મોટિવેશન, મોટિવેશન, મોટિવેશન,મોટિવેશનથી ભરીને પડી છે દુનિયા. જ્યાં જુવો ત્યાં મોટિવેશન. ઉપરાંત આજકાલની જનરેશન હતાશ, નિરાશ, ડરેલી, ગભરાયેલી, હારેલી, કોઈક મૃત્યુનો સહારો લીધેલ, તો કોઈકનું જીવન જ મૃત્યુ સમાન, અને તારણ આખરે એ જ કે, કોઈક માનસિક રીતે ત્રસ્ત, તો કોઈક શારિરીક. એટલે પછી તેમને મોટિવેશનની ગોળીઓ આપવામાં આવે, કેપ્સૂલ અને ઇન્જેક્શન સ્વરૂપે. ને એનોય હમણાં તો રાફડો ફાટી નીકળ્યો છે. મોટિવેશનલ લેક્ચર, સેમિનાર, સ્ટેટસ, કવિતા, ઉદ્ધરણો, અવનવા ગીતો, બાપ રે… કેટલું બધું. હવે તો એવુ લાગે છે કે, બાળક મોટિવેશનની માર ખાઈને જ મોટુ થઈ રહ્યું છે. હા એ જ થયુ ને, કારણ કે આજકાલના નવ-યુવાનિયાઓને ઘર-પરિવારમાં માતા-પિતા કે વડીલ દ્ધારા સલાહ-સૂચન આપવામાં આવે તો કચકચ લાગે છે, રોકટોક લાગે છે, તેમના પર હુકમો થોપવામાં આવી રહ્યા હોય એવું લાગે છે, પરંતુ તે જ સલાહ-સૂચનોને હોંશેં હોંશેં મોટિવેશનલ વિડીયોમાં જોવે છે, તેના સેમિનાર ભરે છે. આ જોઈને એ સ્પષ્ટ થાય છે કે, ઝીરોની કિંમત ઝીરોમાં જ અંકાય છે, પરંતુ તેઓ તે ભુલી જાય છે કે શૂન્ય ના હોત તો શરૂઆતના હોત. મોટિવેશનની જરૂર ક્યારે પડે, જયારે મુસીબત માથે બેઠી હોય અને માણસ માનસિક રીતે હારી ગયો હોય કાં તો ડરી ગયો હોય, તેણે બધા જ શસ્ત્રો નીચે મૂકી દીધા હોય, એટલે પછી મોટિવેશનનો આશરો લઈ માનસિક સજ્જ થાય અને ફરી પરિસ્થિતિ સામે લડવા બેઠો થાય, પરંતુ આ બધુ ક્ષણિક હોય છે.
જેમ કોઈ વ્યસનીને વ્યસન કરવાથી નશો ચડે અને અમુક કલાકોમાં ઉતરી જાય, તેમ મોટિવેશનલ વિડીયો જોવાથી કે સેમિનાર ભરવાથી તે લોકોના ધારદાર શબ્દો આપણા મગજ પર ઊંડીં ચોટ પહોંચાડે, આપણને પ્રેરણા આપે છે જે તે કાર્યને પૂરા જોશ અને ઝનૂન સાથે કરવાની, એટલે આપણને તેનો નશો ચડે છે અને આપણે કરીએ પણ છીએ. પરંતું તે થોડા કલાકનો જ મહેમાન હોય છે, પછી ઉતરી જાય છે, પછી ફરી તેને ચડાવાનો. બસ આ જ ક્રમ ચાલ્યા કરે. એનો અર્થ એ નથી કે આ બધુ ખોટુ છે, પણ ક્યાં સુધી? શું હજી પણ આપણે પોતે એટલા સમજદાર નથી થયા, કે આપણી પોતાની જવાબદારીઓને સમજી પૂરી નિષ્ડાથી સતત નિભાવતા રહીએ. હાં, એવુ બને કે ક્યારેક થાકી જઈએ, કે હારી જઈએ, પરંતુ શું એવુ ના બને કે, ક્ષણિક વિરામ લઈ, ફરીથી એ જ ઝનૂન સાથે કર્મ કરતા રહીએ. ક્યારેક આપણે વાહન લઈ ક્યાંક જવા નીકળ્યા હોઈએ અને મંજીલે પહોંચીએ તે પહેલા વાહન બંધ થઇ જાય, કે પછી ચાલતા નીકળ્યા હોઇએ ને રસ્તામાં થાકી જઇએ, તો શું આપણે પાછા વળી જઇએ છીએ, નહિ ને? તો પછી જીવનમાં આવેલી મુસીબતથી કેમ ગભરાઇ જઈએ છીએ ?, અને એવુ પણ નથી હોતુ કે, આ બધુ જ આ પૂર્વે ક્યારેય નથી બન્યુ હોતુ, ક્યારેક ને ક્યારેક આવી જ કોઈક મુસીબતનો શિકાર આપણે બનેલા હોઈએ છીએ, કદાચ ત્યારની પરિસ્થિતિ થોડીક જુદી હશે, કદાચ અત્યાર કરતા વિપરીત પણ હોઈ શકે. તો પછી કેમ આપણે ભૂતકાળમાં કરેલી ભૂલોથી કંઈ શીખતા નથી. કેમ વળી વળીને એ જ રસ્તે જઇએ છીએ, કે જે રસ્તાના દુષ્પરિણામો અગાઉ આપણે ભોગવી ચૂક્યા હોઈએ છીએ. નાનુ બાળક કોઇક રમકડાની જીદ કરે, તો હંમેશ તેને તે મળતુ નથી, તે આપણે સૌ સારી રીતે જાણીએ છીએ, તો પછી કેમ કોઈક વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિના ગળે વળગીને બેસી રહીએ છીએ.
ક્યારેક કોઈક અંધ વ્યક્તિ વિશે વિચાર્યુ છે કે તેને ક્યાથી ખબર પડે રાત કોને કહેવાય? દિવસ કોને કહેવાય? ક્યારેક બે મીનીટ કોઈક બંધ ઓરડામાં આંખો બંધ કરી બેસી જુઓ. ના આકૃતિ, ના કોઈ ચિહ્ન, કેવુ દ્રશ્ય પ્રતીત થાય છે ? અને પછી ધીમેથી ઓરડાને પ્રકાશિત કરજો કે પછી આંખો પર ધીમો પ્રકાશ ફેંકજો, થઈ ખરી કોઈ અનુભૂતિ? કોઈક ઝીણી હલચલ જણાઈ આંખોમાં ? તો બસ આ જ છે અંધ લોકોની દુનિયા. આમ નાના નાના સંકેતોને સમજી પરિસ્થિતિ સાથે સમન્વય સાધી, બાહ્ય દુનિયા સાથે તાલમેલ બેસાડી આપણી આશા કરતા પણ વધુ સરળતાથી જીવી લે છે આવા લોકો. જો તેઓ અંધ હોવા છતા સંકેતોને સમજી સહર્ષ સ્વીકારી શકતા હોય, તો આપણે શા માટે નહિ ? અને આમ જોવા જઈએ તો, આપણુ મન પણ અંધ જ છે ને. તેને ક્યાં આંખો છે છતાય તે બધા અંગો પર હાવી થઈ જાય છે. તે જે વિચારે છે તે જ પ્રમાણે અંગો અનુસરે છે. ચાલો તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ, આપણે રસ્તે જતા હોઈએને સામેથી કોઈક વાહન આવતુ જણાય, તે સંજોગોમાં પહેલા તો આપણુ મન શું કરવુ તે વિશે વિચારશે અને પછી ચેતાતંતુઓને આદેશ આપશે, ચેતાતંતુ અંગોને આદેશ આપશે અને અંગો જે તે કાર્યને અનુસરશે. આ બધી પ્રક્રિયા આપણી જાણ બહાર હોય છે, અને તે પણ ખબર નથી હોતી કે આપણા મને આ વિચાર્યુ ક્યારે છતા પણ આ બધુ નિયમિત ચાલ્યા કરે છે. મોટિવેશન આપણી અંદર જ છે. આપણે જરૂર છે તો બસ તેને જાણવાની. જો અકસ્માત જેવા સંજોગોમાં મન સકારાત્મક નિર્ણય લઈ શકતુ હોય, તો અણધારેલી આવી પડેલી આપત્તિમાં કેમ નહિ ? શું કારણ છે કે, આપણે નાસીપાસ થઈ જઈએ છીએ ? ખૂબ જ પ્રેક્ટિકલ વાત છે મિત્રો, વિચારજો ક્યારેક, અકસ્માતે અકસ્માત સર્જાતા જીવનુ જોખમ જણાતા મન બચાવના વિક્લ્પો શોધવા લાગે છે. તેનાથી વિપરીત જીવનમાં આવી પડેલી મુસીબતના સંજોગોમાં મન વિલયના વિક્લ્પો શોધવા લાગે છે, આવુ કેમ?
