(જન્મ : ૧૧ ડિસેમ્બર-૧૯૩૧, ૧૯-મૃત્યુ : જાન્યુઆરી-૧૯૯0)
એવું બને કે કોઈ સ્વર્ગનું સુખ છોડી નર્કનું દુઃખ સહન કરવા આવે? અને તે પણ બીજાઓ માટે! પરંતુ હા, એવું બને છે. ઘણાં સંતો તેમનો છેલ્લો જન્મ પૂર્ણ થયા પછી મોક્ષ પ્રાપ્ત કરવાને બદલે પૃથ્વીના મનુષ્યો જે દુઃખથી સબડે છે તેને મુક્ત કરવા ફરી જન્મ ધારણ કરે છે, તે જાણવા છતાં કે અજ્ઞાન માણસો દ્વારા તેમને સખત દુઃખો આપવાના છે, પરંતુ છતાં પણ તેઓની મુક્તિ માટે જન્મ લે છે. સંતો કહે છે કે, તેઓને જન્મ ન લેવો હોય તો ન લઈ શકે અને સીધા મોક્ષ પ્રાપ્ત કરે, પરંતુ એવા ઘણાં આત્માઓની ઝંખના હોય છે કે અમને કોઈક પુણ્ય આત્માઓ આવી મુક્ત કરે. તેની સતત પ્રાર્થના થકી, તેઓની સતત યાચનાઓથી ફરી ફરીને મહાન ચેતનાઓ આ પૃથ્વી ઉપર જન્મ લે છે. એમાંના એક મહાન ચેતના અત્યારના યુગમાં જન્મ લઈ અનેક… અનેકને મુક્ત કરી ચાલ્યા ગયા. જેનું નામ છે આચાર્ય રજનીશ… ભગવાન રજનીશ… ઓશો…! જેનો તા. ૧૧ ડિસેમ્બર-૧૯૩૧ ના મધ્યપ્રદેશના કુચવાડા નામના ગામમાં જન્મ થયો હતો કે જ્યાં કદી બસ નહોતી આવી તેમજ ગામના માણસોએ કદી ટ્રેઈન નહોતી જોઈ. જ્યાં ફક્ત કુદરતી વાતાવરણ જ હતું.
ઓશોએ તેમના એક પ્રવચનમાં કહેલ છે કે, માણસને મૃત્યુ વખતે કુદરત બેહોશ બનાવી દે છે. જ્યારે હોશમાં શરીર છોડે તેને ક્યાં જન્મ લેવો તેની આ અસ્તિત્વ સ્વતંત્રતા આપે છે. આથી મેં હોંશમાં શરીર છોડ્યું હતું. આથી મારે ક્યાં જન્મ લેવો તેની મને સ્વતંત્રતા હતી. મેં ધાર્યું હોત તો હું રાજાને ઘરે જન્મ લઈ શકત, પરંતુ મેં સામાન્ય મા-બાપ પસંદ કર્યા. આ માટે મારે સાતસો વરસ સુધી રાહ જોવી પડી. ત્યારે મારે જોઈતા માતા-પિતા મને મળ્યા. તેમજ તદ્ન કુદરતી વાતાવરણ મેં પસંદ કરેલ કે જ્યાં કોઈપણ જાતની અત્યારની આધુનિક સગવડો નહોતી.
આપણે દર વખતે ઓશોના જન્મ દિવસે તેમના જીવન વિષે તો જાણ્યું, પરંતુ આ વખતે આપણે તેમના બચપણના થોડા સંસ્મરણો વિષે જાણીએ.
બાળકૃષ્ણના દર્શન કરવા જેમ હિમાલયથી શિવજી આવ્યા તેમજ બુદ્ધ માત્ર ચોવીસ કલાકના હતાં, ત્યારે તેમની પાસે એક પ્રબુદ્ધ વ્યક્તિ આવી હતી અને તે વ્યક્તિએ બાળક બુદ્ધના ચરણ સ્પર્શ કર્યા હતાં.
