ભારતીય સનાતન પરંપરામાં તહેવારો ઉજવાય છે સંબંધો નહીં. આપણે સંબંધો નિભાવીએ છીએ, સનાતન રીતે. અને એટલે જ હું
આજે Mother’s Day નિમિત્તે માતાના ગુણગાન ગાવા કે માતા અને પિતાને સરખાવવા નથી આવ્યો અલબત્ત આજે માની
મમતાથી સહેજ જુદી વાત કરવી છે.
માના ઘણા બધા ગુણો છે,એમાંથી માની વિરતાની વાત કરીએ તો
એ ઝાંસીની રાણીમાં પણ દેખાય જેમણે પોતામાં બાળકને પીઠે બાંધીને આખું યુદ્ધ લડયું ને માતા જીજાબાઈમાં પણ દેખાય જેમણે
વીરતાના હાલરડાં ગાઈને શિવાજીને સુવડાવ્યા હતા.
” લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય
તે દી તો સિંદોરિયા થાપા છાતી માથે ઝીલવા, બાપા
શિવાજીને નીંદરૂ ના’વે માતા જીજાબાઈ ઝુલાવે…”;
– ઝવેરચંદ મેઘાણી
મુઘલ યુગમાં ગાદી માટે રાજકીય હત્યા થતી હોવાથી મુહમ્મદ બેગડા ની માતાને કોઈક તેમના પુત્ર ને ઝેર આપી દેશે તેવો ડર સતાવી
રહ્યો હતો. તેઓ “ઝેર નું મારણ ઝેર” નો સિદ્ધાંત જાણતા હતા. તેથી તેમણે મુહમ્મદ ને તેના બાળપણ થી થોડું થોડું ઝેર આપવાનું
શરૂ કર્યું. ધીમે ધીમે, તે માત્રા વધારો કર્યો જેથી તે ભવિષ્યમાં તે કોઈ પણ ઝેર ને પચાવી શકે.
વળી માનું સમર્પણ તો સૌ જાણતા જ હશે. અમથું અમથું સમર્પણ આપવું માને બહુ ગમે,વાટકી રસ બાકી હોય તો મને નથી ભાવતો
એમ કરીને આપી દે,ઘણી વાર આપણને ખબર પણ ન હોય કે આજે મા એ શું ખાધું ,ખાધું કે ન ખાધું. નાની નાની વાતોમાં એને
સમર્પણ આપવાની જાણે આદત પડી ગઈ હોય છે. મોટા ભાગે આ આદત બધાનું ભલું કરે છે પણ અમુક વાર એને પોતાને જ
મુશ્કેલીમાં ધકેલી દે છે
માતા પોતાનો વાન, રૂપ,વજન,શરીર નો આકાર બધું જ છોડે છે, અને જે મેળવે છે એ એક બાળક. અને ફરી માને સ્વસ્થ થતા ઘણો
સમય લાગે છે.
એક સંતાનને ઉછેરવા પાછળ માનું રૂપ ને પિતાના રૂપિયા સિવાય પણ કેટલુંય ખર્ચાઈ જાય છે. એનું મૂલ્ય કરી શકો…તો કરો.
માતાના વ્યક્તિત્વની વાત કરીએ તો માના આંખ જેવું તેજ,એના સ્મિત જેવી મીઠાશ,એના ધાવણ જેવી ઉર્જા,એના સ્પર્શ જેવું
સુખ,એના ખોળા જેવી સલામતી ને એના ગર્ભ જેવી મોકળાશ,એના હાથ જેવું જાદુ ,અને એના કાળજા કેરી કોમળતા બીજે ક્યાંય ન
મળે.
માની ગોદ વિશે સુરેન ઠાકર ‘મેહુલ’ લખે છે કે,
શીતળતાને પામવાને માનવી તું દોટ કાં મૂકે,
જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી.
માતા આપણને આશ્વાસન આપી શકે છે પિતા જુસ્સો,એવું નથી કે પિતા ના આપી શકે,પણ જ્યાં સુધી હું સમજુ છું પુરુષો જલ્દી
ખુલતા નથી અને ભાવના પણ વ્યક્ત નથી કરી શકતા એટલે જે રીતે માતા નો હાથ ફરે ને જે ઉર્જા આવે એ રીતે પિતા પોતાનામાં
હોવા છતાં આપી નથી શકતા.
માના ગુણોમાં એક સમાવેશ ગણિત ને ગણતરીનો પણ થયા,ગણિત એટલે ફક્ત આંકડાઓ નહીં.ઘરનો બધો જ હિસાબ અને બચત
પણ. ગમે એવી આર્થિક વિકટ પરિસ્થિતિમાં પણ ચાર ચોપડી ભણેલી મા પણ ઘર ચલાવી જાણે છે.
ગુણવંત શાહ કહે છે ” માતા તો વાત્સલ્યની યુનિવર્સિટી છે અને માબાપનો શબ્દાર્થ શબ્દકોશમાં મળશે,પરંતુ ભાવાર્થ સમજવા
હૃદયકોશ જ જોવો પડે”
ઘણી વાર એવું બને કે માતાના ગુણો પર પ્રકાશ પાડવામાં પિતાના ગુણો અંધારામાં રહી જાય છે. પિતાનું પણ એટલું જ મહત્વ છે.
ફક્ત બંનેની પર્વરિશની રીત જુદી ને નોખી છે
“માતા સંતાનોને ખાનદાની શીખવે છે તો પિતા ખુમારી.”
-વીપીન પંડ્યા
અને એટલે જ આપણે આવી રીતે સંબંધોને રોજેરોજ ઉજવતા રહીએ અને એવા નિખારીએ કે પરિવારમાં વ્હાલ અને હૂંફ બની રહે
અને ‘Mother’ day’ કે “Father;s Day” ઉજવવાની નોબત ન આવે.
જય હિન્દ.
-દેવમ સંઘવી “તત્ત્વમ્”


















































