જીંદગી તું મોજથી જીવી લે, કેટલું સુંદર વાક્ય છે ને! હમેશાં આ વાક્ય કે આને લગતું વાક્ય આપણે બીજાને સલાહ આપવા વાપરતા જ હોઇએ છીએ જેમ કે, “તું મોજ કર, બધુ થય જશે.” “ભાઈ જીંદગી છે આવું તો હાલ્યા કરે, તું મોજમાં રે.” વગેરે વગેરે. આપણે નાના હતા તો લાગતું કે મોટા કોઈ આપણી વાતને સમજતા નથી, પરીક્ષાની ચિંતા, પરીક્ષા પછી પરિણામની ચિંતા, પરિણામ પછી માતા – પિતાના પ્રતિભાવની ચિંતા, એમ જ લાગતું કે આ ગોવર્ધન પર્વત સમી મુસીબતો આપણાં જ બાળપણમાં છે. મોટા થતાં ખબર પડે જ્યારે જવાબદારી માથે આવે ત્યારે લાગે બાળપણની એ જીંદગી જ સાચી મોજ હતી. જીવનની આજ તો મજા છે, દરેક પડાવમાં સમસ્યાઓ લાગે, એજ સમસ્યાઓ પડાવ પાર કરતાં લાગે કે જીવનની સાચી મોજ એજ કરી હતી.
સાચી મોજ શું છે? શું કોઈ પાસે છે એની વ્યાખ્યા? શું છે કોઈ પાસે એનું પાક્કું ઉદાહરણ? અરે સાહેબ જો એવું વિચારવા જ બેસીએ તો એ મોજ જ પેન્ડિંગ રહી જાય ને. જેટલી આપણી આવક છે, જેટલી આપણી ક્ષમતા છે એ કરતાં વધુ આપણી માંગ છે, આપણી ઈચ્છાઓ છે એટલે જ જે કાઇ મળે છે એમાં આપણને ક્ષણિક સંતોષ થાય છે. ક્યારેય નિરખીને નાનું બાળક જોયું છે? એને મોંઘા મોંઘા રમકડાં આપશો, મોંઘા મોંઘા કપડાં પહેરાવશો છતાં પણ તેને સાચો સંતોષ એક જૂના તૂટેલા રમકડાંમાં જ આવશે અને મોંઘા કપડાં કરતાં ઘરમાં પહેરતા સામાન્ય કપડાંમાં આવશે. એના માટે સાચી મોજ એ છે, મોટા થતાં આ વાત આપણે ભૂલી જઈએ છીએ અને મનની સંતુષ્ટિની જગ્યાએ, મટીરીયલીસ્ટિક વસ્તુઓમાં મોજની ખોજ કરીએ છીએ.
એક સુપ્રસિદ્ધ અછાંદસ “દિવાનખાનામાં” લેખિકા ખૂબ જ સરસ રીતે જીવનની મોજ જે ગુમ થઈ ગઈ છે તેને વર્ણવે છે, સોફાના કવર નવા આવી ગયા, બારીના પરદા નવા આવી ગયા, જાજમ નવી આવી ગઈ, દીવાનખાનામાં સુશોભનની દરેક વસ્તુઓ છે પરંતુ લેખિકાને તેનું સ્થાન એમાં કાઇ મળતું નથી. હકીકત પણ આવી જ કાઈક છે ને, પૈસાની ઘેલછા પાછળ જીવન જીવવાની સાચી મોજ આજે આપણે ખોજી રહ્યા છીએ અંતે એ ના મળતા મેડિટેશન અને લાઇફ કોચ પાસે જઈને આપણે આપણી જ મોજ માટે રોદડા રોવા બેસીએ, પેલી ટીવીની જાહેરાતની જેમ, “પહેલા હું ખૂબ ઉદાસ હતો..”
આપણે ખૂબ એવું પણ સાંભળીએ છીએ કે બંગલા વાળા રાત્રે સુખેથી નથી સૂઈ શકતા અને બહાર જોવો પેલા ઝુંપડપટ્ટી વાળા કેવા મોજથી સુવે છે. શું આવું હકીકતમાં છે ખરા? અમુક અંશે આ વાતને માન્ય ગણીએ તો પણ સાચું તો એજ છે કે, ગરીબ કે અમીર મોજથી કહો કે સુખેથી જીવન એટલે નથી જીવી શકતા કારણ કે દેખાદેખી કરવામાં આવે છે. મારી આવક એટલી છે, ઓલા પાસે આ કાર છે, પેલા પાસે આવો બંગલો છે, ફલાણો ફોરેન જઈ આવ્યો વગેરે વગેરે. ગરીબ પણ કરે છે દેખાદેખી બસ એની માત્રા ફરી જાય છે.
જીવનની મોજ નાની નાની વાતોમાં છુપાયેલી છે, વડીલો પાસે જઈને બેસવું, વાતો કરવી નવું નવું શીખવું, અનુભવ લેવા, પુસ્તકો વાંચવા, માતા – પિતા સાથે બેસીને વાતો કરવી, મોબાઈલની ગેમ્સ મૂકીને આપણી જૂની રમતો, આંધળો પાટો, નારગેલિયો, અડવાંદા, ઇંગણ ઠીંગણ કેટ કેટલું છે આવું તો. મોજનો સાચો ખજાનો આપણી અંદર છુપાયેલો છે, પરંતુ દેખાદેખી અને ચિંતાઓમાં એ દરિયો આપણે જાતે જ સૂકવી દીધો.
કોઈએ ખૂબ સરસ વાક્ય લખ્યું છે, “ભૂલી દુનિયા બે ઘડી મોજ કર, અંતરમાં જઈ ખુદની ખોજ કર.”


















