ત્રીજી વ્યક્તિ હતી મસ્તોબાબા. જે ઓશો કિશોરવયના હતાં ત્યારે તેમને મળવા આવ્યા હતાં અને કિશોર રજનીશને પગ પકડીને રડતા હતા તેઓ જાણી ગયા હતાં કે કિશોર રજનીશ ભવિષ્યના બુદ્ધ હતાં. ત્યારે રજનીશજી સમજી શક્યા નહોતા, પરંતુ પાછળથી તેઓએ કહેલ કે મસ્તો બાબાની વાત હવે હું સમજી શકું છું.
ઓશોને બાળપણથી ત્રણ વ્યક્તિઓ જાણી ગયા હતાં કે તેઓ ભવિષ્યના બુદ્ધ છે. એમાના એક પાગલ બાબા, બીજા મસ્તો બાબા અને ત્રીજા જગ્ગા બાબા આ ત્રણેય બાબાઓ અલ્લડ અને મસ્ત હતાં. પાગલ બાબાને લોકો પાગલા બાબા એટલા માટે કહેતા હતાં કે તેમની વાત લોકો સમજી શકતા નહીં. આથી તેમને લોકો પગાલ કહેતા.
મસ્તો બાબાનું જીવન પણ મસ્ત હતું. તેઓ કિશોર રજનીશને ખાસ મળવા આવ્યા હતાં. પાગલ બાબાએ ઓશો સાથે મસ્તો બાબાનો પરિચય કરાવ્યો હતો. મસ્તો બાબા ઘણીવાર કિશોર ઓશોના પગ પકડીને કેટલીયે વાર સુધી એમને એમ પડી રહેતા. એ સમયે ઓશોને સમજાતું નહતું, પરંતુ ઓશોએ જ્યારે સમાધિ પ્રાપ્ત કરી ત્યારે આનું રહસ્ય જાણ્યું કે શા માટે પાગલ બાબા, મસ્તો બાબા અને મગ્ગા બાબા તેમને આટલું મહત્ત્વ આપતા હતાં.
મગ્ગા બાબાનું નામ એટલા માટે પડ્યું કે, તેમની પાસે એક ગંધાતી ગોદડી અને મગ (વાસણ) હતું. જે મગમાં મગ્ગા બાબા પાણી પીતા, જમતા વિગેરે. તેની વિદાય વખતે કિશોર ઓશોને કહ્યુંકે, હવે મારે જવાનો સમય આવી ગયો છે. તું મારી પાસે કંઈક માગ, તો કિશોર રજનીશે તેની પાસેથી જુની ગોદડી હતી તે માગી… અને બન્ને ખૂબ-ખૂબ હસ્યા…!
રાત્રે મગ્ગા બાબાને કિશોર રજનીશ સ્મશાને મળવા જતા. તેઓ ફક્ત રજનીશ સાથે જ વાત કરતા બીજી કોઈપણ વ્યક્તિ સાથે મગ્ગા બાબા વાત કરતા નહિં. આથી લોકો તેને મૌની બાબા પણ કહેતા.
આમ ઓશોનું જીવન બચપણથી જ કોઈને ન સમજાય તેવું હતું. ઘણીવાર ઓશોના ઘરના માણસો રજનીશને પાગલ કહેતા, ફક્ત એક તેમના નાની જ સમજી શકતા હતાં.
પાગલ બાબાને લોકો ચરણ સ્પર્શ કરતા તો તેઓ પાગલ બાબા બાળ રજનીશના ચરણ સ્પર્શ કરવાનું કહેતા. લોકોને આ વાત સમજાતી નહોતી અને પાગલ બાબાને કહેતા કે ખરેખર પાગલ બાબા પાગલ જ છે.
ઓશો કહે છે કે, હું સાત વરસ સુધી મારા નાના, નાનીના ઘરે જ રહ્યો. નાનીએ મને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી, હું ગમે તેટલા તોફાનો કરૃ કે કોઈને નુકસાન કરૃં છતાં પણ મારા નાની મને કશું જ કહેતા નહિં અને સામી વ્યક્તિનું નુકસાન ભરપાઈ કરી દેતા.
