સુમન અને મનન બંને એક જ હોસ્પિટલમાં કામ કરવાના હતાં. એ વાતથી મનન થોડો ખુશ થાય છે.એક જ હોસ્પિટલમાં હોવાથી તેને પોતાના દિલની વાત સુમનને કહેવામાં સરળ રસ્તો મળી ગયો હતો. બસ, ડર એક જ વાતનો હતો કે સુમન મનનની વાતને સમજશે કે નહીં છતા, મનનએ હવે પોતાના દિલની વાત કહેવાનું નક્કી કરી લીધું હતું.
મનન હોસ્પિટલની મુલાકાત કરી.બધા સ્ટાફ ને મળી પોતાની ઘરે જવા નીકળે છે.એટલા માં જ સુમન તેને બોલાવે છે. “મનન, એક મિનિટ તારું કામ છે. તારે મોડું ના થતું હોય તો તુ મારી કેબિનમાં આવી શકે?”સુમન સાવ નિરાંતે મનનને પૂછે છે.
મનન તો બસ ગાંડાની જેમ સુમનને જ જોયાં કરતો હતો.સુમનએ શું કહ્યું તેનું તેને ભાન સુધ્ધાં નહોતું. મનન કાંઈ જવાબ નથી આપતો તો સુમન ફરી મનનને કહે છે,”હું તને કહું છું. તારુ ધ્યાન ક્યાં છે?”
સુમન મનન ની એકદમ નજીક જઈને કહે છે. પણ, મનન તો સુમન ને જોવામાં જ વ્યસ્ત હતો. તે અપલક નજરે બસ સુમનને જ જોયે જતો હતો. મનનને આમ બાઘાની જેમ જોતા જોઈ સુમન મનન સામે ચપટી વગાડીને કહે છે,”ક્યાં ખોવાઈ ગયો તું? હુ કયારની તને કહું છું. તારે મોડું ના થતું હોય તો મારે તારું કામ છે.”
સુમનનો અવાજ એકદમ મોટો થતાં.મનન ભાનમાં આવે છે,ને જાણે શબ્દો ગોઠવતો હોય એમ કહે છે, “હા મારે કાંઈ ઉતાવળ નથી. શુ કામ છે તારે ? બોલ.”
“એક દર્દી છે તેનું ઓપરેશન કરવાનું છે. તો મારે તેની તારી સાથે થોડી ચર્ચા કરવી હતી. તુ મારી કેબિનમાં આવ. હું તને તેની ફાઈલ બતાવું” સુમન મનન ને કહે છે ને ચાલવા લાગે છે. મનન કાંઈ બોલ્યા વગર જ સુમનની પાછળ પાછળ ચાલવા લાગે છે. બંને સુમનની કેબિનમાં જઈને દર્દીની ફાઈલ જોઈને થોડી ચર્ચા કરી છૂટાં પડે છે.
મનન અમદાવાદથી સીધો હોસ્પિટલ આવ્યો હોવાથી સીધો પોતાની ઘરે જાય છે. કાનજીભાઈ અને કોકિલાબેન તેની જ રાહ જોઈને બેઠા હતાં. જેવો મનન ઘરમાં પ્રવેશે છે એવા જ કોકિલાબેન બોલે છે, “ક્યાં હતો અત્યાર સુધી ? અમે ક્યારના તારી રાહ જોઈએ છીએ. આવતાની સાથે જ કામે લાગી ગયો. એકવાર તારા મા-બાપ ને તો મળી લેવાય ને! મેં તારા માટે તારું મનપસંદ જમવાનું બનાવ્યું છે. જા,જલ્દી હાથ ધોઈને જમવા આવ.”
મનન તેના મમ્મીના હાથની રસોઈની સુગંધથી જ જમવા માટે અધીરો થઈ ગયો હતો. આમ, પણ શહેરોમાં તે બહારનું જમીને કંટાળ્યો હતો. તે ફટાફટ હાથ ધોઈને જમવા બેસે છે. કોકિલાબેન એ જમવામાં, રીંગણનો ઓળો, બાજરાના રોટલા અને કઢી-ખીચડી બનાવ્યા હતા. જે જોઈ મનન બહુ ખુશ થઈને કહે છે, “મમ્મી, જલ્દી પીરસો ને બહુ ભૂખ લાગી છે.”
મનન ની અધીરાઈ જોઈને કોકિલાબેન કહે છે,”આ સારું હો, અત્યાર સુધી ભૂખ નહોતી લાગી.જમવાનુ જોતાં જ ભૂખ લાગી ગઈ તને!”
મનન તેેેના મમ્મી ને મસ્કા મારીને કહે છે,”અરે મમ્મી ,તમે જમવાનું જ એવું બનાવ્યું છે કે ભૂખ ના હોય તો પણ જમવાનુ મન થઈ જાય.”
કોકિલાબેન મનનની ચાલાકી સમજી જાય છે ને કહે છે,”હવે બહુ મસ્કા ન માર,મારા ગુસ્સાથી બચવા માટે.હુ તને બરાબર જાણું છું.”
મનનની ચોરી પકડાઈ ગઈ હોય એમ મનન વાતને બદલતાં કહે છે,”હવે કોઈ જમવા આપશે? કે પછી,મારે ગુસ્સા થી જ પેટ ભરવાનું છે?”
મનન વધુ કાઈ બોલે એ પહેલાં કોકિલાબેન, કાનજીભાઈ અને મનન ની થાળી માં જમવાનું પીરસે છે.જમવાનુ પીરસીને કોકિલાબેન ઉભા થવા જાય છે. ત્યાં જ મનન તેમને રોકતાં કહે છે,”મમ્મી, આજે બધાંને સાથે જ જમવાનું છે. તમે પણ બેસી જાઓ.ચાલો, હું તમને જમવાનું પીરસી આપું.”
