કોફી.. મેં એને અમેરિકાનું રાષ્ટ્રિય પીણું જાહેર કર્યું છે. અમેરિકાની હવામાં કોફીની સોડમ છે. એરપોર્ટ પર ઉતરીને ઊંડા ઊંડા શ્વાસ ભરું ને મને ભીતર સુધી અનુભવ થાય કે yes , I am in USA !
અહીં બધું XXL .. કોફી પણ ! મને યાદ છે પ્રથમ મુલાકાત સમયે એના મોટા પ્યાલાને ( લોટાને..) જોઇને મન મોહ્યાં, આરંભે હરખાયા ને પછી પૂરી કરતાં ફસાયા ! કાળી કોફીને ધોળી કરવામાં કેટલી ડબલી ભરી ભરીને દૂધ નાખેલું ને એની જન્મજાત કટુતા સહ્ય બનાવવા ખાંડની કોથળીઓ !
લોટો ભરીને કોફી પીનારા અહીં ઘણા. આમ પણ હાથમાં જાતભાતનાં ડબલાં લઇને દોડનારા ઠેરઠેર .. આ પ્રજા સમયને પકડવા નહીં પાછળ રાખવા દોડે છે. પણ પાછળ રાખવાની સફળ નિષ્ફળ મથામણના પાંચ દિવસ પછીના બે દિવસ એમનાં ! જલસા કરીને પાછા દોડવા તૈયાર .હવે આપણી નવી પેઢી આ જીવનશૈલી પ્રમાણે જીવે છે. માબાપની ઓવરટાઇમ દોડધામને પરિણામે મળેલા અમેરિકન આનંદની તક હવે માણે છે.
કોફીની હવે તો ઓળખ પરખ થઇ છે એટલે કોફીમાં પણ કટીં ગનો અમલ ચાલુ કર્યો છે.
ગોરા હોવાનો મિથ્યા ગૌરવબોધ અનુભવનારાનેય આ શ્યામાએ કેવાં ઘેલાં કીધાં છે ! આ જાદૂ છે શ્યામમાં ! શ્યામ સમીપે ન જવાનું કહેનારીય શ્યામઘેલી જ હતી ને !
– તુષાર શુક્લ
Related