ઓશો કહે છે કે, હું જ્યારે ચાર-પાંચ વર્ષનો હોઈશ ત્યારે પહેલી જ વાર મેં મારી નાનીના ઘરમાં નિમંત્રવામાં આવેલા એક દિગંબરમૂનિને જોયા. હું હસવું ખાળી શક્યો નહિં. મારા નાનાએ મને કહ્યું, ‘મૂંગો રહેજે મને ખબર છે કે, તું તોફાની છે, તું પાડોશીઓને સતાવે છે ત્યાં સુધી તો હું તને માફ કરી દઉ છું. પણ જો મારા ગુરૃને સતાવવા પ્રયત્ન કરીશ તો હું તને માફ નહિં કરૃ, તે મારા ગુરૃ છે.
પરંતુ રજનીશજીએ એ વખતે પણ એ દિગંબર સાધુને એવા-એવા પ્રશ્નો પૂછ્યા કે તેઓ ક્રોધથી લાલ-પીળા થઈ ગયા. બાળ રજનીશજીએ કહ્યું કે, તમે ક્રોધથી મુક્ત નથી થઈ શક્યતા તો તમારા શિષ્યોને તમે શું આપી શકવાના હતાં. ત્યારે મારા નાના તેમને ચૂપ રહેવા કહેવા લાગ્યા, તે સમયે પણ નાનીએ તેમને મદદ કરી કે રજનીશના પ્રશ્નો ખોટા નથી. તેમને જે પ્રશ્નો પૂછવા હોય એ પૂછવા દો. નાની પાસે નાના કંઈ બોલી શકતા ન હતાં.
ત્યાર પછી ૧૯૩૯ થી ૧૯પ૧ સુધી ઓશો તેમના માતા-પિતાના ગામ ગાડરવાળા (મધ્યપ્રદેશ) માં રહેવા આવ્યા, નાના ના મૃત્યુ પછી નાની પણ અહીં જુદુ મકાન રાખીને રહેતા હતાં.
ઓશોને શાળાએ બળજબરીપૂર્વક દાખલ કરવામાં આવ્યા. કેમ કે તેઓ શાળાને જેલ માનતા હતાં.
પરંતુ ઓશો બાળપણથી જ વિદ્રોહી હતા તેની પ્રતીતિ તેને શાળાએ મૂકવામાં આવ્યા તે દિવસથી જ થઈ. ઓશોના વર્ગ શિક્ષક ખૂબ જ ક્રૂર અને ધમંડી હતા. તેને બધા ‘કંધાર માસ્તર’ કહેતા તેમને એક જ આંખ હતી તેથી બધા તેને ‘કંધાર’ કહેતા. કંધાર એટલે કાણિયો. તે ખૂબ જ ક્રૂરની સાથે કદરૃપો અને ધમંડી હતો. ઓશોના પિતા અને નાના પણ તેના પાસે ભણી ગયા હતં. બાળકોની ભૂલ થાય તો પેન્સિલ તેઓ રાખતા અને બે આંગળીઓની વચ્ચે પેન્સિલ રાખી જોરથી તેઓ દબાવતા. વિદ્યાર્થી રાળો પાડતા તો કહેતા કે ‘હજુ વધારે દબાઉ’…?
ઓશોના પહેલા દિવસે આ કંધાર માસ્તર ગણિતનો વિષય લેતા હતા. ઓશો બારી બહાર કુદરતી દૃશ્ય જોતા હતાં. કંધાર માસ્તરે આ જોયું તેને ઉભો કર્યો. તેણે જે શિખવ્યું હતું તે પાળા વિષે પૂછ્યું, તો ઓશોએ તેના સાચેસાચા જવાબ આપ્યા. છતાં કંધાર માસ્તરે ઓશોને કહ્યું કે, ‘હું ગણિત શિખવતો હતો ત્યારે તું બહાર કેમ જોતો હતો…?’
