“પપ્પા પ્લીઝ! ટીવીનો અવાજ ધીમો કરો.”
ન છૂટકે મારે જોરથી બોલવું પડ્યું. ક્રિકેટ મેચ આવતી હોય, એટલે પપ્પા ગાંડા થઈ જાય. ફુલ વોલ્યુમ પર ટીવી જોવે, અને અમારું વન રૂમ કિચનનું ઘર સ્ટેડિયમ બની જાય. પપ્પા એ મ્યુટનું બટન દબાવ્યું અને મને ઠપકો આપતા કહ્યું,
“ગાયત્રી, મને શાંતિથી મેચ જોવા દઈશ!!”
“પપ્પા, હું તમને મેચ જોવાની ના નથી પાડતી, ફક્ત વિનંતી કરું છું, કે અવાજ ધીમો રાખો. મમ્મીને લખવામાં ડિસ્ટર્બ થતું હશે.”
પપ્પા તરત માથું હલાવતા બોલ્યા,
“તારી મમ્મીને કાંઈ ફરક નહીં પડે. એ પોતાના વિચારોમાં ખોવાયેલી હશે. કિચનમાં જઈને જો, લખતા લખતા મોઢે સ્મિત હશે.”
પપ્પાએ મ્યુટ હટાવ્યું, પણ આ વખ્તે અવાજ ધીમો રાખ્યો. એ મેચ જોવામાં વ્યસ્ત થઈ ગયા અને હું રસોઈમાં જતી રહી. જઈને જોયું, તો ખરેખર મમ્મીના મોઢે સ્મિત હતું અને એ લખવામાં મગ્ન હતા. મારા મમ્મી લેખિકા છે. બહુ પ્રસિદ્ધ નથી, પણ અમુક મેગેઝીન અને ન્યૂઝપેપર માટે લખે છે. મને બે વાતનું આશ્ચર્ય થયું. એક પપ્પા, મમ્મીને કેટલી સારી રીતે ઓળખે છે, અને બીજું એ, કે આટલા અવાજમાં મમ્મી કેવી રીતે લખવા પર ધ્યાન કેદ્રીત કરી શકે છે?
હું એમની પાસે જઈને બેઠી અને પૂછ્યું,
“મમ્મી આજે ક્યાં વિષય પર લખી રહ્યા છો?”
એમણે માથું ઊંચું કર્યા વગર જવાબ આપ્યો,
“એકાંત.”
મારો અચંબો વધી ગયો.
“મમ્મી, એક તો આપણું ઘર આટલું નાનું અને આજુબાજુ આટલો અવાજ, તમે કેવી રીતે લખવા પર ધ્યાન કેદ્રીત કરી શકો છો? આવા માહોલમાં સારું અને ગુણવત્તા પૂર્વક કેમ લખાય?”
એમણે પોતાની બુક બંધ કરી અને ચશ્મા કાઢતા મારી સામે જોયું,
“પહેલાં મને ખૂબ ડિસ્ટર્બ થતું, પણ પછી મે મારી જાતને કેળવી નાખી.”
“હા, પણ કેવી રીતે?”
મમ્મી હસી પડ્યા,
“જો લેક્ચર ન લાગે અને એવું ન સમજ કે હું ડીંગા મારુ છું, તો આગળ વાત કરું.”
“શું મમ્મી તમે પણ! બોલોને.”
“મને નાનપણથી લખવાનો બહુ શોખ હતો અને પિયરે ઘર મોટું હતું, કોઈ પણ ખૂણામાં એકાંત શોધીને લખવા બેસી જતી. પણ લગ્ન પછી બધું બદલાય ગયું.”
“તો શું તમે લખવાનું મૂકી દીધું હતું?”
“હા, અમુક વર્ષો સુધી. ઘરની જવાબદારી, નાનું ઘર અને આ બધા પચરંગી અવાજ. આવા માહોલમાં
ક્યાં લખાય? હું એકદમ હતાશ થઈ ગઈ અને ખૂબ રડતી. મારા જીવનની સૌથી પ્રિય વસ્તુ છૂટી ગઈ હતી.”
મમ્મીના મનની વાત હું પહલી વાર સાંભળી રહી હતી. ખૂબ રસ જાગ્યો.
“તો આ પરિવર્તન કવે રીતે આવ્યું?”
મમ્મી એ મને આગળ જણાવ્યું,
“પછી મેં ક્યાંક વાંચ્યું હતું, કે એકાંત શોધો નહીં, પોતાની અંદર કેળવવો.”
“એ કેમ કરાય?”
મમ્મી હસ્યાં અને મારા માથે હાથ ફેરવ્યો.
“સહેલું નથી. પહેલા તો મને મારા ઘણા બધા વિચારોને ફિલ્ટર કરવા પડ્યા. ઘણું બધું ખરાબ લગાડવાનું મૂકી દીધું. તદુપરાંત, ઘણી વસ્તુઓને જતું કરતા શીખી ગઈ. જો હું, એમ ન કરતે, તો એજ વિચારો મગજમાં ભવન્ડર ઉભું કર્યા કરતે.”
મને મમ્મીની આ વાત ગમી, તે છતાંય મનમાં એક પ્રશ્ન આવ્યો.
“ઓકે, પણ મનના એકાંત માટે, આસપાસની શાંતિ હોવી જરૂરી છેને?”
“હાં, તદ્દન સાચી વાત. જો આસપાસ શાંતિ મળે તો ખૂબ સારું, ન મળે તો it’s okay. દીકરા, મારુ એવું માનવું છે, કે એકાંત એક આંતરિક બાબત છે. જેમાં પોતાને સમેટવાની અને સમજવાની તક મળે છે. જે મે મારા માટે શોધી લીધી છે.”
પપ્પાનો ટીવીનો અવાજ ફરી મોટો થઈ ગયો અને અમે બન્ને માં દીકરી હંસી પડ્યા.
“મમ્મી, ક્યારેક મને એવું મન થાય છેને, કે ક્યાંક ભાગી જાઉં. આ ઘોંઘાટથી દૂર.”
મમ્મી એ મારી પીઠ થાબડીને કહ્યું,
“ગાયત્રી, એકાંત સારી વાત છે, એકલતા નહીં. ચાલ… જમવાનો સમય થઈ ગયો છે.”
શમીમ મર્ચન્ટ


















































