માં તારા પ્રેમ ની છાયા સામે આ ચંદ્રની શીતળતાની શું વાત!
માં તારા હાથ ના સ્પર્શ સામે આ પુષ્પોની કોમળતાની શું વાત!
“માં” શબ્દ આવતા ની સાથે એક વાક્ય તો જરૂર મગજમાં આવે કે “મા” ને વર્ણવવા જાઓ તો શબ્દો ખૂટી પડે. હા, અને આ વાત
પણ તદ્દન સાચી જ છે. ઘણીવાર માતાની મમતા માટે ઉપકાર શબ્દ વાપરવામાં આવતો હોય છે, પરંતુ મારા મતે માતાના મમત્વ ને
કોઈ શબ્દ પ્રયોગની જરૂર છે જ નહીં. આતો વાત રહી માતાની મમતા, તેનું વર્ણન, કેટલાક શબ્દો પરંતુ આ બધાનું મૂળ તો એક જ
“માં”
દરેક માણસ એના જીવન સાથે જોડાયેલી ઘણી વ્યકિતઓ ને પ્રેમ કરે છે અને ઘણી બધી રીતે એને વ્યક્ત કરે છે. બાળકના જન્મ પછી
જ્યારે એને તેની માતાને સોંપવામાં આવે છે ત્યારે સૌથી પહેલો સ્પર્શ બાળકને એની માતા કરે છે. એ માણસ ના જીવનનો પહેલો
નિઃસ્વાર્થ પ્રેમ ભર્યો સ્પર્શ હોય છે. તમને ખબર છે મિત્રો એ સ્પર્શમાં શું શક્તિ છે??? તમે વિચારતા હશો કે શક્તિ એ પણ જન્મ્યાં
ની સાથે થયેલા એક સ્પર્શ માત્રમાં!!! હા, એ સ્પર્શમાં એક માતાની મમતા સમાવતી અદ્રશ્ય શક્તિ રહેલી હોય છે. તમારા જન્મતાની
સાથે જ જો કોઈના હૃદયમાં તમારા પ્રથમ હિત બાબતે વિચાર આવે અને તે વ્યક્તિ ઈશ્વર ને તમારા હિત માટે પ્રાર્થના કરે, તો એ
હૃદય ચોક્કસ પણે એક માતાનું હોય છે. એના મનમાં રહેલા વાત્સલ્યની અદ્રશ્ય શક્તિ તેના પહેલા અને દરેક સ્પર્શમાં રહેલી છે.
જીવનમાં એવા ઘણા તબ્બકાઓ આવે છે જ્યારે તમે પોતાની જાત ને માનસિક કે શારીરિક પણે અશક્ત માની બેસો છો, કદાચ આખી
દુનિયા તમને અશક્ત સમજે છે. આવી ચિંતાજનક પરિસ્થતિ માં જ્યારે તમે સૂતા હોય ત્યારે તમારા કપાળ પર એક સ્પર્શ થાય છે
અને એક નરમ અને આત્મવિશ્વાસ ધરાવતો અવાજ કાને પડે છે કે "ધીરજ રાખ, બધું જ સારું થઈ જશે". કદાચ પરિસ્થિતિ ઓ
ગંભીર થી અતિ ગંભીર થઈ શકે છે પણ એક વ્યક્તિનો તમારા પરનો વિશ્વાસ હંમેશા કાયમ રહે છે એ છે "માં", અને એના વિશ્વાસ
માં એક શક્તિ છે. એક અદ્રશ્ય તાકાત જે તમારા મન સુધી પહોંચી તમને હીંમત આપે છે.
ક્યારેક તમે થોડાક બીમાર હોવ કે તમારો મૂડ સારો ન હોય ત્યારે તમારા જણાવ્યા વગર માતાની નજરોમાં તમારી તકલીફ દેખાઈ
જતી હોય છે. સામાન્ય દ્રષ્ટિ માં અને નજરમાં આજ ભેદ છે. દ્રષ્ટિમાં થી માણસ દેખાય છે અને નજર થી માણસનું મન. તમારી મૌન
પરિસ્થિતિ ને ઓળખવાની આ વાત ને આપણે મમતાનો અદ્રશ્ય સ્પર્શ કહીશું, જે તમને સ્પર્શ કર્યા વિના તમારા હૃદય ને સ્પર્શ કરી
ગયો. માતાને જેવું સમજાશે એવું જ તમારા માથા પર હાથ ફેરવશે અથવા એના ખોળામાં તમારું માથું લઈને વ્હાલ કરશે. આ સ્પર્શ
સાથે જ તમારું હૃદય અચાનક હળવું થઈ જાય છે. આ એક શક્તિ જ તો છે જે માની મમતામાં રહેલી છે.
તમારા જીવન સાથે તમારી માતાની એક અદ્રશ્ય શક્તિ સંકળાયેલી રહે છે. માતાના પ્રેમની શક્તિ અને એની મમતાનું વર્ણન ઘણી
બધી રીતે થયેલું છે. ૧૦ મે એટલે કે માતૃ દિવસ નિમિત્તે આજે કૈંક મનમાં રહેલું લખવાનું મન થયું એટલે માતાના અદ્રશ્ય અને
દેખીતા સ્પર્શમાં રહેલી જાદુગરી વિશે તમારી સમક્ષ આ લેખ પ્રસ્તુત કરું છું.
માતૃ દિવસ નિમિત્તે તમામ વંદનીય માતાઓને અચલનાં કોટિ કોટિ વંદન.
અસ્તુ,
જય ભારત.
~ ધ્રુવ પટેલ (અચલ)


















