રજનીશજીએ કહ્યું, ‘ગણિત જોવાની વસ્તુ નથી. સાંભળવાની છે અને મેં તમને જવાબો સાચા આપી દીધા છે.’
પરંતુ કંધાર માસ્તર પેન્સિલ લેવા ગયા તો રજનીશજીએ કહ્યું કે, તમે પસ્તાશો, મને ખોટી રીતે સજા કરશો તો હું પ્રિન્સિપાલ આગળ તમારી ફરિયાદ કરીશ. વહીવટ આગળ રજૂ કરીશ, પોલિસમાં તમારી વિરૃદ્ધ ફરિયાદ કરીશ.’
કંધાર માસ્તર ધ્રુજી ગયા, કેમ કે, હજુ સુધી તેમની સામે કોઈ વિદ્યાર્થી તો શું કોઈ વાલી પણ તેની વિરૃદ્ધ બોલી શકતા નહોતા અને એક નાનો છોકરો તેની સામે થવાની આટલી હિંમત કરે છે…?’ આ માસ્તર વિરૃદ્ધ કોઈ થાય તો તેને નાપાસ કરતા પરંતુ રજનીશજીએ કહ્યું કે, હું નાપાસ થવાનું પસંદ કરીશ પરંતુ અન્યાય સહન કરવાનું પસંદ નહિં કરૃં.
રજનીશજી પ્રિન્સિપાલ પાસે જઈ ફરિયાદ કરી, પ્રિન્સિપાલ સાવ નકામા નીકળ્યા, રજનીશજી પ્રમુખ પાસે ગયા, પ્રમુખે તેમને ઉપપ્રમુખ શંભુ દુબે નામની વ્યક્તિ પાસે મોકલ્યા જે સાચી વાતને ટેકો આપવાવાળા હતા. શંભુ દુબે આટલા નાના બાળકની હિંમતથી ખૂબ જ અંજાઈ ગયા અને ખૂબ જ ખુશ થયા અને શાબાશી આપી. અને તેમને પોતાના મિત્ર બનાવી દીધા. જે જીવનભર મિત્રતા રહી.
શંભુ દુબેએ બીજા દિવસથી કંધાર માસ્તરને નોકરીમાંથી ઉતારી મૂક્યા.
આમ બાળ રજનીશથી માંડીને આચાર્ય રજનીશ… ભગવાન રજનીશ… અને છેલ્લે ઓશો રજનીશજીએ જીવનભર અસત્ય સામે એટલો વિદ્રોહ કર્યો કે, તેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કરી જબલપુર યુનિવર્સિટીમાં ૧૯પ૬ થી ૧૯૭૦ સુધી પ્રોફેસર તરીકે નોકરી કરેલ. આ સમય દરમિયાન ઓશોએ પૂરા ભારતમાં ભ્રમણ કરીને પ્રવચનો આપ્યા અને પૂરા ભારતમાં એક વૈચારિક ક્રાંતિ ફેલાવી. આથી તેમના હજારો ચાહકો ઉપરાંત લાખો વિરોધીઓ પણ પેદા થયા. ખાસ તો પાંખડી ગુરૃઓ તેમનાથી ખૂબ નારાજ થયા.
હવે ઓશો ધ્યાન શિબિરો લેવા લાગ્યા. ર૬-સપ્ટેમ્બર ૧૯૭૦ ના હિમાલયની તળેટી કુલ્લુ-મનાલીમાં ઓશોએ ધ્યાન શિબિરમાં સંન્યાસ આપવાની શરૃઆત કરી, જે સંન્યાસ નવસંન્યાસ તરીકે ખ્યાતી પામી, જેમાં ઘર-બાર છોડ્યા વગર સંન્યાસી જીવન જીવવાની ઓશોએ નવી પ્રેરણા આપી.
હવે ૧૯૭૪ માં રજનીશજી તેમના સંન્યાસીઓને લઈને પુના રહેવા આવ્યા અને ‘રજનીશ આશ્રમ’ ની સ્થાપના કરી.
