નમસ્કાર મિત્રો,
દરેક વ્યક્તિનું જીવન ધર્મ અને કર્મ નામના બે પૈડાં પર ચાલી રહ્યું હોય છે. માનવી પોતાના જીવનમાં કર્મના સિદ્ધાંતને આધારે વિવિધ પ્રકારના કર્મોના ફળ ભોગવતો હોય છે, જે પૈકી સારા ફળ કે પરિણામોને તે સુખ અને કઠોર કે અનિચ્છનીય પરિણામોને તે દુ:ખના નામે સ્વીકારતો હોય છે.
વ્યક્તિના જીવનમાં જ્યારે કઠોર સમય આવે ત્યારે તે તેનાથી બચવા કે તેના કુપ્રભાવને ઓછો કરવા જગ્યાએ જગ્યાએ ભાગતો ફરે છે. મંદિર, મસ્જિદ, દોરા ધાગા, ભૂત ભૂવા, તંત્ર, યંત્ર, મંત્ર, જાપ – કોઈ જ વિકલ્પ છોડતો નથી. જ્યારે આ તમામ વિકલ્પો પછી તેને કોઈ જ સમાધાન ન મળે ત્યારે એકમાત્ર આશાનું જે કિરણ દેખાય છે, એ છે જ્યોતિષ. જ્યોતિષ નામનો અર્થ જ એવો છે, જ્યોત અને ઈશ – એ જ્યોતિ જે વ્યક્તિને અંધકારમાંથી બહાર કાઢી ઈશ્વર તરફ લઈ જાય છે.
હું 2014ની સાલથી મારા ગુરુ હરિવદનભાઈ ચોક્સી પાસેથી લાલ કિતાબનો અભ્યાસ કરી રહ્યો હતો અને હજી પણ ચાલુ જ છે. જ્યોતિષ એક એવું શાસ્ત્ર છે જે ક્યારેય સમાપ્ત ન થઈ શકે. દર અલગ કુંડળીએ તમને કંઈક નવું જાણવા શીખવા મળે. આજકાલ જે રીતે તમે વર્તમાનપત્રોમાં અને ઈન્ટરનેટ પર જાહેરાતો જુઓ છો, એનાથી એ સમજવું સાહજિક છે કે જ્યોતિષને અમુક લોકો ગોરખધંધા કે મૂરખ બનાવવાના કામ તરીકે સરખાવવા લાગ્યા છે. ઘણા લોકોની એવી ફરિયાદ આવી છે કે ફલાણા જ્યોતિષ પાસે ગયા અને આટલો ખર્ચો કર્યો તો પણ સમાધાન ન મળ્યું, તો એનું કારણ જ એ છે કે દોસ્ત, તમે જે વ્યક્તિને મળ્યા એનું શાસ્ત્ર તો સાચું જ છે, પણ એ વ્યક્તિ ખોટી છે. ઘણા પેપરમાં જાહેરાત આવતી હોય છે, “મારું કરેલું તોડે એને મોં માંગ્યું ઈનામ…”, પણ ભાઈ કોઈ કેવી રીતે તારું કરેલું તોડી શકે ???
તે કંઈ તોડવા જેવું કર્યું જ ના હોય તો કેમનું તોડે…???
બીજી એક વાત, જ્યોતિષ એ કર્મોના ફળથી બચાવનાર કે એ ભોગ્ય ફળને રોકનાર કે બદલનાર શાસ્ત્ર નથી, પરંતુ એ કર્મોના કઠોર ફળની અસરને ઓછી કરવાનો માર્ગ બતાવે છે. ધારો કે કોઈ વ્યક્તિના ભાગ્યમાં એમ લખેલું છે કે એ માણસને આ સમયે અકસ્માત થશે, તો એ અકસ્માતને રોકી નહિ શકાય પણ હા, એ સંભવ છે કે ઈજાનું પ્રમાણ ઓછું થઈ શકે. આપણે કહેવત છે ને કે શૂળીનો ઘા સોયથી ટળ્યો.
આ સિવાય સૌથી મહત્વપૂર્ણ વાત એ કે, જો જાતક પોતાના ખોટા કર્મો કરવાની આદત ન છોડે તો તેને વિશ્વનો કોઈ પણ જ્યોતિષ, શાસ્ત્ર કે ભગવાલ ખુદ બચાવી ન શકે. જ્યોતિષશાસ્ત્ર અને ગ્રહો પોતાની હકારાત્મક અસરો ત્યારે જ બતાવશે જ્યારે વ્યક્તિ ચરી પાળે. રોજિંદા માંસ, મટન અને દારૂના ઉપયોગ પર પાબંદી એ જ્યોતિષની મૂળભૂત શરત છે. શક્ય છે કે કોઈ વ્યક્તિ મારા આ વાક્ય સાથે સહમત ન થાય પણ હું સખતપણે માનું છું કે જો તમારે તમારા જીવને શાંતિ અપાવવી હોય તો અન્ય જીવને પણ જીવન આપ્યે જ છૂટકો.
આવતા અંકમાં જોઈશું કે શુ છે લાલ કિતાબ… શુ છે તેનો ઈતિહાસ અને વૈદિક તથા અન્ય જ્યોતિષને લગતા ઘણા બધા વર્ગો અને વિષયો હોવા છતાં મે અભ્યાસ માટે લાલ કિતાબ શાસ્ત્ર જ કેમ પસંદ કર્યુ
હવે મળીશુ આવતા સપ્તાહે. त्वदीयम जीवन त्रिपुरा तुभ्यमेव समर्पयते
Aadit Shah


















































