આ છેલ્લા એક વર્ષથી મહામારી શબ્દ સાંભળીએ છીએ, ઘણાં એવા વિડિઓ જોયા જેમાં લાશોના ઢગલા જોયા, પણ આ બધું ખોટું છે એમ માની જીવતા હતા. પણ છેલ્લા એક મહિનાથી જે રીતે કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે એ જોતાં હવે એમ લાગે છે કે આવા લાશોના ઢગલા વાળા વીડિયો નહિં પણ નજર સમક્ષ એવા દ્રશ્યો જોવાનો સમય દૂર નથી.
આ ખરેખર જ્યાં વધારે કેસ આવે છે ત્યાંની હકીકત છે કારણ ત્યાં હોસ્પિટલમાં દાખલ થવા જગ્યાઓ નથી, ઘરમાં એકમાંથી બધાં સંક્રમિત થઈ રહ્યા છે, લક્ષણો વગર કોરોના પોઝીટીવ આવી રહ્યાં છે, જો હજુ બેદરકારી રાખશું તો પસ્તાવા સિવાય કંઈ હાથમાં નહીં આવે.
વાત એમ છે કે એક શહેરમાં રહેતાં અમારા સગા અને ઓળખીતા વારાફરતી વારા કોરોના પોઝિટિવ આવવા લાગ્યા, અને એમાંથી અમુક લોકોએ તો કોરોના વેકસિનના બંને ડોઝ પણ લઈ લીધા છે, અને પછી દરેકે સાવધાની ઓછી કરી જેથી રોજ અગણિત કેસ આ શહેરોમાં આવવા લાગ્યા અને વર્તમાન સ્થિતિ એવી સર્જાઈ છે કે ત્યાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવા ક્યાંય જગ્યા નથી, પરિસ્થિતિ ખુબજ વિકટ છે. આ તો એક શહેરમાં છે પણ જો આપણે તકેદારી નહિં રાખીએ તો પરિસ્થિતિ કાબુમાં લેવી આપણાં માટે અશક્ય થઈ જશે. આ બધું હું બધાને બિવડાવવા માટે નથી લખી રહી પણ જે હકીકત મારી સામે આવી છે, તે બધાંથી સૌને ચેતવવા માગું છું.
આપણે સૌએ આ પરિસ્થિતિને હળવેથી ના લેતાં મનોમન એક નિશ્ચય કરવો પડશે કે આપણે આપણાથી બનતો પ્રયાસ કરીશું, કે કોરોનાના નિયમોનું પાલન કરીએ અને બીજા આગળ પણ કરાવીએ. પ્રભુની ઇચ્છા હશે તો જલ્દીથી જ આપણે આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર આવીશું.
મનિષા સેજપાલ