અહીં પંદર દિવસ હિન્દીમાં અને પંદર દિવસ અંગ્રેજીમાં પ્રવચનો આપવા લાગ્યા. તેમના પ્રવચનોની ઓડિયો-વિડીયો ટેપ તેમજ પુસ્તકો ફક્ત ભારતમાં જ નહિં પરંતુ દુનિયાના બીજા દેશોમાં વેંચાવા લાગ્યા. આથી હવે તેમને સાંભળવા દેશ, વિદેશથી જીજ્ઞાસુઓ આવી અને તેમનો સંન્યાસ લેવા લાગ્યા.
હવે ઓશો વિશ્વ આખામાં ફેલાવા લાગ્યા, તેમના પુનાના ‘રજનીશ આશ્રમ’ માં વિશ્વ આખાથી જીજ્ઞાસુઓ આવી અને સંન્યાસી બનવા લાગ્યા. ઓશોએ હવે બહાર પ્રવચન આપવાનું બંધ કર્યુ.
તેઓ ૧૯૮૧ થી ૧૯૮૪ સુધી મૌન ધારણ કર્યુ હતું. ૧૯૮૧ માં અમેરિકા ગયા જ્યા એકસો છવ્વીસ માઈલ ઉજ્જવળ પ્રદેશ ઓશોના સંન્યાસીઓએ ખરીદીને પાંચ વરસમાં કાશ્મીર જેવો બનાવી દીધો. પરંતુ તે સમયની રેગન સરકારને આ ન ગમ્યુ. અમેરિકાને એમ જ કે દુનિયામાં ઉત્તમ કાર્ય અમેરિકા સિવાય કોઈ કરી શકે નહિં. પરંતુ આ ‘રજનીશ પુરમ’ નગર જોતા અમેરિકાના મુલાકાતીઓ પણ દંગ રહી ગયા. આખરે ઓશો ઉપર ખોટા-ખોટા મનઘડત પાંત્રીસ કેસો કરી જેલમાં પૂરી દેવામાં આવ્યા. અને અગિયાર દિવસ સુધી એક જેલમાંથી બીજી જેલમાં ફેરવી ‘થેલિયમ’ નામનું ધીમું ઝેર આપી એક પણ કેસ સાબિત ન કરી શકતા છોડી મૂકવામાં આવ્યાં.
ત્યાર પછી ૧૪-નવેમ્બર ૧૯૮પ માં ઓશો ફરી ભારત આવી પુના આવ્યા.
ત્યાર પછી ૧પ-ફેબ્રુઆરી-૧૯૮૬ થી ૩૦ જુલાઈ ૧૯૮૬ દરમિયાન વિશ્વ પ્રવાસે તેમના ચાર્ટડ પ્લેનમાં નીકળ્યા. જે ગ્રીસ, જીનીવા, ઈટાલી, સ્વીડન, હોલેન્ડ, સ્વીટઝરલેન્ડ, પશ્ચિમ જર્મની, ગ્રેટબ્રિટન, સ્પેન, કેનેડા વિગેરે એકવીસ દેશોમાં ગયા પરંતુ અમેરિકાની સરકારના દબાણથી તેઓને દેશ નિકાલ કરવામાં આવ્યા, જે અમેરિકાના ઈતિહાસ માટે એક કાળુ પ્રકરણ છે.
ભારત આવ્યા પછી તેમને ‘થેલિયમ’ નામના ધીમી ઝેરની અસર બે વર્ષ પછી થવા લાગી.
આખરે ઓશોએ તેમનો દેહ તા. ૧૯-જાન્યુઆરી-૧૯૯૦ ના દિવસે છોડ્યો. જે અત્યારે એ જ અમેરિકા તેમજ દુનિયાના લગભગ દેશોએ તેમને સીધા કે આડકતરી રીતે તેમના વિચારોને સ્વીકાર્યા છે. આ છે સત્યની તાકાત…!


















































