દુનિયામાં લગભગ એવી કોઈ વ્યક્તિ નહિ હોય કે જેનામાં અહંકાર એટલે કે ego નહી હોય.અહંકારનું પ્રમાણ ભલે ઓછું હશે,પણ હશે તો ખરું જ! એક બાળક પણ ભલે ગમે તેટલું નાનું હશે,પરંતુ તેને ખોટું તો બહુ જલ્દી લાગી જતું હોય છે! બાળક પોતાના જ આસપાસના લોકો પાસેથી શીખે છે,અને ધીરે-ધીરે તે અહંકારનું રૂપ લઇ લેતું હોય છે.લગભગ દુનિયામાં બધાને પોતાની જાતને સાચવવી ખુબ ગમતી હોય છે.ઘણીવાર તો Self-respectના નામે પણ માણસો પોતાનો ego જ સંતોષતા હોય છે.કોઇપણ વ્યક્તિનો એક ખોટો અહંકાર પોતાના જ જીવનને કેટલું નુકશાન પહોચાડી શકે છે,એવું કયારેય વિચાર્યું છે? પોતાની અંદર રહેલો અહંકાર જ વ્યક્તિના જીવનનો ખરેખરો આનંદ છીનવી લેતો હોય છે.
અહંકારના પણ અલગ-અલગ પ્રકાર હોય છે.એમાંનો જ એક અહંકાર છે; “મને બધું આવડે છે”.જીવનમાં અમુક જગ્યાએ પહોચીને એટલે કે જીવનમાં અમુક સફળતા પ્રાપ્ત કરીને માણસને એવું લાગવા લાગે છે કે “મને બધું આવડે છે”.ખરેખર જો જોઈએ તો પ્રભુએ આ દુનિયામાં બધાને કોઈ ને કોઈ આવડત આપી જ છે.પ્રભુએ જ આપેલી આવડત માણસ ક્યારેક પોતાની સમજી લે છે,અને પોતાના દ્વારા કરેલ કાર્યોનો શ્રેય માણસ પોતાની જાતને જ આપવા માંડે છે.માણસ એવા સમયે ભૂલી જાય છે કે; “પોતે તો ફક્ત કટપુતળી જ છે,જીવનની દોરી તો ખરેખર પ્રભુના હાથમા જ છે”.પોતાના જ અહંકારમાં માણસ એટલો બધો બદલાઈ જાય છે કે,જીવનમાં બધું શીખવાનું મુકીને નાની-નાની ભૂલો કરવા માંડે છે.અને પોતે જ પોતાના વિકાસમાં અવરોધ ઉભો કરે છે.
એકવાર એક મહાન વિચારક એક સંતને મળવા તેમના ઘરે જાય છે.બંનેની વચ્ચે અલગ-અલગ વિષય ઉપર ચર્ચા થાય છે.વિચારક પોતે સંતને જણાવે છે કે “આમ તો મેં મારા ઊંડા અભ્યાસ અને અનુભવને લીધે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે,પરંતુ હું હજીપણ બીજું જાણવા માંગું છું.શું તમે મારી કોઈ મદદ કરી શકશો?” સંત પોતે જાણતા હતા કે આ વિચારક પોતાના વિષયના ખુબ મહાન વિધવાન છે,અને જેનો એમને ઘમંડ પણ છે.સંત પોતે વિચારે છે કે,અહી સીધી વાત કરવાથી કોઈ કામ બનવાનું નથી.જેથી થોડીવાર રહીને એમણે એક કાગળ ઉઠાવ્યું અને તે વિચારકને એ કાગળ આપતા કીધું કે, “આ સારી વાત છે કે તું કઈક શીખવા માંગે છે,પણ મને કેવી રીતે ખબર પડે કે તે અત્યાર સુધીમાં શું-શું શીખી લીધું છે અને શું-શું નથી શીખ્યું?” જેથી તને જે બાબતો ખબર હોય અને જે બાબતો ખબર ન હોય એ બધી આ કાગળ ઉપર લખી દે.જે બાબત તને પહેલેથી ખબર છે એ બાબત ઉપર ચર્ચા કરવી વ્યર્થ છે.જે તને નથી ખબર એ વિષય પર જ ચર્ચા કરવી બરાબર રહેશે.
વાત એકદમ સરળ હતી,પરંતુ વિચારક માટે થોડી મુશ્કેલી હતી.વિચારકે જયારે આ બાબત વિષે વિચારવાનું શરુ કર્યું તો તેમને લાગ્યું કે મારું જ્ઞાન તો હજી ઘણું બધું અધૂરું છે.પોતે જે પણ બાબત વિષે વિચારતા તે બાબતનું સંપૂર્ણ જ્ઞાન તો ખરેખર તેમને હતું જ નહિ.સંતની વાત સાંભળીને તે વિચારમાં પડી ગયા અને ઘણા સમય સુધી વિચાર્યા પછી એ કાગળ એવો ને એવો સંતના હાથમાં પાછો આપી દીધો અને બોલ્યા કે “શ્રીમાન હું તો કઈ જ નથી જાણતો તમે આજે મારી આખો ખોલી નાખી”.તેમના વિનમ્રતા પૂર્વક બોલાયેલા શબ્દોથી સંત ખુબ જ પ્રભાવિત થઇ ગયા અને બોલ્યા, “ઠીક છે,હવે તે શીખવા માટેની પહેલી બાબત જાણી કે ‘તું કશું જ નથી જાણતો’.ખરેખર,આ જ જ્ઞાનની પ્રથમ સીડી છે, “ખાલી વાસણ હોય તેને તો ભરી શકાય છે પરંતુ અહંકારથી ભરેલા વાસણમાં એક ટીપું પણ જ્ઞાનનું ભરવું સંભવ નથી”.
જીવનમાં કઈક જ્ઞાન મેળવવા માટે માણસની પોતાની તૈયારી હોવી ખુબ જરૂરી છે.આ દુનિયામાં કોઈ પણ માણસ જ્ઞાનની બાબતમાં સંપૂર્ણ નથી.છતાય ઘણીવાર પોતાની જાતને સંપૂર્ણ જ્ઞાની સમજવું એ બહુ મોટી ભૂલ છે.“મને બધું આવડે છે,અને હું પોતે દરેક કાર્ય કરવા સક્ષમ છું” એવું વિચારવું કે સમજવું એ માણસની મોટામાં મોટી ભૂલ છે.અહમનો અસ્વીકાર કરનાર માણસને જ દુનિયા હંમેશા સ્વીકારતી હોય છે.
– ઉર્વશી મનીષ બ્રહ્મભટ્ટ “ઉદ્યમી”


















































