એક શિક્ષક જીવનનો આધાર છે. શિક્ષક જેવું વિશ્વ કલ્પે તેવું આબેહૂબ વિશ્વ છે તેમ ખૂબ વિશ્વાસથી તેનો વિદ્યાર્થી માને છે અને સ્વીકારે છે. શિક્ષક જે વાતને યોગ્ય કહે તે યોગ્ય અને કે શિક્ષકને ન છાજે તેને વિદ્યાર્થી પણ પસંદ કરતો નથી.
ટૂંક સમયમાં શિક્ષક દિન આવી રહ્યો છે. શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જ્યંતિ નિમિતે ઉજવાતો આ દિવસ શિક્ષકોનો છે, વિદ્યાના મહિમાનો છે, વિદ્યાના મહત્વનો છે આજ રોજ હરકોઈ પોતાના ગુરુ, શિક્ષક, આચાર્ય, અધ્યાપક,પ્રાધ્યાપક માટે આદરભાવ વ્યક્ત કરે અને એમના પ્રત્યેનું ઋણ અદા કરે છે.
શાળા અને કોલેજોમાં વિદ્યાર્થી શિક્ષક બનીને શિક્ષકના મહિમાને પ્રસ્તુત કરે છે અને આનંદમય રીતે ઉજવણી કરે છે.
આ બધી સારી સારી વાતો થઈ. હવે થોડી ગંભીર અને જે કહેવાની ઈચ્છા છે તે મુદ્દાની વાત પર આવીએ. જે શિક્ષકો પોતાના કાર્યને યોગ્ય રીતે નિભાવે છે તેની અહીં કોઈ ચર્ચા કે અવહેલના જ નથી પણ ઘણા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓમાં જ્ઞાતિવાદ, કોમવાદ, ઉચ્ચ નીચ, મતભેદ અને આવા કેટકેલાય પૂર્વગ્રહને શિક્ષકો જ બાળકના મનમાં સ્થાપિત કરતાં હોઈ છે.
મને બહુ જ અરેરાટી ઉત્પન્ન કરનાર આ કિસ્સો :
બાલમંદિર માં ભણતાં કોન્વેન્ટ શાળાના બાળકોની. આ વાત બાળકોની ઉંમર અંદાજિત ત્રણથી લઈને પાંચ વર્ષ સુધીની હતી. આ શાળામાંથી એકદિવસીય પ્રવાસનું આયોજન ગોઠવાયું.. લગભગ બધા જ બાળકોનો આ પ્રથમ પ્રવાસ હતો..તેવો ખૂબ ખુશ થતાં થતાં નિયત સમયે શાળાએ નાસ્તો, વોટર બેગ અને ઘણા બધા અરમાનોથી ભરેલી આંખો સાથે હાજર થઈ ગયા.
શિક્ષકોની મદદથી તેઓ પોતાની પ્રવાસ માટે જવાની બસની સીટો માં ગોઠવાઈ ગયા..
બસમાં શિક્ષકો, પટાવાળા, આચાર્ય અને ડ્રાઈવર પણ ગોઠવાયા. ડ્રાઈવર બસ શરૂ કરી ત્યાં જ આચાર્યશ્રીએ ઇશારાથી અટકાયત કરી અને બસના આગળના ભાગમાં ઊભા રહીને વિદ્યાર્થીઓને કહ્યું કે “આપણે આજે પ્રવાસમાં જઈ રહ્યા છીએ. આ પ્રવાસ સફળ અને સુખમય રહે એના માટે આપણે આપણા પ્રભુને પ્રાર્થના કરીશું તો ચાલો આપણે સૌ આપણા ભગવાનને પ્રાર્થના કરીએ..” દરેક બાળક ખૂબ માસૂમિયતથી પ્રાર્થના કરી અને બે મિનિટ પછી આંખો ખોલી ફરી કંઇક ઈશારો કરીને આચાર્ય શ્રી ડ્રાયવરને કહે છે… બસ ઊપડે છે અને પાંચ મિનિટ પછી બંધ થઈ જાય છે..ફરી આચાર્યશ્રી વિદ્યાર્થી સમક્ષ આવે છે અને કહે છે કે “તમે બધાએ તમારા ભગવાનને પ્રાર્થના કરી પણ તમારા ભગવાને તમારી પાર્થના તો સાંભળી જ નહીં, આ જુઓ આપણી બસ બંધ થઈ ગઈ..” બધા બાળકો ખૂબ ચિંતિત થઈ ગયા..પોતાના પ્રથમ પ્રવાસનો ઉમંગ ઉત્સાહ નહીં માણી શકે કે શું એવું વિચારવા લાગ્યા.. ફરી આચાર્યશ્રી કહે છે કે ” જુઓ બાળકો આ વાતનો ઉકેલ છે મારી પાસે. તમે બધા તમારા ભગવાનના બદલે ઈશુ ખ્રિસ્તને પ્રાથના કરી જુઓ કદાચ એ તમારી પ્રાથના સાંભળી લે..” આવું સાંભળીને દરેક બાળક ફરી બે મિનિટ માટે આંખો બંધ કરી ઈશુ ખ્રિસ્તને પ્રાથના કરે છે..
અને આચાર્યશ્રી ઈશારો કરી ડ્રાયવરને બસ શરૂ કરવાનું કહે છે..અને બસ ચાલવા લાગે છે..ત્યારે ફરી બાળકોને કહે છે કે, ” જુઓ તમારા ભગવાને નહીં પણ ઈશુ ખ્રિસ્ત તમારી વાત માની લીધી..”
બધા બાળકો ખુશ હતા. એકદિવસીય પ્રવાસ ખૂબ સુંદર રીતે પૂર્ણ થયો
આ પ્રવાસ જરૂર એક દિવસનો હતો પણ આ આખા કિસ્સાથી (યોજનાથી) બાળકના મનમાં પલ્પી ગયેલો પૂર્વગ્રહ એકદિવસનો ન હતો, એ તો બહુ લાંબો ચાલવાનો હતો…એક બાળમાનસમાં આ પ્રકારે ધર્મ ભેદ શીખવવો એ કેટલે અંશે યોગ્ય છે ? એક ધર્મના દેવતા યોગ્ય અને બીજાના અયોગ્ય આવું શીખવીને કોઈ શિક્ષક કે આચાર્ય ક્યાં મૂલ્યોનું વાવેતર કરવા જઈ રહ્યા છે ??
અહીં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, જૈન કોઈ પણ ધર્મના બાળકને શા માટે તેને ધર્મની ટેગલાઈન શીખવામાં આવે છે પણ એને ધર્મનો મર્મ કેમ સમજાવતા નથી ?
આ પ્રકારના બીજા પણ કિસ્સાઓ હશે જેના કારણે બાળકના મનમાં ધર્મ પ્રત્યેના ભેદો અને પછી ધીરે ધીરે સમાજમાં મતભેદો અને મનભેદો થાય છે..!
તમે જો શિક્ષક હો તો આવી કોઈ પણ પ્રકારની ભૂલ જાણે અજાણે તમારાથી ન થઈ જાય તેની સાવચેતી રાખજો.
શિક્ષક દિનની શુભકામનાઓ
– હિરલ એમ જગડ
Related