડું હિન્દીમાં સારાંશ કહી દો અને પાંચ મિનિટમાં કીધેલા હિન્દી સારાંશ દ્વારા જેટલું સ્પષ્ટ તેવો વિષયને સમજે છે તેટલું 50 મિનિટના અંગ્રેજીના ભાષણ દ્વારા સમજી શકતા નથી. મને થાય જો વાંચકો મારા મત સાથે સહમત હોય તો કમ-સે-કમ માતૃભાષાને પ્રેમ કરતા અવશ્ય થાય અને અન્ય વિદેશી ભાષાને માત્ર બિઝનેસ લેન્ગવેજ તરીકે પ્રાધાન્ય આપી સમાજની પ્રગતિમાં સહભાગી બને તો મને લાગે છે કે મારી લખવાની મહેનત લેખે લાગી. આમ પણ હિંદુ સંસ્કૃતિમાં અન્યની માતાને પ્રેમ કરવાની કે માન આપવાની મનાઈ નથી પરંતુ પોતાની માતાનો તિરસ્કાર તો કોઈ સંસ્કૃતિમાં યોગ્ય ગણાતો નથી. એ દ્રષ્ટિએ આપણી માતૃભાષાનું માન જાળવવું અને તેને પ્રેમ કરવો મને અનિવાર્ય લાગે છે. મને શ્રદ્ધા છે કે આપ સર્વે પણ મારા મત સાથે સહમત અવશ્ય હશો અને આ અંગે ચોક્કસ સક્રિય બનશો. આ લેખ લખવાનો ઉદેશ્ય પણ માત્ર એટલો જ છે.


















































