આજે ભાદરવા સુદ પૂનમ. દર વર્ષે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ એવા અંબાજી ખાતે અંબાજીમાતાનો મેળો ભરાય છે. વર્ષોથી માઈભક્તો દ્વારા કરવામાં આવતી પદયાત્રા આ વખતે કોરોના મહામારીને પગલે રદ કરવામાં આવી છે. જો કે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીના ભક્તો લાઈવ દર્શન કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવેલ છે. દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઈટ તથા તેના ફેસબુક અને ટ્વિટરના ઓફિશિયલ પેજ પર મંદિરમાં યોજાનાર પૂજા, માતાજીની આરતી, ગબ્બર મંદિર તથા એકાવન શક્તિપીઠના દર્શનનું જીવંત પ્રસારણ કરવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માતાજીના મુખ્ય મંદિરના શિખરને સુવર્ણમય બનાવવાનું કાર્ય સંપૂર્ણ થયું છે. જેની સાથે જ અંબાજી મંદિર ગુજરાતનું પ્રથમ અને ભારતનું બીજું સુવર્ણ મંદિર બની ચૂક્યું છે. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા મેળાના દિવસો દરમિયાન વૈશ્વિક કલ્યાણ અર્થે શ્રી સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.


















