મનનનો તેના મમ્મી પ્રત્યેનો પ્રેમ જોઈ કોકિલાબેનની આંખો ભરાઈ આવે છે.જેની જાણ મનન ને થતાં જ તે બોલી ઉઠે છે,”બસ, મમ્મી હવે રડવા ના લાગતાં હો. કેટલા સમય પછી હું તમારી ખુશી જોવા માટે આવ્યો છું.તમને રડતાં જોવા નહીં.”
મનન ની વાત સાંભળી કોકિલાબેન આંખો લુછી જમવા બેસે છે.બધા વાતો કરતાં કરતાં જમે છે.મનન તો મમ્મી ના હાથની રસોઈ જમી બહુ ખુશ હતો.તે બસ રસોઈના જ વખાણ કર્યે જતો હતો.”આહા,શું સ્વાદ છે મમ્મી.કેટલા સમય પછી તારા હાથની રસોઈ જમવા મળી.”
મનન ને ખુશ જોઈ કોકિલાબેન કહે છે,”હવે તો રોજ હું તને અવનવી વાનગીઓ બનાવી જમાડીશ.જો ને કેટલો પાતળો પડી ગયો છે.”દુનિયા માં દરેક મમ્મી નો આ ડાયલોગ નક્કી જ હોય છે,એટલે મનન કોકિલાબેન ની વાત સાંભળી હસવા લાગે છે.
બધાં જમીને બહાર બેસી વાતો કરતાં હતાં.ત્યા જ સુમન ના પપ્પા કાનજીભાઈ પાસે આવે છે.કાનજીભાઈ અને ધનજીભાઈ વચ્ચે સારાં સંબંધ હતાં.મનન ના બહાર ગયા પછી કોઈપણ તકલીફ હોય તો ધનજીભાઈ બનતી બધી મદદ કરતાં.ધનજીભાઈ આવતાવેંત જ મનન ને પૂછે છે,”કેમ છે બેટા?હવે અહીં જ રહેવાનું છે કે ફરી અમદાવાદ ચાલ્યું જવાનું છે?”
મનન ધનજીભાઈને જવાબ આપતાં કહે છે,”ના કાકા અહીં જ રહીને આપણાં ગામનાં જ દવાખાનામાં કામ કરવાનું છે.એટલે જ,અહીં આવ્યો છું.”
ધનજીભાઈ મનન ની વાત સાંભળી ખુશ થાય છે ને કહે છે,”સારું બેટા.જો બધા તારી અને સુમન ની જેમ પોતાનાં ગામનું વિચારે તો ગામ લોકોને શહેરમાં ઈલાજ માટે કે કોઈ બીજી જરૂરિયાત માટે જવું ના પડે.”
સુમનનું નામ સાંભળીને મનનના દિલની ધડકન થોડીવાર માટે થંભી જાય છે.તે વિચારવા લાગે છે કે, ધનજીકાકા અને પપ્પા વચ્ચે બહુ સારા સંબંધો છે. જો મનન કાંઈ પણ ખોટું પગલું ભરશે તો આ સંબંધ તૂટવાની શક્યતા તો છે જ.સાથે સાથે તે કદાચ સુમન ને પણ ક્યારેય ના મળી શકે એવું પણ બને.ધનજીભાઈ મનન ને ચૂપ જોઈ તેને કહે છે,”શું થયું બેટા?કેમ ચૂપ થઈ ગયો?”
ધનજીભાઈના સ્વર કાને પડતાં મનન પોતાના વિચારોમાંથી બહાર આવે છે ને કહે છે,”કાંઈ નહીં કાકા.દવાખાના નું થોડું કામ યાદ આવી ગયું.તો એ વિશે જ વિચારતો હતો.તમે વાતો કરો હું કામ કરી લઉં.”
મનન ને કામ પ્રત્યે વફાદાર જોઈ ધનજીભાઈ કહે છે,”કાનજી તું ખરેખર નસીબદાર છે,તને આવો છોકરો મળ્યો છે.નહીતર આજકાલ કોઈ સગા મા-બાપનું પણ નથી વિચારતું, ને તારો છોકરો પોતાના ગામની સુવિધા માટે આટલું વિચારે છે.”
ધનજીભાઈના મોઢે મનન ના વખાણ સાંભળી કાનજીભાઈ બહુ ખુશ થાય છે.મનોમન તે ભગવાનનો આભાર માને છે,ને પોતાના દિકરા પ્રત્યે ગર્વ અનુભવે છે.બંને થોડીવાર વાતો કરે છે,ને ત્યાં કોકિલાબેન ચા લઈને આવે છે.ચા પીઈને ધનજીભાઈ ઘરે જવા નીકળે છે ને કહે છે,”હવે હું જાવ કાનજી.કોઈપણ તકલીફ હોય તો વિના સંકોચે કહી દેજે.હવે છોકરો આવી ગયો છે તો મને ભૂલી ના જતો.”
ધનજીભાઈ ની વાત સાંભળી કાનજીભાઈ કહે છે,અરે, ધનજીભાઈ એવું કાંઈ હોતું હશે.તમે અમારો અત્યાર સુધી બધાં સુખ દુઃખ માં સાથ આપ્યો છે,તો તમને થોડા ભૂલી જઈએ.”
કાનજીભા ની વાત પૂરી થતાં.ધનજીભાઈ પોતાની ઘરે જવા નીકળે છે. કાનજીભાઈ અને કોકિલાબેન પણ ઘરમાં જઈને સૂઈ જાય છે.
(ક્રમશઃ)
– સુજલ પટેલ


















