મુસીબત કોઈ માણસ નથી કે જેના મનમાં શું ચાલી રહ્યુ છે તે આપણે જાણી ના શકીએ. મુસીબત તો એક પારદર્શક કાચ છે કે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ. મુસીબતને ખેડ્યા પછીનું ભવિષ્ય કેવુ હશે અને ના ખેડયા પછીની પરિસ્થિતિ શું હશે તેની જાણ આપણને બરોબર હોય છે અને છતાય આપણે ડરી જઈએ છીએ. શું હજી પણ આપણે એટલા સક્ષમ નથી થયા કે કોઈ પણ આંધી તોફાન સામે સજ્જડતાથી ઊભા રહી શકીએ. મુસીબતથી ડરીને મોં છુપાવતી કોઈ માતાને જોઈ છે ? કે પછી ટાણે કટાણે આવી પડેલી વિપદાનો ભોગ બનેલ, રોતા કકળતા ક્યારેય કોઈ પિતાને જોયા છે ? ખૂબ જ શર્મિંદા કરે તેવી ઘટના, કે પોતાના જ પુત્ર દ્વારા કાઢી મૂકવામાં આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને આત્મહત્યા કરતા ક્યારેય જોયા છે ? અને આપણે કાલ બપોરના પેદા થયેલા નવજુવાનિયા, મુસીબતનો “મ” પણ નથી વાળ્યો અને પૂરેપૂરા વળી જઈએ છીએ.
જીવન કોઈ દ્વંદ્વ યુધ્ધ છે કે જેમાં લડતા લડતા શારીરીક ઈજા થશે? નથી ને, તો માનસિક પીડા થોડી તો રહેવાની ને અને મુસીબતની માર જેટલી મોટી હશે, ઈજા પણ તેટલી જ મોટી હોવાની. શારીરિક ઈજાને આપણે મલમ, પટ્ટી કે દવા દ્વારા મટાડીએ છીએ એમ જ માનસિક ઈજાનો પણ આત્મ વિશ્વાસ, અથાક પરિશ્રમ અને આગવી સૂઝબૂઝ દ્વારા ઈલાજ કરી શકીએ છીએ. જેમ શારીરિક ઈજાને મટતા વાર લાગે છે તેમ માનસિક ઈજા માટે પણ થોડી ધીરજની જરૂર છે અને તેમ ન કરતા આપણે પોતે જ આપણા વિકાસને રકાસ તરફ દોરી જઈએ છીએ. તો મુસીબતની પળોમાં જરૂરી છે થોડી ધીરજ રાખવી અને આત્મ વિશ્વાસનું તણખલું ક્યારેય બૂઝવા ન દેવુ. અલબત્ત, આત્મ-વિશ્વાસની નાવે સવાર થઈ પરિશ્રમના હલેસાથી જીવનરૂપી દરિયાને પાર કરવાનો છે. આ દરિયાની એક પાળે આપણો જન્મ હતો જેને છોડી આપણે ઘણા આગળ આવી ચૂક્યા છીએ અને હવે જ્યાં સુધી બીજી પાળ એટલે કે મૃત્યુ સુધી નથી પહોંચતા ત્યાં સુધી માર્ગમાં નાની મોટી ઘણી ભરતીઓ આવશે, જેનો ડરીને નહિ પણ સામી છાતીએ સામનો કરવાનો છે. કંસને મારવા કૃષ્ણને કે હળાહળને પીવા મહાદેવએ મોટિવેશનની મદદ ન હતી લીધી. એ તકલીફ સામે આવી, આગળ વધ્યા, સામનો કર્યો અને આજે તેઓ પૂજાય છે. તમે પણ પૂજાશો અને તમારો આત્મા પણ પૂજાશે..બસ જરૂર છે તો એ હળાહળની દિશામાં પગ ઉપાડવાની…..
રાજશ્રી સાગર “ચિન્મયી”
Read more on “Sarthi“


















































