સમ્ વત્તા બંધ એટલે સંબંધ. બે વ્યક્તિઓ વચ્ચે સમાંતર લાગણીથી બંધાયેલો સેતુ એટલે સંબંધ. વિજ્ઞાન એવું કહે છે કે જીવમાત્રને પ્રેમ અને હૂંફની જરૂર પડે છે માટે તે અન્ય જીવ સાથે સંબંધ સ્થાપે છે. આમ જોવા જઈએ તો આ શબ્દ ભારે છે અને એટલો જ ભારે ભરખમ અર્થ ધરાવે છે આ સબંધ. પરંતુ આજકાલ, આ શબ્દ અને લાગણી બન્ને અપેક્ષાઓ સામે હલકા થઇ રહ્યા હોય તેવું પ્રવર્તે છે.
જેને હૂંફ અને પ્રેમ માટે સ્થાપ્યો હોય તે વ્યવહારના પાટે ક્યારે ચડી જાય તે પણ ખ્યાલ નથી આવતો. વળી અમુક તો વ્યહવાર વાળા જ સંબંધ હોય છે. પરિણામે જે સંબંધ હૂંફ અને પ્રેમ આપવો જોઈએ તે ભાર આપતો થઈ જાય છે. મારા અનુભવ પ્રમાણે સંબંધને જ્યાં સુધી કોઈ નામ ન મળે ત્યાં સુધી જ તે મહેકતો રહે છે, જેવું કોઇ નામ મળે એટલે તરત જ સંબંધ સાથે જવાબદારીઓ, અપેક્ષાઓ અને કેટલુંય મફતમાં જ જોડાઈ જાય છે.
જૂજ સંબંધો જીવતા રહ્યા હશે હવે આ ધરતી પર કે જે આ તમામ મતલબી લાગણીઓથી પરે હોય. અને જો આવો કોઈ સંબંધ મળી આવે તો ખુદને નસીબદાર સમજવામાં વિલંબ ન કરવો.
પ્રિયલ વસોયા
From Book “Saarthi” Volume 1


















































