ભરોસો, વિશ્વાસ, ટ્રસ્ટ દરેક ભાષામાં શબ્દ ભલે અલગ અલગ રહ્યો પરંતુ અર્થ એક જ છે. દરેક સંબંધનો પાયો એ ભરોસો છે પછી એ પ્રેમ હોય, મિત્રતા હોય કે માતા – પિતા સાથેનો સંબંધ હોય. આજ – કાલ આ ભરોસાનો વેપાર થવા લાગ્યો છે, “ભરોસો રાખીને તમતારે લઈ જાવ પૈસા.” આ ભરોસો વ્યાજ સ્વરૂપે મસમોટી રકમે ચુકવવામાં આવે છે. વ્યાજે પૈસા લેવા આવેલો વ્યક્તિ પણ સામે એજ શબ્દ કહે છે, “શેઠ, મારા પર ભરોસો રાખો, હું સમયે પૈસા ચૂકવી જ દઇશ.” આ સમય ઘણા શેઠ લોકોને આવતો જ નથી.
ભરોસો શબ્દ સાંભળતા જ જે હકારાત્મક અનુભવ થતો હતો તો અનુભવ હવે, શંકાનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. તમે જાણો જ છો શંકા એ એક એવી લંકા છે, જેમાં જ્યારે આગ લાગે ત્યારે ભરોસો તો તૂટે જ છે સાથે સંબંધ પણ તૂટે છે. સીતાજી અગ્નિ કરતાં પણ વધુ પવિત્ર હતા છતાં એક શંકાના કારણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો ભરોસો ડગમગાવેલો અને સીતાજીએ, શ્રી રામનો ભરોસો મેળવવા અગ્નિ પરીક્ષા આપવી પડી. પુરુષોમાં ઉત્તમ એટલે પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પણ ભરોસો કરી બેઠા બીજાની વાત પર અને પોતાની જ અર્ધશક્તિ સીતાને વનવાસમાં મોકલી દીધી.
કિમત નથી આજે ભરોસાની એટલે તેનો મન ફાવે તેમ ઉપયોગ થાય છે, જો પેટ્રોલની જેમ ભરોસો વેચાતો મળતો હોત તો દરેક વ્યક્તિ સમજીને તેનો ઉપયોગ કરેત. એવું નથી કે ભરોસો દર વખતે તમને છેતરે જ છે, ભરોસો નથી છેતરતો, માણસની અંદર રહેલી ભરોસો તોડવાની વિકૃતિ એને તોડે છે, વિનોબા ભાવે ખૂબ સરસ સમજાવે છે, માણસની અંદર ત્રણેય રહેલું છે, “સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ.” માણસ જો ભરોસો સાચવીને સંબંધ આજીવન સાચવે તો તેની એ સંસ્કૃતિ છે, એજ વ્યક્તિ જો ભરોસાપાત્ર બને તો એ તેની પ્રકૃતિ છે અને જો વાતે વાતે ભરોસો કાચનો ટુકડો સમજી તોડે તો તે તેની વિકૃતિ છે.
શ્રી કૃષ્ણે પણ સુદામાની પરીક્ષા શું કામ કરી? સુદામાને ભરોસો ના હતો કે, કૃષ્ણએ તેની મદદ કરી હશે, કૃષ્ણએ તો હીરા, મોતી જવેરાતથી સુદામાનું ગાડું ભરી દીધું હતું પરંતુ એ શંકાની લંકાએ કૃષ્ણને મજબૂર કર્યા પરીક્ષા લેવા માટે. સાત સાત અવતાર ભરોસો આવે એટલે જ ભગવાને અવતર્યા હશે છતાં આપણે ભરોસો નથી કરતાં ઉલ્ટા ના આપણું કામ ના થાય એટલે ભગવાનને જ સવાલ કરીએ છીએ, “મે તારા પર ભરોસો કરેલો અને તે આવું કર્યું મારી સાથે?” ભગવાન પણ ઉપર હસતો હશે અને વિચારતો હશે કે, “મે તો ભરોસો કરવાનું શિખવાડેલું, આંધળો ભરોસો તો તું તારી જાતે કોર્સ કરીને શીખીને આવ્યો છે.”
પ્રાણીઓ વફાદાર થતાં જાય છે અને માણસ નાદાર થતો જાય છે. એટલે જ હવે માણસ ઘર નું ધ્યાન રાખવા માટે કૂતરાને પાળે છે કારણ કે વધુ ભરોસો તેના પર છે કે કોઈ ઘરમાં ઘૂસી આવશે તો ભસીને બધાને અવગત કરશે. વાત બસ એટલે આવીને ઊભી રહી કે, ભરોસામાં કૂતરો માણસ સમાન થયો અને માણસ કુતરા સમાન.
Related